રાજકોટમાં 31 વર્ષથી શ્રાવણના ઉપવાસ કરે છે અહેસાનભાઈ

રોજ 11 કિમી ચાલી ઈશ્વરિયા મહાદેવ જાય છે, પૂજા સાથે નમાજ પણ પઢે છે

પવિત્ર શ્રાવણ માસ ચાલી રહ્યો છે ત્યારે દેવોના દેવ મહાદેવની સર્વત્ર અને સર્વલોકો પૂજા-અર્ચના કરી રહ્યા છે, પરંતુ રાજકોટના એક ભક્તની શ્રદ્ધા અનેરી છે, જેની તોલે ભાગ્યે જ કોઈ આવી શકે. હવે કોઈને એવું થશે કે આ તે વળી કેવા ભક્ત… તો તમને કહી દઉં કે આ ભક્ત છેલ્લાં 31 વર્ષથી શ્રાવણના ઉપવાસ કરે છે. દરરોજ પોતાના ઘરેથી 11 કિલોમીટર ચાલીને પૌરાણિક ઈશ્વરિયા મહાદેવનાં દર્શને જાય છે…. અને તેમનું નામ છે અહેસાનભાઈ… ધર્મે મુસ્લિમ હોવા છતાં કોમી એકતાની પ્રાર્થના સાથે અહેસાનભાઈ નિત્ય મહાદેવના શરણમાં જાય છે, જેથી લોકો ધર્મનો ભેદ ભૂલી, એક અને નેક બની એકબીજાને મદદ કરે.

સ્કૂલમાં જ શિક્ષકની પ્રેરણાથી ભક્તિનો રંગ લાગ્યો
જાગનાથ પ્લોટમાં રહેતા 49 વર્ષીય અહેસાનભાઈ ચૌહાણ નાનપણમાં સરકારી શાળામાં અભ્યાસ કરતા હતા. એ સમયે મિત્રો સાથે જાગનાથ મહાદેવ જતા હતા. એક દિવસ શિક્ષકે હિન્દુ ધર્મ વિશે માહિતી આપી દેવોના દેવ મહાદેવ છે એમ જણાવ્યું હતું. આ પછી તેઓ જ્યારે ધોરણ-5માં પહોંચ્યા ત્યારથી મનમાં શ્રાવણ માસનો સંકલ્પ લીધો. બસ, ત્યારથી તેઓ દર વર્ષે શ્રાવણ મહિનામાં ઉપવાસ કરે છે, દરરોજ ચાલીને ઈશ્વરિયા ગામે મહાદેવનાં દર્શને જાય છે.

અહેસાનભાઈએ જણાવ્યું હતું કે જ્યારે તેમણે પિતાને પૂછ્યું કે હું મહાદેવના મંદિર જઇ શકું? તો તેના જવાબમાં પિતાએ જણાવ્યું હતું કે નમે તે સૌને ગમે. અલ્લાહ હોય કે ભગવાન… બધું એક જ છે. તેમની પાસે જે દુઆ કરવાની છે એ જ પ્રાર્થના કરવાની છે. ત્યારથી હું કોમી એકતા માટે ભગવાન મહાદેવની પૂજા-અર્ચના કરું છું. 12 વર્ષ પહેલાં રમઝાન અને શ્રાવણ મહિનો સાથે હતો. આ વર્ષે મોહરમ અને શ્રાવણ મહિનો સાથે આવ્યો છે. હું તો રમઝાન જેટલી જ શ્રદ્ધાથી શ્રાવણ પણ કરું છું. ઉપરવાળા એક સમજે છે તો આપણે પણ સમજવું જોઇએ. હું દરગાહે દુઆ કરવા જાઉં છું અને ભગવાન મહાદેવના મંદિરે પણ દર્શન કરવા જાઉં છું.

ભિક્ષુકો, અનાથ હોય દિવ્યાંગ હોય તેવા લોકોને હું અલગ અલગ ધાર્મિક સ્થળોની યાત્રા કરાવું છું, એમ જણાવી અહેસાનભાઈએ ઉમેર્યું હતું કે આ વર્ષે શ્રાવણ મહિનાના પ્રથમ સોમવારે સોમનાથ મહાદેવની યાત્રા પણ કરાવી હતી, જેમાં તમામને સવારનો નાસ્તો, બપોરનું જમવાનું, સાંજનો નાસ્તો અને રાતનું ભોજન કરાવ્યું હતું. કોઈ સોમવાર રહ્યા હોય તો એના માટે અલગથી ફરાળ વ્યવસ્થા કરવામાં આવી હતી. કુલ 245 લોકોને સોમનાથ મહાદેવનાં દર્શન કરાવ્યા, જેમાં કુલ 70થી 75 હજારનો ખર્ચ થયો હતો, જેમાં મારા હિન્દુ ભાઈઓએ મને આર્થિક મદદ પણ કરી હતી.

રિલેટેડ ન્યૂઝ