કાર ચાલક સહિત બે યુવકોને ઈજા; નશાની હાલતમાં ડ્રાઈવીંગ કરતો હોવાની ઉઠી રાવ, વાહનોથી ધમધમતા રસ્તા પર સર્જાઈ દુર્ઘટના: તંત્રમાં દોડધામ
(પ્રતિનિધિ દ્વારા)
રાજકોટ તા.22
રાજકોટ શહેરના ગીચ વિસ્તાર એવા હરિહર ચોક નજીક આંખના પલકારાની ઝડપે જતી લક્ઝુરિયસ કારે ભયાનક અકસ્માત સર્જ્યો છે. જેમાં પૂરપાટ ઝડપે જતી એન્ડેવર કારના ચાલકે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતા કાર વીજપોલ સાથે ધડાકાભેર અથડાઇ હતી. જેમાં કારની સાથે વીજપોલ પણ ધરાશાયી થઈ ઢસડાયો હતો. આ દરમિયાન બે એક્ટિવા સહિત ચાર વાહનને અડફેટે લીધા હતા. જેમાં કાર ચાલક સહિત બે વ્યક્તિને ઇજા પહોંચતા સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા છે. કાર પૂરપાટ જતી હોય તેના સીસીટીવી સામે આવ્યા છે. તેમજ ધડાકાભેર વીજપોલી સાથે અથડાઇ તે ઘટના પણ સીસીટીવીમાં કેદ થઈ છે.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ રાજકોટ શહેરમાં જાણે ટ્રાફિકના કોઈ નિયમ જ લાગુ ન પડતા હોય તેમ અવારનવાર અકસ્માતો અને ટ્રાફિકજામના દૃશ્યો સામે આવતા હોય છે. આજે એક દિવસમાં પૂરપાટ ઝડપે વાહન ચલાવવાના કારણે બે-બે અકસ્માતની ઘટના સામે આવી છે. જેમાં બન્ને અકસ્માતના સીસીટીવી પરથી સ્પષ્ટ જોઈ શકાય છે કે વાહનચાલક પૂરપાટ ઝડપે વાહન ચલાવી રહ્યા છે. શહેરના હરિહર ચોક વિસ્તાર એટલે કે ખૂબ જ ગીચતાભર્યા આ વિસ્તારમાં બપોર પછી ચારેક વાગ્યાના અરસામાં એન્ડેવર કાર નં. જીજે-25-એએ-9801 પૂરપાટ ઝડપે લીમડા ચોકથી હરિહર ચોક તરફ જઈ રહી હતી. આ દરમિયાન ચાલકે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતા કાર વીજપોલ સાથે ધડાકાભેર અથડાઇ હતી. જેમાં ચાર ટુ-વ્હિલરનો કચ્ચરઘાણ નીકળી ગયો છે. તેમજ કાર થાંભલા પર ચડી ગઈ હોય તેવા દૃશ્યો સામે આવ્યા છે. ઇજાગ્રસ્તોને સારવાર માટે તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. અકસ્માત સર્જાતાની સાથે ટ્રાફિકજામના દૃશ્યો સામે આવ્યા હતા. બાદમાં પોલીસને જાણ થતા પોલીસ તથા ફાયર વિભાગ અને 108ની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. જેમાં કાર ચાલક સહિત બે વ્યક્તિ ઇજાગ્રસ્ત થતા તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. પોલીસે ટ્રાફિક ક્લિયર કરાવી કાર્યવાહી હાથ ધરી હતી. ઉલ્લેખનીય છે કે, કાર ચાલક કેફી પદાર્થ પી નશામાં હોવાની ચર્ચા પણ આસપાસના લોકોમાં ઉઠી હતી. આ અંગે પરાબજારમાં રહેતા હરીઓમભાઈ ચંદુભાઈ સંચલે એ ડિવિઝન પોલીસ મથકમાં અકસ્માત સર્જનાર અજાણ્યા કાર ચાલક વિરુદ્ધ ગુનો નોંધાવ્યો છે. એ ડિવિઝન પોલીસ મથકના પીએસઆઇ એસ.એચ. નિમાવત સહિતના સ્ટાફે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.