એકપણ માછીમાર કેસીસી કાર્ડથી વંચિત નહીં રહે: કેબિનેટ મંત્રી

સોમનાથ જિલ્લામાં સાગર પરિક્રમા યાત્રા હેઠળ કેન્દ્રીય પ્રધાન અને રાજ્ય કક્ષાના મંત્રીનો માછીમારો સાથે સંવાદ

(પ્રતિનિધિ દ્વારા) વેરાવળ તા.23
માછીમાર ભાઇઓના વિવિધ પ્રશ્નો અને સમસ્યાઓનો ત્વરીત નિકાલ થાય અને જૈવ વિવિધતાની જાણકારી મેળવવા સાગરયાત્રા યાત્રા-2022 નું આયોજન કરાયું છે. જેના ભાગરૂપે ગીર સોમનાથ જિલ્લામા સાગર પરીક્રમા યાત્રા-2022 ના બીજા દીવસે ભારત સરકારના મત્સ્યપાલન, પશુપાલન અને ડેરીના કેબિનેટ મંત્રી પરશોત્તમભાઇ રૂપાલાના અધ્યક્ષતામાં અને રાજય કક્ષાના મંત્રી, જીતુભાઇ ચૌધરીની ઉપસ્થિતિમાં માઢવાડ ખાતે કાર્યક્રમ યોજયો હતો. જેમાં મંત્રીઓ અને મહાનુભાવોના હસ્તે મત્સ્યદ્યોગની કલ્યાણકારી યોજનાઓના લાભાર્થીઓને લાભોનું વિતરણ કરાયુ હતું. તેમજ મુળ દ્વારકાના માછીમારો સાથે વિવિધ પ્રશ્નો અંગે સંવાદ કરાયો હતો.
આ કાર્યક્રમમાં મંત્રી રૂપાલાએ જણાવેલ કે, આ વિસ્તારના માછીમારોની સમસ્યા જાણીને તેમને સાભળવાનો અવસર આ સાગર યાત્રા થકી મળ્યો છે. માછીમારોનો વ્યવસાય પેઢીઓથી ચાલતો આવ્યો છે. પણ વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ મત્સ્યપાલનને સ્વતંત્ર દરજ્જો આપીને તેના માટે અલગથી બજેટની ફાળવણી કરી છે. ખેડૂતોને મળતું કેસીસી કાર્ડ સાગરખેડૂને પણ આપવાનો નિર્ણય કર્યો છે. લોન વિશેની સમજ આપેલ જેમાં આજે સાગર ખેડુતને 0 ટકા વ્યાજે લોન આસાનીથી મળી રહે તેવી વ્યવસ્થા ગોઠવી છે. જિલ્લાનો એકપણ માછીમાર કેસીસી કાર્ડ અને બેંક માં ખાતાથી વંચીત ના રહે અને માછીમારો જે પાકિસ્તાન જેલમાં બંધ તેને છોડાવવા માટે પ્રયાસ કરી રહ્યા છે. સમુદ્ર નજીકના કિનારાથી માછલી મળી રહે અને દુર જાવુ ના પડે તે માટેનુ આયોજન કરવામાં આવી રહ્યુ છે. આ ઉપરાંત બોટ પર લગાડેલ વાવટા ઉપરથી તેની ઓળખ થાય છે.
રશિયા અને યુક્રેનના યુદ્ધની વાત કરતા જણાવેલ કે, આપણા દેશના નાગરિકો આ યુદ્ધ વખતે તિરંગો લઈને નીકળતા હતા ત્યારે યુક્રેન કે રશિયાના સૈનિકો તેના પર હુમલો કરતા નહી. આ તિરંગાની સાંખ છે. તિરંગાની સાખ આપણા સૌની આબરૂ છે અને તે સ્થાપિત કરવામા વડાપ્રધાન સફળ થયા છે. ફીશરીઝ વિભાગ એ દેશના અર્થતંત્રને ટેકો આપી શકે તેવી તાકાત ધરાવે છે.
આ તકે કલ્પસર, મત્સ્યોદ્યોગ (સ્વતંત્ર હવાલો), નર્મદા, જળ સંપત્તિ અને પાણી પુરવઠા મંત્રી જીતુભાઇ ચૌધરીએ જણાવેલ કે, માછીમાર ભાઈઓ માટે સરકાર વિવિધ યોજનાઓ અમલમા છે. તેમજ તેમના બાળકોને સારૂ શિક્ષણ મળે અને વિકાસ થાય તે માટે રાજ્ય સરકાર કટિબધ્ધ છે. માછીમાર સમાજની નાની મોટી રજૂઆતો આવે છે તેને સમજીને ઉકેલ લાવવા માટે સરકાર સતત પ્રયત્નશીલ છે અને સરકાર બંદરોના વિકાસ માટે સતત કાર્યરત છે. આ તકે સાંસદ રાજેશભાઇ ચુડાસમાએ જણાવેલ કે, સાગર પરીક્રમા યાત્રા અંતર્ગત માછીમારોના પ્રશ્નો, સમસ્યાઓ અને જૈવ સંપદાનું નીરીક્ષણ કરવું એ આ યાત્રનું મુખ્ય હેતું છે. દેશના પ્રધાનમંત્રીએ માછીમારોને સાગર ખેડુતના નામની ઓળખ આપી છે. માછીમારોના પ્રશ્નોની વાત કરતા જણાવેલ કે, આ વિસ્તારના માછીમારભાઈઓ પાકિસ્તાન જેલમાથી મુક્ત કરવા સરકાર સતત પ્રયત્નશીલ છે. માઢવાડમાં જેટી બનશે તેનાથી રોજગાર અને દરીયા કાઠે રહેતા લોકોને રક્ષણ મળશે તે માટે સરકારે રૂા.175 કરોડની ફાળવણી કરી છે.
આ પ્રસંગે નેશનલ ફિશરિઝ ડેવલપમેન્ટ બોર્ડના ચીફ એક્ઝિક્યુટીવ ડો. સી. સુવર્ણાએ જણાવેલ કે, ગુજરાત રાજ્ય જળ સંપત્તિથી સંપન્ન છે અને 1600 કિલોમીટર જેટલો લાંબો દરિયા કિનારો ધરાવે છે. જેથી દેશમાં મત્સ્ય પેદાશોના ઉત્પાદનમાં 18 ટકા જેટલો હિસ્સો છે. આ સાથે ભરપૂર જૈવ વૈવિધ્યતા ધરાવતા દેશના તટીય ક્ષેત્રનો જવાબદારીપૂર્વક ઉપયોગ કરવા જણાવ્યું હતું. નવાબંદર સહિત સૌરાષ્ટ્રના ત્રણ બંદરોના આંતરમાળખાકીય વિકાસ માટે કેન્દ્ર સરકારે રૂા.785 કરોડ મંજૂર કર્યા છે અને સૌરાષ્ટ્રના અન્ય બંદરોના વિકાસ માટે પણ આયોજન હાથ ધરવામાં આવ્યું છે. મંત્રી રૂપાલા વેરાવળથી મુળ દ્વારકા સુધી દરીયાઇ માર્ગ આવ્યા હતા. મુળ દ્વારકા જેટી ખાતે કોડીનાર તાલુકા પ્રમુખ પ્રતાપ ડોડીયા, સુભાષ ભાઈ ડોડીયા, ભગવાનભાઈ પરમાર, એસ.ડી.એમ. જે.એમ.રાવલ સહીતના અગ્રણીઓ અધીકારીઓ તેમજ પદાધિકારીઓએ મંત્રીનું પુષ્પગુચ્છ આપી સ્વાગત કરાયુ હતુ.
મંત્રીએ મુળ દ્વારકા મંદિરના દર્શન કરીને તેના ઈતિહાસની માહિતી મેળવી હતી. ત્યારબાદ દ્વારકા મંદીર હોલ ખાતે માછીમાર વ્યવસાય સાથે જોડાયેલ લોકો સાથે સંવાદ કર્યો હતો અને તેમની પડતી મુશ્કેલીઓ જાણી સંબંધીત અધિકારીઓને સુચના આપી હતી. આ સમારોહમાં કેન્દ્ર-રાજ્ય સરકારની મત્સ્યદ્યોગ સંબંધીત વિવિધ કલ્યાણકારી યોજનાઓનું માછીમારોને લાભોનુ વિતરણ કરવામાં આવ્યુ છે અને સાગર યાત્રા ગીત રજુ કર્યુ તેમજ વિવિધ સમાજના અગ્રણીઓ અને પટેલોએ મંત્રીઓનુ સન્માન કરાયુ હતુ. ઉપરાંત જોઇન્ટ સેક્રેટરી ભારત સરકાર ડો. જે બાલીયને સાગર યાત્રાની રૂપરેખાથી સૌ ઉપસ્થિતોને માહિતગાર કરતા જણાવેલ કે, સાગર યાત્રાનો મુખ્ય ઉદ્દેશ મત્સ્યદ્યોગ સાથે જોડાયેલા લોકોની સમસ્યા જાણીને તેનુ સમાધાન કરવુ અને મત્સ્યદ્યોગ લગતી યોજનાઓ લોકો સુધી લઈ જવી. આ પ્રસંગે જિલ્લા ભાજપ પ્રમુખ માનસીગભાઈ પરમાર, કો-ઓર્ડિનેટર સાગર પરિક્રમા અને પુર્વ ધારાસભ્ય ભરતભાઇ પંડ્યા, જિલ્લા પંચાયત પ્રમુખ રામીબેન વાજા, પૂર્વ સંસદીય સચિવ જેઠાભાઈ સોલંકી, વેલજીભાઇ મસાણી, ડીપાર્ટમેન્ટ ઓફ ફીશરીઝ ભારત સરકાર ડો.એલ.શંકર, મત્સ્યદ્યોગ નિયામક નીતીન સાંગવાન સહિતના પદાધિકારીઓ અધિકારીઓ, અગ્રણીઓ, સમાજના આગેવાનો અને મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.
(તસવીર: મિલન ઠકરાર-વેરાવળ)

રિલેટેડ ન્યૂઝ