ગુજરાત સરકાર વીજબિલનો ભાવવધારો તાત્કાલીક પાછો ખેંચે: પોરબંદર કોંગ્રેસ

વીજબિલના ભાવમાં યુનિટ દીઠ 25 પૈસાનો ફયુઅલ સરચાર્જમાં વધારો કરી જનતાને લુંટવાનું શરૂ કર્યું હોવાથી આક્રોશ: ગરીબ અને મધ્યવર્ગના લોકો ઉપર મોંઘવારીનો બોજ નાખનાર સરકાર સામે ઠાલવાયો રોષ

પોરબંદર, તા. 20
પી.જી.વી.સી.એલ. દ્વારા ફયુઅલ સરચાર્જમાં 25 પૈસાનો વધારો ઝીંકવામાં આવ્યો છે ત્યારે તેની સામે આક્રોશ સાથે પોરબંદર કોંગ્રેસે ગુજરાત સરકારને રજૂઆત કરી વીજબિલનો ભાવ વધારો તાત્કાલીક પાછો ખેંચવા માંગ કરી છે. કારણ કે બે મહિને આવતું બિલ 100 થી 125 રૂપિયા વધી જશે.
પ્રદેશ કોંગે્રસ સમિતિના પૂર્વ સેક્રેટરી અને પોરબંદર કોંગે્રસના સિનિયર આગેવાન રામદેવભાઈ મોઢવાડીયા દ્વારા રાજયના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને કરેલી રજૂઆતમાં જણાવ્યું છે કે, પી.જી.વી.સી.એલ. દ્વારા વિજળીના બિલમાં યુનિટ દીઠ રૂા. 2.60 લેખે વસુલાતો ફયુઅલમાં 25 પૈસાનો વધારો ઝીંકીને રૂા. 2.85 પૈસા કરાયો છે. બે માસે અપાતું વીજબિલ રૂા. 100 થી 125 રૂપિયા વધી જશે. તેમણે જણાવ્યું છે કે, રાજ્યમાં સરકારી વીજ કંપનીઓ છેલ્લા પાંચ વર્ષથી વીજ વપરાશના યુનિટના ભાવમાં કોઈ વધારો કરાયો નહી હોવાનું કહી ક્રેડિટ લેવાની કોશિશ કરે છે પણ હકિકત આનાથી વિપરીત છે. ખરેખર તો તે છુપી રીતે ભાવવધારો કરી ગ્રાહકો પર બોજ નાખી રહી છે.રાજ્યના ચાર સરકારી વીજ કંપનીઓ પર દેખરેખ રાખવા માટે ગુજરાત ઇલેક્ટ્રિસિટી રેગ્યુલેટરી કમિશન બનાવાયેલું છે જે જર્કના નામથી જાણિતું છે, તે યુનિટના ભાવમાં વધારો કરવો કે નહીં તે નક્કી કરે છે. તેણે છેલ્લા પાંચ વર્ષથી વીજ યુનિટના ભાવ વધાર્યા ન હોવાનું કહે છે. જોકે આ વાત ભ્રામક છે.જર્ક દ્વારા વીજ કંપનીઓને એફ.પી.પી.પી.એ. (ફયુલ એન્ડ પાવર પરચેઝ પ્રાઈસ એડજસ્ટમેન્ટ) હેઠળ ચાર્જમાં કરવાની મંજૂરી આપવામાં આવે છે. દર ત્રણ મહિનાના ગાળામાં વીજ કંપનીઓ આ ચાર્જમાં વધારો કરી શકે છે. આ ઉપરાંત વીજ કંપનીઓએ વીજ બીલ માટે જૂદા જૂદા સ્લેબ બનાવ્યા છે જે મુજબ વીજ વપરાશ વધતો જાય તેમ તેમ તેના ચાર્જ વધતાં જાય છે. જેમાં બેઝિક સ્લેબ 200 યુનિટનો રખાયો છે. આ સ્લેબમાં પણ ગ્રાહકો પાસેથી યુનિટદીઠ ઊંચો ચાર્જ વસુલાય છે. પંજાબ, રાજસ્થાન, કર્ણાટક, મધ્ય પ્રદેશ, પશ્ચિમ બંગાળ, ઉત્તર પ્રદેશ અને આન્ધ્ર પ્રદેશમાં ગુજરાત કરતા ઓછા ચાર્જ વસુલાય છે તેથી ત્યાં સસ્તી વીજળી મળે છે. સામાન્ય રીતે વીજ વપરાશના યુનિટ પર ઇલેક્ટ્રીસિટી ડયૂટી લાગવી જોઈએ. તેને બદલે ગુજરાત સરકારની વીજ કંપનીઓ વિવિધ ચાર્જ વસુલ્યા બાદ જે સંપૂર્ણ બિલની રકમ ગણાય તેના પર ઇલેક્ટ્રીસિટી ડયૂટી વસૂલીને પણ લૂંટ ચલાવી રહી છે.
છેલ્લા પાંચ વર્ષથી વીજ કંપનીઓ યુનિટના દરમાં વધારો કરતી નથી પણ દર ત્રણ મહિને વીજ કંપનીઓને એફ.પી.પી.પી.એ.નો ચાર્જ વધારીને યુનિટદીઠ આપો આપ જ વધારો કરી દેવાની છૂટ આપવામાં આવી છે. દર ત્રણ મહિને ચૂપચાપ યુનિટના ભાવમાં વધારો કરી દેવામાં આવે છે. આવા વધારા માટે તેને જર્ક પાસેથી મંજૂરી મેળવવાની જરૂર રહેતી નથી. જર્કે આ પ્રકારે વીજદરમાં વધારો કરવાની પહેલાંથી જ અનુમતી આપી દીધેલી છે. વધતી જતી મોંઘવારીની વચ્ચે સરકારે વધુ એક જીવન જરૂરિયાતની વસ્તુમાં વધારો કર્યો છે. પેટ્રોલ ડીઝલ, શાકભાજી, દૂધ બાદ હવે વીજળી પર સરકારે ભાવ વધારો કર્યો છે. દેશમાં વધી રહેલી મોંઘવારી માનવીના શરીરમાં પ્રસરતા જીવલેણ રોગ જેવી ભયાનક છે. આવક અને ખર્ચના છેડાને માંડ માંડ મેળવતા કરોડો લોકો મોંઘવારી વધતાં કઈ વસ્તુઓની વપરાશમાં કાપ મૂકવો, એ વિમાસણમાં મુકાઈ જાય છે. ગરીબો અને મધ્યમવર્ગના લોકો જીવનજરૂરિયાતની ચીજવસ્તુઓની ભાવસપાટી વધતાં અકથ્ય મુશ્કેલી અને લાચારી અનુભવે છે. ગૃહકંકાસ, સામાજિક અશાંતિ અને આપઘાતના વધતા જતા કિસ્સાઓના મૂળમાં મોટે ભાગે મોંઘવારી જ હોય છે.
મોંઘવારીના વિષચક્રથી દેશને બચાવવા માટે સરકારે માનવવિકાસને અગ્રતા આપવી જોઈએ. કાળાબજાર, સંગ્રહખોરી અને ભ્રષ્ટાચાર જેવાં અનિષ્ટો સામે કડક હાથે કામ લેવાવું જોઈએ. દેશનાં સીમિત ઉત્પાદન સાધનોમાં વિજળી મોજશોખની વસ્તુઓના ઉત્પાદન માટે નહિ, પણ જીવનજરૂરિયાતોના ઉત્પાદન માટે પ્રયોજાય, એ માટે સરકારે ઘટતાં પગલાં લેવાં જોઈએ તેવી માંગ કરી છે અને વહેલીતકે સરકાર વીજબીલના ફયુઅલ ચાર્જમાં થયેલા વધારાને પાછો નહી ખેંચે તો કોંગ્રેસ દ્વારા રાજયવ્યાપી આંદોલન છેડવું પડે તો તેના માટે કોંગ્રેસ તૈયાર છે તેમ રામદેવભાઈ મોઢવાડીયાએ મુખ્યમંત્રીને કરેલી રજૂઆતમાં જણાવ્યું છે.

રિલેટેડ ન્યૂઝ