રાજકોટ શહેર-જિલ્લો કેસરિયો ગઢ : 8 બેઠકોમાં તોતિંગ વિજય

રાજકોટ ગ્રામ્ય બેઠકમાં આપના ઉમેદવાર વશરામભાઇ સાગઠીયા બીજા નંબરે; ભાનુબેનને 1.19 લાખ મતો મળ્યા : કોંગ્રેસ ત્રીજા ક્રમાંકે

રાજકોટ તા.8
રાજકોટ શહેર અને જિલ્લાની આજે મતગણતરીમાં બે બેઠકોને બાદ કરતાં અન અપેક્ષીત પરિણામો આવ્યા હોવાનું બહાર આવ્યું છે. જેતપુર અને રાજકોટ પશ્ર્ચિમ વિધાનસભા બેઠકમાં ભાજપનો વિજય પહેલેથી જ નિશ્ર્ચિત મનાતો હતો. પરંતુ જાહેર થયેલા પરિણામોમાં કોંગ્રેસ અને આપના સુપડા સાફ થઇ ગયા હોય તેમ ભાજપ શહેરની ચાર અને જિલ્લાની ચાર મળીને કુલ આઠ બેઠકો પર રાજકોટ શહેર-જિલ્લો કેસરિયો ગઢ પૂરવાર થયો છે.
રાજકોટ શહેરની પૂર્વ વિધાનસભા બેઠકમાં ઉદય કાનગડ ભાજપના ઉમેદવાર તરીકે ચૂંટણી લડતા હતા. તત્કાલીન મંત્રી અરવિંદ રૈયાણી સહિતના મોટા ભાગના કાર્યકરો નારાજ હોવાની એક વાત વહેતી થઇ હતી. જેના પડઘા પ્રદેશ લેવલે પણ પડયા હતા. આમ છતાં પણ પૂર્વ વિધાનસભા બેઠકમાં ઉદય કાનગડે 86,194 મતો મેળવ્યા હતા. જયારે તેની સામે કોંગ્રેસના મજબૂત મનાતા અને 2012માં આ જ બેઠક પરથી વિજેતા થયેલા કોંગ્રેસના ઉમેદવાર ઇન્દ્રનીલ રાજયગુરૂ 57,559 મત મેળવી શકયા છે. આ બેઠક પર આપના ઉમેદવાર લેઉવા પટેલ સમાજના રાહુલ ભુવા 35446 જેટલા તોતીંગ મત લઇ જતાં આ બેઠક પર ભાજપને સીધો ફાયદો થયો હોવાનું જાણવા મળેલ છે. રાજકોટ શહેર અને જિલ્લાની આઠ વિધાનસભા બેઠકોની આજે સવારે કણકોટ ખાતેની સરકારી એન્જીનિયરીંગ કોલેજમાં સવારે 8 વાગ્યાથી મતગણતરી શરૂ કરવામાં આવી હતી. પ્રથમ 7500 પોસ્ટલ બેલેટ ગણવામાં આવ્યા હતા. ત્યારબાદ વોટીંગ મશીનની ગણતરી શરૂ કરવામાં આવી હતી. ગુજરાતની જનતાનો મીજાજ આ વખતે અગાઉ માધવસિંહ સોલંકીને તોતીંગ સીટોથી વિજય અપાવ્યો હતો. તે જ રીતે ભાજપને આ વખતે તમામ રેકોર્ડ તોડીને ફરીથી પાંચ વર્ષ માટે ગુજરાતના મતદારોએ વિશ્ર્વાસ મૂકીને શાસનની ધુરા સોંપી દીધી હોવાનું પરિણામો પરથી બહાર આવ્યું છે.
રાજકોટ શહેર અને જિલ્લાની આઠ વિધાનસભા બેઠકોની મતગણતરીમાં 8 બેઠકોમાં આજે મળેલા પરિણામ મુજબ તમામ બેઠકો પર ભાજપના ઉમેદવારોનો જંગી બહુમતિથી વિજય થયો હતો.
રાજકોટ પશ્ર્ચિમ વિધાનસભા બેઠક વર્ષોથી ભાજપનો ગઢ મનાય છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની રાજકીય કારકિર્દી 69 રાજકોટથી જ શરૂ થઇ હતી. આ બેઠક પરથી ગુજરાત રાજયને નરેન્દ્રભાઇ મોદી અને વિજયભાઇ રૂપાણી જેવા મુખ્યમંત્રીઓ મળ્યા હતાં. આ બેઠક પર આ વખતે રાજકોટ મહાનગરપાલિકાના ડે.મેયર ડો.દર્શિતા શાહને ભાજપે ટીકીટ આપી હતી. ભાજપના ડો.દર્શિતા શાહે આ અગાઉ ભાજપના જેટલા ઉમેદવારોને લીડ મળી હતી તેનો તમામ રેકોર્ડ તોડી નાંખીને ગણપતિના અંતે 1,38,687 મતો મેળવ્યા હતા અને 1,0પ,975 મતની તોતીંગ સરસાઇ મેળવી ભારેખમ વિજય મેળવ્યો હતો. આ બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર મનસુખભાઇ કાલરીયાને ભાજપના ઉમેદવાર ડો.દર્શિતા શાહ કરતાં 25% પણ મતો મળ્યા નથી. જયારે આપના ઉમેદવાર દિનેશ જોશીને 26,319 મત મળ્યા છે. ડો.દર્શિતા શાહને મળેલા મતોની સાપેક્ષમાં કોંગ્રેસ અને આપને 50%થી પણ વધુ ઓછા મતો મળ્યા હતા.
રાજકોટ દક્ષિણ વિધાનસભા બેઠકમાં આ વખતે પેરાશૂટ મનાતા જાણિતા ઉદ્યોગપતિ અને શાપર-વેરાવળ ઇન્ડસ્ટ્રીયલ એસો.ના પ્રમુખ રમેશ ટીલાળાને ભાજપે તક આપી હતી. આ વિધાનસભા બેઠકમાં કાર્યકરોની ભારે નારાજગી ઉપરાંત ભાજપના જ અગાઉ મોટા ગજાના નેતા મનાતા નરેન્દ્રભાઇ સોલંકીએ પણ ખુલ્લેઆમ ભાજપ વિરૂધ્ધ કામ કર્યુ હોવાનુી વાત વહેતી થઇ હતી. આ બેઠક પર 1,01,734 મત મળ્યા છે. જયારે હિતેશ વોરાને 22,507, શિવલાલ બારસીયાને 22,870 મત મળ્યા છે.
રાજકોટ ગ્રામ્ય વિધાનસભા બેઠકની વાત કરીએ તો આ બેઠક અનુસૂચિત જાતિની આ છેલ્લી વખત અનામત હોવાનું મનાય છે. આવતી ચૂંટણીમાં આ બેઠકમાં જ્ઞાતિ આધારિત ફેરફાર થાય તો અનુસૂચિત જાતિની આ બેઠક રદ્દ થાય તેવા પણ સંકેત મળી રહ્યા છે. ત્યારે વર્ષ 2012માં આ બેઠક પરથી વિજેતા થયેલા ભાજપના ઉમેદવાર ભાનુબેન બાબરીયા કે જે હાલ રાજકોટ મહાનગરપાલિકાના નગરસેવિકા પણ છે. તેની ઉપર વિશ્ર્વાસ મૂકીને ફરી એક વખત ટીકીટ આપી હતી. આ બેઠકમાં મત ગણતરીના અંતે ભાનુબેન બાબરીયાને 1,19,695, જયારે આપના ઉમેદવાર વશરામ સાગઠીયાને 71,201 મતો મળ્યાં છે અને કોંગ્રેસ ત્રીજા ક્રમે રહીને 29,175 મતો મેળવ્યા હતા.
રાજકોટ જિલ્લાની 4 બેઠકોની વાત કરીએ તો 72-જસદણ વિધાનસભા મતવિસ્તારમાં ભાજપના એકલવીર મનાતા અને તેની સાથે ભાજપના મોટા ગજાના એક પણ આગેવાનો કે કાર્યકરો પ્રચાર કે અન્ય સપોર્ટમાં ન હોવા છતાં પણ કુંવરજી બાવળિયાએ પોતાની અંગત પ્રતિષ્ઠા અને એક જાગૃત ધારાસભ્ય હોવાની ઇમેજ જાળવી રાખી આ બેઠક પર કુંવરજી બાવળિયાને 63,808, કોંગ્રેસના ભોળાભાઇ ગોહિલને 45,795 અને આપના ઉમેદવાર તેજસભાઇ ગાજીપરાને 47,636 મત મળ્યા છે. આ બેઠકમાં પણ કોંગ્રેસ ત્રીજા ક્રમે રહી છે અને આ બેઠક પર કુંવરજીભાઇ બાવળિયાનો 16,172 મતે વિજય થયો છે.
રાજકોટ જિલ્લાની 73 ગોંડલ વિધાનસભા બેઠક આ વખતે ગુજરાત ભરમાં ભારે હાઇપ્રોફાઇલ બની રહી હતી. રિબડા જૂથ ભાજપના ઉમેદવાર જયરાજસિંહના ધર્મપત્ની ગીતાબા જાડેજાની વિરૂધ્ધમાં પડયા હતા. મતદાનના દિવસે પણ રિબડા પટ્ટીમાં રિબડા જુથે ભારે ધમાલ મચાવી હતી. સામાપક્ષે પણ ભાજપના કાર્યકરોએ પણ જબરી બાથ ભીડી હતી. આ બેઠક ઉપર રિબડા જૂથે ખુલ્લેઆમ કોંગ્રેસને સમર્થન આપ્યું હતું. આમ છતાં પણ ભાજપના મહિલા ઉમેદવાર ગીતાબા જાડેજાને 86062, કોંગ્રેસના યતિશ દેસાઇને 42749, આપના ઉમેદવાર મનીષાબેન ખૂંટને 13075 મત મળતાં ગીતાબા જાડેજાનો 43313 મતે વિજય થયો છે.
74-જેતપુર વિધાનસભા બેઠકની વાત કરીએ તો આ બેઠક ભાજપ માટે ચૂંટણી જાહેર થઇ ત્યારથી જીતેલી મનાતી હતી. સૌરાષ્ટ્રના સહકારી આગેવાન વિઠ્ઠલભાઇ રાદડીયાના પુત્ર જયેશભાઇ રાદડિયાને ફરી એક વખત 2017 બાદ ભાજપના મોવડીએ આ વખતની ચૂંટણીમાં ટીકીટ આપી હતી. જયેશભાઇ રાદડીયાએ ભાજપનો ગઢ જાળવી રાખ્યો હોય તેમ જયેશભાઇ રાદડિયાને 106471, ડી.કે.વેકરીયાને 12244, આપને 29545 મત જયારે સમાજવાદી પક્ષના ઉમેદવાર રાજુભાઇ સરવૈયાને 20788 મત મળ્યા છે. આ બેઠકમાં પણ કોંગ્રેસ ચોથા ક્રમાંકે આવી હોવાનું પરિણામ પરથી ચિત્ર સ્પષ્ટ થયું છે.
દરમિયાન 75 વિધાનસભા મત વિસ્તાર એટલે કે ધોરાજી બેઠકમાં આ અગાઉ કોંગ્રેસના ધારાસભ્ય લલીતભાઇ વસોયાને કોંગ્રેસ મોવડી મંડળે ફરીથી ટીકીટ આપી હતી. આ બેઠકમાં ભાજપે ડો.મહેન્દ્રભાઇ પાડલીયાને ટીકીટ આપી હતી. આ બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર લલીત વસોયાએ મતગણતરી સેન્ટરમાં પ્રથમ રાઉન્ડમાં જ ભાજપની તોતીંગ સરસાઇ સામે હાર સ્વીકારી હતી અને પોતાના એક નિવેદનમાં એવુ જણાવ્યું હતું કે આપના ઉમેદવાર વધુ મત લઇ જતાં કોંગ્રેસને હાર સહન કરવી પડી છે. આ બેઠક પરથી ભાજપના ઉમેદવાર મહેન્દ્ર પાડલીયાને 65871, લલીત વસોયાને 53780 અને આમ આદમી પાર્ટીના વિપુલ સખીયાને 29353 મત મળ્યા છે. આ બેઠક મહેન્દ્ર પાડલીયા 12091 મતથી જીતી ગયા છે.

રિલેટેડ ન્યૂઝ