રાજકોટમાં ચૂંટણી જાહેરાત પછી 35 ચેકપોસ્ટ ઉભી કરાશે

આઠ બેઠક માટે 22 હજારથી વધુનો ચૂંટણી સ્ટાફ,
ખર્ચ, મટીરીયલ્સ, ટ્રાન્સપોર્ટ સહિતની ટીમો તૈયાર

ચૂંટણી પંચ સંભવિત રાજકોટની મુલાકાત લેશે
આગામી તા.26 અને 27ના રોજ મુખ્ય ચુંટણી કમિશ્નર સહિત 16 સભ્યોની ટીમ ગુજરાતમાં આવી રહી છે. ત્યારે ચૂંટણી પંચની ટીમ રાજકોટમાં પણ સંભવિત મુલાકાત લે તેવી શક્યતા છે. આથી કલેકટર દ્વારા ચૂંટણીની તમામ તૈયારી સાથેનો એક્શન પ્લાન હાથવગો રાખવામાં આવ્યો છે.
સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ-હોસ્ટેલ અને સખી સેન્ટરનું કાલે લોકાર્પણ
જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કાલાવડ રોડ ઉપર કરોડો રૂપિયાના ખર્ચે તૈયાર કરવામાં આવેલ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનું કામકાજ પૂર્ણ થઈ ગયું છ.ે આ માટે આવતીકાલે સ્પોટર્સ કોમ્પ્લેક્સનું કાલે લોકાર્પણ શિક્ષણ મંત્રી જિતુભાઈ વાઘાણીના હસ્તે કરવામાં આવનાર છે. આ ઉપરાંત રેસકોર્ષ ખાતે બનાવવામાં આવેલ સ્પોટર્સ હોસ્ટેલનું પણ લોકાર્પણ કરવામાં આવનાર છે. જ્યારે સિવિલ હોસ્પિટલમાં મહિલાઓ માટે બનાવવામાં આવેલ સખી વન સ્ટોપ સેન્ટરનું પણ લોકાર્પણ કરવામાં આવનાર છે

રાજકોટ,તા.22
ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે ત્યારે રાજકોટ જિલ્લા કલેકટરે શહેરની ચાર અને ગ્રામ્ય વિસ્તારની 4 મળી કુલ 8 વિધાનસભા બેઠકની ચૂંટણી માટે એકશન પ્લાન તૈયાર કરી લીધો છે. કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા ગમ્મે ત્યારે ચૂંટણીનું એલાન જાહેર કરવામાં આવનાર છે. તેને ધ્યાનમાં રાખીને કલેકટર દ્વારા રાજકોટ જિલ્લામાં કુલ 35 ચેક પોસ્ટ ઉભી કરવામાં આવનાર છે તેમ આજે જિલ્લા કલેકટર અરૂણ મહેશ બાબુએ પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું હતું. કલેકટરે વધુમાં જણાવ્યું હતું કે, વિધાનસભાની ચૂંટણીની જાહેરાત
પછી સ્ટેટીક, ફ્લાઈંગ અને પોલીસની ટીમ માટેના ઓર્ડરો અત્યારથી જ કરી દેવામાં આવ્યા છે. એક વિધાનસભા બેઠકમાં 3 ટીમ તૈનાત કરવામાં આવનાર છે. ચૂંટણીમાં નાણાકીય હેરફેર રોકવા માટે પંચના આદેશ મુજબ ટીમોની રચના પણ કરી દેવામાં આવી છે. આમ આઠ વિધાનસભા બેઠકમાં 24 ટીમો બનાવવામાં આવી છે. આ માટે રાજકોટ શહેરમાં 13 અને ગ્રામ્ય વિસ્તારમાં 22 ચેક પોસ્ટ ઉભી કરવામાં આવનાર છે. વિધાનસભાની ચૂંટણી માટે કલેકટર દ્વારા 18 નોડલ ઓફિસરોની પણ નિમણૂક કરી દેવામાં આવી છે. આ તમામ નોડલ
ઓફિસરોને તાલિમ આપવામાં આવી રહી છે. આ ઉપરાંત ખર્ચ, સ્ટેટીક, ફ્લાઈંગ, વીડિયોગ્રાફી, મટીરીયલ્સ મેનેજમેન્ટ, ટ્રાન્સપોર્ટ
મેનેજમેન્ટ, સ્ટાફ ડિપ્લોમેન્ટ, એસ.એમ.એમ. મોનિટરીંગ સહિતની ટીમો બનાવવામાં આવનાર છે. આ તમામ ટીમો માટે અત્યારથી જ તાલિમ આપવામાં આવી રહી છે. વિધાનસભાની ચૂંટણીમાં રાજકોટ જિલ્લામાં કુલ 2253 મતદાન મથકો ઉભા કરવામાં આવ્યા છે. આ માટે કુલ 22000 જેટલા ચૂંટણી સ્ટાફની ડેટાએન્ટ્રીની કામગીરી ચાલી રહી છે. રાજ્ય અને કેન્દ્ર સરકારની તમામ સરકારી કચેરીઓ, બોર્ડ નિગમ સહિત 202 જેટલી સરકારી કચેરીનો સ્ટાફ ચૂંટણીમાં લેવામાં આવનાર છે. તેમાંથી અત્યાર સુધીમાં 18800 જેટલા સરકારી કર્મચારીઓની
ડેટાએન્ટ્રીનું કામ પુર્ણ કરી લેવામાં આવ્યું છે. હજુ 4 હજાર જેટલી ડેટાએન્ટ્રી બાકી છે જે આગામી દિવસોમાં પૂર્ણ કરી લેવામાં આવશે.
રાજકોટ શહેર અને જિલ્લામાં ક્રિટીકલ મતદાન મથકનો પણ સર્વે કરી લેવામાં આવ્યો છે. આ માટે પોલીસ કમિશ્નર, જિલ્લા પોલીસ વડા અને કલેકટર દ્વારા બુથનું ચેકીંગ પણ કરવામાં આવ્યું છે. એટલું જ નહીં રાજકોટ શહેરની આસપાસ આવતાં ઔદ્યોગિક વિસ્તારમાં ચૂંટણી દરમિયાન મતદાન ઓછું થતું હોય તેવા બુથ પણ અલગથી તારવવામાં આવ્યા છે. આવા બુથમાં વધુ મતદાન થાય તે માટે તમામ ઔદ્યોગિક એસોસીએશનને તેમના કર્મચારીઓને મતદાનના દિવસે રજા આપવા અનુરોધ કરવામાં આવ્યો છે. વિધાનસભાનીચૂંટણીમાં દિવ્યાંગો વધુ પ્રમાણમાં મતદાન કરી શકે તે માટે જનજાગૃતિ યોજવામાં આવશે. સ્કુલ અને ઔદ્યોગિક વિસ્તારોમાં ખાસ કેમ્પ ઉભા કરવામાં
આવશે. આ ઉપરાંત સરકારી કર્મચારીઓના પોસ્ટલ બેલેટ પેપર તૈયાર કરવાની કામગીરી પણ શરૂ કરી દેવામાં આવી છે. આમ વિધાનસભાની ચૂંટણીની મોટાભાગની કામગીરી કલેકટર તંત્ર દ્વારા આટોપી લેવામાં આવી છે.

.

રિલેટેડ ન્યૂઝ