સાયલામાં મધ્યાહન ભોજન યોજનાના કર્મિઓના ધરણા

(પ્રતિનિધિ દ્વારા)
વઢવાણ,તા.22
સાયલા ખાતેની મામલતદાર કેચેરીએ મધ્યાહન ભોજન યોજનાના કર્મચારીઓએ ધરણા કરી દેખાવો કર્યા હતાં. તેમાં જોડાયેલા સંચાલકો અને કર્મચારીઓએ સરકાર સામે પડતર પ્રશ્નો અંગે રોષ વ્યક્ત કર્યો હતો.
મધ્યાન ભોજન સંચાલક પ્રમુખ લક્ષ્મણભાઈએ જણાવ્યું કે સરકાર દ્વારા અમારા પ્રશ્ર્નોનું નિરાકરણ લાવવામાં નહીં આવે તો આવનારી ચૂંટણીમાં દરેક બેઠક ઉપર અમે જવાબ આપીશુ.
રાજ્યમાં હાલ અનેક કર્મચારીઓ પોતાની માંગણી પુરી કરવા સરકાર સામે આંદોલન ઉપર ઉતર્યા છે.તેની મધ્યાહન ભોજન કર્મચારીઓ અને સંચાલકોએ પણ અન્યાય સામે આંદોલનનો માર્ગ અપનાવ્યો છે. જો કે હજુ સુધી સરકારે કર્મચારીઓને ન્યાય મળે તેવો નિર્ણય લીધો ન હોવાથી બુધવારે સાયલા મામલતદાર કચેરી ખાતે મધ્યાહન ભોજન કર્મચારીઓ દ્વારા પ્રતીક ધરણા કરવામાં આવ્યા હતાં. તેમાં મોટી સંખ્યામાં કર્મચારીઓ જોડાયા હતાં.
રાજ્યમાં 1984થી શરૂ કરાયેલી મધ્યાહન ભોજન યોજનાના સંચાલકને રૂપિયા 1600, રસોયાને 1400 તથા હેલ્પરને 500 અથવા 100 સંખ્યા ઉપરના બાળકોને 1400નું નજીવું વેતન ચૂકવવામાં આવે છે, જેમાં માનદ વેતનને દૂર કરી લઘુતમ વેતનની અમલવારી કરવામાં આવે તેમજ ઉનાળાના વેકેશન દરમિયાન વેતન ચૂકવાય તે માટે માંગણી કરવામાં આવી છે. મોંઘવારીને ધ્યાને લઈ કુકિંગ કોસ્ટ માં 7.5 થી 10 ટકા સુધીનો વધારો કરવા માટે કરાયેલા પરિપત્રનો અમલ કરવાની માગણી પણ કરવામાં આવી હતી.

રિલેટેડ ન્યૂઝ