નેશનલ ગેમ્સમાં ગુજરાત 60 થી વધુ મેડલ્સ સાથે ટોપ ફાઈવમાં આવશે

રાજકોટ તા. રર
ઓલિમ્પિક ફોર્મેટ સાથે રમાતી નેશનલ ગેમ્સ છેલ્લે 2015 કેરાલામાં રમાયેલી, જેમાં ગુજરાત 10 ગોલ્ડ સહીત 20 મેડલ્ર્સ સાથે 9 માં ક્રમે હતું, જયારે 2011 માં 28 માં ક્રમે હતું. ગુજરાત રાજ્યની નેશનલ ગેમ્સમાં ઉત્તરોત્તર પ્રગતિની સંભાવનાને જોતાં 36 મી નેશનલ ગેમ્સમાં 60 થી વધુ મેડલ્સની સંભવના સાથે ગુજરાત ટોપ ફાઈવમાં આવી શકે છે, તેમ શેફ ડી મિશન, નેશનલ ગેમ લોજીસ્ટીક હેડ અને હોકી ગુજરાતના જનરલ સેક્રેટરી વિજય કર્પે તેમના અનુભવ પરથી જણાવે છે.
36 મી નેશનલ ગેમ્સમાં ગુજરાતે ટેબલ ટેનિસમાં ગોલ્ડ સાથે મેડલ્સનું ખાતું ખોલાવ્યું છે, અને હજુ સ્વિમિંગ, લોન ટેનિસ, આર્ચરી, બાસ્કેટ બોલ, વોલીબોલ સહિતની ગેમ્સમાં ગુજ્જુ ખેલાડીઓ પ્રતિસ્પર્ધામાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી ચોક્કસ વધુ ને વધુ મેડલ્સ મેળવશે, તેમ વિજયભાઈ જણાવે છે.
ગુજરાતના ખેલાડીઓ વિવિધ સ્પોર્ટ્સમાં ઉત્તરોત્તર સારું પ્રદર્શન કરી રહ્યા છે તે અંગે વિજયભાઈ મંતવ્ય આપતા જણાવે છે કે, ગુજરાતમાં ખેલકૂદ માટે હાલ યોગ્ય વાતારવરણ છે. ખેલ મહાકુંભ, ડી.એલ.એસ.એસ. સહિતની પ્રવૃત્તિ તેમજ પ્રોત્સાહક ઇનામ અપાતા વિદ્યાર્થીઓમાં રમતગમત પ્રત્યે આકર્ષણ વધ્યું છે. ખેલાડીઓ માટે આંતરરાષ્ટ્રીય કક્ષાના મેદાન તેમજ કોચની સુવિધા ઉપલબ્ધ બનતા ખેલાડીઓ તેમનું શ્રેષ્ઠ પ્રદર્શન કરશે..
ગુજરાતના આર્ચરીમાં પ્રેમિલા બારીયા, સ્વિમિંગમાં માના પટેલ, ટેબલ ટેનિસમાં હર્મિત દેસાઈ, લોન ટેનિસમાં અંકિતા રૈના સહિતના ખેલાડીઓ આંતરરાષ્ટ્રીય કક્ષાએ ઉત્કૃષ્ટ દેખાવ દ્વારા નવી જનરેશન માટે રોલ મોડેલ બની રહ્યા છે.
નેશનલ ગેમ્સમાં શ્રેષ્ઠ દેખાવ કરનાર ખેલાડીના રેન્કિંગથી રાષ્ટ્રીય ટીમમાં સિલેક્શન માટેના દ્વાર ખુલી જતા હોય છે. આંતરરાષ્ટ્રીય ગેમ્સમાં ભારતનું પ્રતિનિધિત્વ કરવાનું સ્વપ્ન રાષ્ટ્રીય ટીમમાં સિલેક્શનથી સરળતાથી પાર પડી શકે છે.
36 મી નેશનલ ગેમ્સનું હોસ્ટ ગુજરાત છે ત્યારે હોમ ગ્રાઉન્ડ પર ગુજરાત ઉત્કૃષ્ટ દેખાવ ચોક્કસ કરશે, તેવો આશાવાદ વિવિધ રમતગમતના કોચ દર્શાવી રહ્યા છે.

રિલેટેડ ન્યૂઝ