રાજકોટમાં 8 બેઠકમાં આજે કોંગ્રેસના દાવેદારોની સેન્સ : 63 દાવેદારોની પ્રભારી લેશે સેન્સ

રાજકોટ,તા.22
ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઇને કોંગ્રેસની ક્વાયત તેજ થઇ છે. દરેક રાજકીય પક્ષો ચૂંટણી જીતવા પોતપોતાની રીતે જોર લગાવી રહ્યાં છે. ત્યારે રાજકોટ જિલ્લાની 8 બેઠકો માટે આવતીકાલે સેન્સ લેવાશે. જે માટે નાગર બોર્ડિંગ ખાતે પ્રદેશ નેતાઓ ઉપસ્થિત રહેશે. જિલ્લા અને તાલુકાના આગેવાનો સાથે તેઓ બેઠક કરશે. રાજકોટ શહેરની ત્રણ બેઠક સિવાય રાજકોટ ગ્રામ્ય અને જસદણ, ગોંડલ, ધોરાજી તથા જેતપુર બેઠક માટે આવતી કાલે સેન્સ લેવાશે. આ બેઠકો માટે 63 આગેવાનોએ ફોર્મ ભરીને ટિકિટની દાવેદારી કરી છે. આ તમામ દાવેદારોને ઉપરોક્ત આગેવાનો શુક્રવારે સાંભળશે અને તેમની દાવેદારી ક્યા દ્રષ્ટિકોણથી યોગ્ય છે, કેવી રીતે તે બેઠક જીતી શકાય વગેરે મુદ્દાઓ પર ચર્ચા કરશે. દાવેદારોને ટોળાં સ્વરૂપે નહીં પરંતુ તેમને એકલા આવીને જ પોતાની વાત રજૂ કરવા તાકીદ કરવામાં આવી છે. વિધાનસભાની ચૂંટણી માટે આમ આદમી પાર્ટીએ અત્યાર સુધીમાં ઉમેદવારોની ત્રણ યાદી જાહેર કરી દીધી છે. ત્યારે હવે કોંગ્રેસે પણ ચૂંટણી લડવા ઇચ્છુક ઉમેદવારો પાસેથી નામ મંગાવ્યા બાદ કોંગ્રેસ હરકતમાં આવી ગઇ છે. ત્યારે આગામી તા. 23ના રોજ શુક્રવારે રાજકોટ શહેર જિલ્લાની 8 બેઠકો માટે દાવેદારોને પાર્ટી નિયુક્ત આગેવાનો દ્વારા સાંભળવામાં આવશે. આ અંગે રાજકોટ શહેર કોંગ્રેસના પ્રમુખ પ્રદીપ ત્રિવેદીએ જણાવ્યું હતું કે, રાજ્યની 182 બેઠક માટે રાજ્યભરમાંથી 900થી વધુ નેતા આગેવાનોએ કોંગ્રેસમાંથી ચૂંટણી લડવાની ઇચ્છા વ્યક્ત કરી છે. જેના ભાગરૂપે કોંગ્રેસ હાઇકમાન્ડે ઉમેદવાર પસંદગી પ્રક્રિયા શરૂ કરી છે. રાજકોટ શહેર જિલ્લાની 8 બેઠકો માટે આગામી તા. 23ના રોજ સવારના 10થી 12 દરમિયાન નાગર બોર્ડિંગ ખાતે દાવેદારોને સાંભળવા માટે વિપક્ષી નેતા નારણ રાઠવા અને સૌરાષ્ટ્રના પ્રભારી રામકિશન ઓઝા આવી રહ્યાં છે.

રિલેટેડ ન્યૂઝ