પંખીડાની ચણ માટે નવરાત્રિમાં ઉજવાશે નાટ્યોત્સવ

 • આ વર્ષે રજુ થનારા નાટકો
 • તારીખ નાટક
 • 26/09/2022, સોમવાર પૃથ્વીરાજ ચૌહાણ
 • 27/09/2022, મંગળવાર રણુજાનાં રાજા રામદેવ પીર
 • 28/09/2022, બુધવાર રા’નવઘણ
 • 29/09/2022, ગુરૂવાર ઘર ઘૂંઘટ ને ઘરચોળું
 • 30/09/2022, શુક્રવાર કાશ્મીરના મોરચે
 • 01/10/2022, શનિવાર સોમનાથની સખાતે
 • 02/10/2022, રવિવાર અમર દેવીદાસ
 • 03/10/2022, સોમવાર જેસલ તોરલ
 • 04/10/2022, મંગળવાર રાજા ભરથરી
 • 05/10/2022, બુધવાર જય ચિત્તોડ

156 વર્ષની અવિરત્ પરંપરા આજે પણ યથાવત્: કવિ કલાપીના ધામ લાઠીમાં મહાકાળી નવરાત્રિ નાટક મંડળની અનન્ય પક્ષી સેવાનો ધમધમતો યજ્ઞ

(પ્રતિનિધિ દ્વારા) રાજકોટ તા.22
માં શક્તિની આરાધનાના મહા પર્વ નવરાત્રિ મહોત્સવની ઉજવણીનું સમગ્ર દેશમાં અનેરૂ મહાત્મ્ય છે. લોકો સુખ શાંતિ અને આનંદમય જીવનની કામના – પ્રાર્થના સાથે નવરાત્રિ પર્વ પર શક્તિની ભક્તિ કરતા હોય છે. જોકે અબોલ જીવ એવા ભોળા પંખીડાઓ અને અન્ય તમામ પંખીઓ માટેની ચણ એકત્ર કરવા માટે અમરેલી જિલ્લાના કલાપી નગર એટલે કે લાઠી ગામમાં પરંપરાગત નવરાત્રિ ઉત્સવના ગરબાની સાથોસાથ આશરે દોઢ સૈકા કરતા વધુ સમયથી શ્રી મહાકાળી નવરાત્રિ નાટક મંડળ દવારા નવરાત્રિ દરમ્યાન રોજ ધાર્મિક, સામાજિક, પૌરાણિક અને ઐતિહાસિક નાટકો ભજવવામાં આવી રહ્યા છે. પંખી પ્રેમની સંવેદનાથી તરબતર એવા મહાન રાજવી કવિ સ્વ. સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલ યાને કે કવિ કલાપીનાં ધામ એવા લાઠી ગામમાં છેલ્લા 156 વર્ષથી આ અનોખી રીતે ઉજવવામાં આવી રહેલા આ અદભૂત નાટયોત્સવમાં આ વર્ષે તા. 26/09/2022 થી તા. 05/10/2022 દરમ્યાન 10 નાટકો રજુ થનાર છે.
આજથી લગભગ 156 વર્ષો પૂર્વે લાઠી ગામનાં મહાન સંત પૂ. શ્રી વસંતદાસજી બાપુએ સ્થાપેલા શ્રી મહાકાળી નવરાત્રિ નાટક મંડળ દ્વારા આજે પણ આપણી સામાજિક-ધાર્મિક પરંપરા, ભવ્ય ઈતિહાસ, સંસ્કૃતિ અને સમાજ જીવનનું આબેહુબ પ્રતિબિંબ ઝીલતા વૈવિધ્યસભર નાટ્ય પ્રયોગો થકી કલાપીની પક્ષી જગત પ્રત્યેની સંવેદના અને લાગણીને વાચા આપવામાં આવી રહી છે. નાટકો દરમ્યાન રજુ થતી નિર્દોષ અને પારિવારિક એવી કોમેડી નાટિકાઓ લોકોમાં ખુબ જ ચાહના ધરાવે છે. વળી રાજવી કવિ સ્વ.શ્રી સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલ (કલાપી) નાં અભૂતપૂર્વ કાવ્યોએ પણ લાઠી ગામને જે જબરદસ્ત પ્રતિષ્ઠા અપાવી જે આજે પણ બરકરાર છે.
રાજાશાહી વખતથી શરુ કરાયેલો આ સિલસિલો આજે દોઢ સદીથી અવિરત ચાલ્યો આવે છે ને તેને આગળ ધપાવવામાં લગભગ પાંચ-પાંચ પેઢીઓ બદલી ગઈ છે. જુની પેઢીનાં કલાકારો દ્વારા સતત મળી રહેલા માર્ગદર્શનના પરિણામે આજે પણ આ નવરાત્રિ ઉત્સવનો મૂળભૂત હેતુ યથાવત જળવાઈ રહ્યો છે. નાટક મંડળનાં સભ્યો દ્વારા વ્યક્તિગત પ્રશસ્તિની કદીપણ ખેવના કરવામાં આવતી નથી તે ખરેખર આશ્ચર્ય જન્માવે છે. આ નાટ્ય ઉત્સવ નિહાળવા અનેક ગામો-શહેરોમાંથી લાઠીની મુલાકાતે આવતા લોકો અને સ્થાનિક લોકો તરફથી પંખીની ચણ માટે અનાજ કે રોકડ રકમનું દાન આપવાની ઘોષણા થતી હોય છે. અનાજનું અનુદાન આપવાની ઈચ્છા વ્યક્ત કરનારા દાતાઓ-શ્રદ્ધાળુઓ પાસેથી નાટક મંડળનાં સભ્યો મકર સંક્રાંતિનાં પાવન દિવસે અનાજ એકત્ર કરે છે. નવરાત્રિમાં માત્ર બોલી બોલનારા દાતાઓ જ નહી પરંતુ બોલી નહી બોલનારા લોકો પણ આ દિવસે મંડળને અનાજનું દાન આપતા રહે છે. આ એક જ દિવસમાં, પંખીડાઓને આખું વર્ષ ચણ નાખી શકાય એટલા મોટા જથ્થામાં અનાજ એકઠું થાય છે. લાઠીની મેઈન બજારનાં મુખ્ય માર્ગ પર લુવારીયા દરવાજા પાસે આવેલ શ્રી કષ્ટભંજન હનુમાનજીનાં મંદિરે નાટક મંડળનાં સભ્યો આખું વર્ષ રોજ પંખીડાઓને ચણ નાખતા રહે છે.
દર વર્ષે શ્રી મહાકાળી નવરાત્રિ નાટક મંડળના 70 જેટલા સભ્યો શ્રાવણ માસથી જ નાટ્ય પર્વની વિભિન્ન તૈયારીઓ શરૂ કરી દેતા હોય છે. સમગ્ર આયોજનને પ્રચાર માધ્યમો, સરકારી કચેરીઓ જેવી કે મામલતદાર ઓફીસ, પોલીસ ડીપાર્ટમેન્ટ, નગરપાલિકા વગેરે તેમજ ઉદ્યોગપતિઓ, વ્યાપારી સમુદાય તથા સ્થાનિક જનસમુદાયનો પુરો સાથ સહકાર મળી રહે છે.
આ તકે એ ખાસ ઉલ્લેખ કરવો રહ્યો કે, લાઠીનાં પૂ. સંતશ્રી વસંદા બાપુની સમાધી ગરબી ચોક પાસે જ છે ને ત્યાં શ્રી રામજી મંદિર પણ છે, સંતશ્રી વસંદાબાપુ કેવું દૈવી જીવન જીવી ગયા તેનો ભવ્ય ભૂતકાળ પણ જાણવા જેવો છે. નવરાત્રિમાં નાટકો વધુ ચોટદાર રીતે રજુ થાય અને લોકોનાં હૃદયને સ્પર્શી જાય તેવી રીતે તેનું મંચન કરવામાં વડીલ સભ્યોનું યોગદાન દાદ માંગી લે તેવું છે જે બદલ તમામ યુવા સભ્યો વડીલોનો આદર સાથે ઋણ સ્વીકાર કરે છે. દર્શકો માટેની બેઠક વ્યવસ્થામાં મહિલા વર્ગ માટે અલાયદી જગ્યા ફાળવવા આવે છે.

રિલેટેડ ન્યૂઝ