કાર અકસ્માતમાં રાજકોટ જેલ કર્મચારીને કાળ ભેટયો

(પ્રતિનિધિ દ્વારા) વઢવાણ,તા.22
સાયલાના ગોસળ નજીક રાજકોટ તરફથી આવતી કારનું ટાયર ફાટતા અકસ્માત થયો હતો. તેમાં રાજકોટમાં ફરજ બજાવતા જેલ કર્મચારીનું મોત નિપજ્યુ હતું. તેના પગલે જેલના સહકર્મીઓમાં શોકની લાગણી પ્રસરી ગઇ હતી. આ ઘટનામાં બે વ્યક્તિને ઇજા થઇ હતી.
રાજકોટ ખાતે જેલ સિપાઈ તરીકે ફરજ બજાવતા કિરીટસિંહ ભીખુભા સોલંકી શ્રાધ નિમિત્તે પરિવાર સાથે કાર લઇને પોતાના વતન મઢાદ ગામે જઇ રહ્યા હતા. ત્યારે સાયલા પાસે ગોસળના બોર્ડ નજીક ટાયર ફાટતા કાર પલટી ખાઇ ગઇ હતી. આ અકસ્માતમાં ગંભીર ઇજા થવાથી કિરીટસિંહ સોલંકીનું મોત નિપજ્યુ હતું. જ્યારે પ્રદીપ વજુભાઈ અસવાર અને મિતલબેન પ્રદીપભાઈ અસવાર સહિત બન્ને વ્યક્તિને સામાન્ય ઈજા પહોંચી હતી.
તેઓને સારવાર માટે સાયલા સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જ્યારે લાશને પીએમ અર્થે સાયલા સરકારી હોસ્પિટલ ખાતે ખસેડાઇ હતી. ઘટનાની જાણ થતા જેલના કર્મચારીઓ હોસ્પિટલ દોડી ગયા હતાં. આ ઘટનાથી યુવાનના પરિવારમાં શોકની કાલીમા છવાઇ ગઇ હતી.

રિલેટેડ ન્યૂઝ