વિઝન પોરબંદર @2047 ને સાકાર કરવા દરેક પોરબંદરવાસી સહકાર આપે: અશોક શર્મા

વિલા સર્કીટ હાઉસ ખાતે યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં ભવિષ્યના 25 વર્ષના પ્રોજેક્ટ વિષે વિસ્તૃત અપાઈ માહિતી: જીલ્લાના વિકાસ માટે જન ભાગીદારીના માધ્યમથી સ્વચ્છ, સ્વસ્થ, સુપોષિત, સુશિક્ષિત, સુસંસ્કૃત,સમૃદ્ધ અને સુરક્ષિત એવા સપ્તામૃતનો સંકલ્પ સફળ થાય તેવો મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલથી માંડીને સૌએ આપ્યો આવકાર: દેશના માત્ર બે જીલ્લાના ક્લેકટરો પૈકી પોરબંદરના કલેકટરને રાષ્ટ્રીય લેવલે વિઝન પોરબંદર 2047 પ્રેઝન્ટેશન રજુ કરવાની મળેલી તકમાં રજુ થયેલ દ્રષ્ટિકોણનો 15 ઓગસ્ટ 2023 સુધીમાં એક્શન પ્લાન બનશે

પોરબંદર તા.23
વિલા સર્કીટ હાઉસ ખાતે યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં ભવિષ્યના 25 વર્ષના પ્રોજેક્ટ વિષે વિસ્તૃત અપાઈ માહિતી: જીલ્લાના વિકાસ માટે જન ભાગીદારીના માધ્યમથી સ્વચ્છ, સ્વસ્થ, સુપોષિત, સુશિક્ષિત, સુસંસ્કૃત,સમૃદ્ધ અને સુરક્ષિત એવા સપ્તામૃતનો સંકલ્પ સફળ થાય તેવો મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલથી માંડીને સૌએ આપ્યો આવકાર: દેશના માત્ર બે જીલ્લાના ક્લેકટરો પૈકી પોરબંદરના કલેકટરને રાષ્ટ્રીય લેવલે વિઝન પોરબંદર 2047 પ્રેઝન્ટેશન રજુ કરવાની મળેલી તકમાં રજુ થયેલ દ્રષ્ટિકોણનો 15 ઓગસ્ટ 2023 સુધીમાં એક્શન પ્લાન બનશે
હાલમાં ભારત દેશની આઝાદીના 75 વર્ષની ઉજવણીના ભાગરૂપે ‘આઝાદી કા અમૃત મહોત્સવ’ની ઉજવણી થઇ રહી છે અને વડાપ્રધાન મોદીની સક્ષમ આગેવાનીમાં દેશ વિકાસની હરણફાળ ભરી રહ્યો છે,ત્યારે કેન્દ્ર સરકાર દ્વારા આગામી 25 વર્ષને ‘અમૃતકાળ’ તરીકે જાહેર કરીને હવેના 25 વર્ષ પછી એટલે કે ઈ.સ.2047 માં દેશની આઝાદીના 100 વર્ષ પૂર્ણ થશે ત્યારે આઝાદીની સુવર્ણ જયંતિની ભવ્યાતિભવ્ય ઉજવણી થાય અને 2047 માં આપણું ભારત કેવું હશે?તે અંગે ઇન્ડિયા 2047 વિઝન તૈયાર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે ત્યારે દેશના દરેક જીલ્લાના જીલ્લા કલેકટરને તેમના જીલ્લા માટે વિઝન 2047 તૈયાર કરવા જણાવાયું હતું. જેમાં દેશના માત્ર બે જીલ્લાઓ પૈકી ગાંધીના ગુજરાતના એકમાત્ર ગાંધીભુમીના જીલ્લા કલેકટર અશોક શર્મા અને જમ્મુ કાશ્મીરના એક જીલ્લાના કલેકટર તેમ માત્ર બે જ કલેકટરોને રાષ્ટ્રીય લેવલે તેમના જીલ્લાનું વિઝન પ્રેઝન્ટેશન કરવાની તક મળી હતી ત્યારે પોરબંદરના જીલ્લા કલેકટરે વિઝન પોરબંદર 2047 રજુ કર્યું હતું.તેની માહિતી આપવા વિલા સર્કીટ હાઉસ ખાતે પ્રેસ કોન્ફરન્સનું આયોજન થયું હતું જેમાં બે કલાકથી વધુ સમય સુધી દરેક મુદાની ઊંડાણથી છણાવટ કરીને કલેકટર અશોક શર્માએ પત્રકારોને નાની-નાની માહિતી પણ ખુબ વ્યવસ્થિત રીતે આપીને એવું જણાવ્યું હતું કે, વિઝન પોરબંદર 2047 એ દિવાસ્વપ્ન નહિ, પરંતુ અમે ખુલ્લીઆંખે જોયેલું પોરબંદર જીલ્લાના વિકાસનું સ્વપ્ન છે અને તેને સાકાર કરવા પોરબંદર જીલ્લાના દરેક નાગરિકનો સહકાર આવશ્યક છે.
વિઝન પોરબંદર 2047 સમગ્રલક્ષી વિકાસનો સૂચિત રાજમાર્ગ
પોરબંદરના નખશીખ પ્રામાણિક અને જીલ્લાના વિકાસ માટે હરહંમેશ સક્રિય જીલ્લા કલેકટર અશોક શર્માએ પત્રકારોને માહિતી આપતા જણાવ્યું હતું કે,વિઝન પોરબંદર 2047 સમગ્રલક્ષી વિકાસનો સૂચિત રાજમાર્ગ છે.સુશાસન સપ્તાહ 19 થી 25 ડીસેમ્બર 2022 અંતર્ગત પોરબંદર જીલ્લા ટીમે સામુહિક ચિંતન થયું અને તેના પરિપાકરૂપે પોરબંદર જીલ્લાના સર્વગ્રાહી વિકાસની રૂપરેખા ઘડવાનો પ્રયાસ થયો જેમાં ભારતના અમૃતકાળ 2022 થી 2047 દરમિયાન જુદાજુદા ક્ષેત્રોમાં વિકાસ સાધવાના આયામો પર વિચાર કરી વિઝન પોરબંદર 2047 તૈયાર કરવામાં આવ્યું ભારત સરકારના ડીપાર્ટમેન્ટ ઓફ એડમિનિસ્ટ્રેશન રીફોમર્સ એન્ડપબ્લિક ગ્રીવેન્સીસની વર્કિંગ કમિટી સમક્ષ પ્રેઝન્ટેશન કરવામાં આવ્યું,આ માહિતી જીલ્લાની વેબસાઈટ ઉપર મુકવામાં આવેલ છે.તેમજ જુદા-જુદા ક્ષેત્રના નિષ્ણાતો,સ્વૈરછીક સંસ્થાઓ અને નાગરીકો તેમાં પોતાના સૂચનો મોકલી આપણા સહિયારા વિઝનને વધુને વધુ અર્થપૂર્ણ બનાવી શકે,તેવો આશાવાદ છે.વિઝન પોરબંદર 2047 મૂળભૂત રીતેસમગ્ર વિકાસનો સૂચિત રાજમાર્ગ છે.તેના દરેક આયામ પરત્વે સરકારની જે-તે વિભાગની ટીમ જનભાગીદારી સાથે વિગતવાર એક્શન પ્લાન બનાવી તેનેઅમલમાં મુકે તેવો અભિગમ સેવવામાં આવ્યો છે.વિઝન પોરબંદર 2047 ને શુભેચ્છા પાઠવી અમારા આ નમ્ર પ્રયાસને પ્રોત્સાહન પૂરું પાડવા બદલ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ, પોરબંદર જીલ્લા પ્રભારીમંત્રી કુંવરજીભાઈ બાવળીયા અને મુખ્ય સચિવનો અંત:કરણપૂર્વક આભાર વ્યક્ત કરીએ છીએ,આ દસ્તાવેજ તૈયાર કરવા માટે પ્રેરણા આપવા માટે ભારત સરકારના ડી.એ.આર.પી,જી. અને ગુજરાત સરકારના સામાન્ય વહીવટ વિભાગના વહીવટી સુધારણા પ્રભાગના સચિવ ધનંજય દ્રિવેદીઆપેલ માર્ગદર્શન બદલ પોરબંદર જીલ્લાની ટીમ વતીઋણ સ્વીકાર કરીએ છીએ આદસ્તાવેજ તૈયાર કરવામાં સહભાગી થયેલ જીલ્લા ટીમના દરેક કર્મયોગીને સાભાર અભિનંદન પાઠવતા આનંદ અનુભવું છુ. તેમ પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું.
અમૃતકાળ માટેના સપ્તામૃત સંકલ્પ
પોરબંદરના જીલ્લાકલેકટર અશોક શર્માએ પત્રકારોને સંબોધતા જણાવ્યું હતું કે,હાલમાં દેશની આઝાદીના 75 વર્ષ પૂર્ણ થયા તેની આઝાદીનો અમૃત મહોત્સવ ઉજવાઈ રહ્યો છે ત્યારે હવેના 25 વર્ષે આઝાદીનો અમૃતકાળ છે અને આ કાળમાં પોરબંદર જીલ્લો પ્રગતિના શિખરો સર કરે તે માટે ભવિષ્યના આયોજનના વિકાસના સુનિશ્ચિત ધ્યેયને પ્રાપ્ત કરવા અસરકારક રણનીતિ ઘડવામાં સૌનો સહકાર અનિવાર્ય છે.આગામી 25 વર્ષના અમૃતકાળમાં સપ્તામૃત સંકલ્પ સ્વચ્છ, સ્વસ્થ, સુપોષિત, સુશિક્ષિત, સુસંસ્કૃત,સમૃદ્ધ અને સુરક્ષિતને સાકાર કરવા માટે સૌનો સહકાર અનિવાર્ય છે.અને આ સાત સંકલ્પોની સાથે-સાથે શહેરને હેરીટેજ અને પ્રવાસનધામ બનાવવા માટે શિષ્ટ-વિશિષ્ટ આયોજન ઘડવામાં આવે તે માટેનો આ પ્રયત્ન સફળતા પ્રાપ્ત કરે તે માટે તેનો એક્શન પ્લાન ઘડીને ટીમ પોરબંદરમક્કમતાથી આગળ વધી રહી છે તેમ ઉમેર્યું હતું.
વિઝન પોરબંદર 2047નું મિશન
પોરબંદરના જીલ્લા કલેકટરના અશોક શર્માએ વિઝન પોરબંદર 2047 નું મિશન કેવા પ્રકારનું છે તેની ઊંડાણથી છણાવટ કરતા જણાવ્યું હતું કે,પોરબંદર જીલ્લાનો સર્વાગીણ વિકાસ થાય તે માટેના આ મિશનમાં દરેક નાગરિકને કેન્દ્ર સ્થાને રાખીને જુદાજુદા ક્ષેત્રે કામગીરી કરવાનો સંકલ્પ લીધો છે તેમાં માનવ વિકાસ કેન્દ્ર સ્થાને છે,વિશ્વના ઘણા દેશોમાં નાગરિક એ યાચક નથી પરંતુ આત્મનિર્ભર બનીને દેશના વિકાસમાં યોગદાન આપી રહ્યો છે,ત્યારે પોરબંદર જીલ્લામાં પણ ઇ.સ.2047 સુધીમાં જીલ્લાનો દરેક વ્યક્તિ સરકારને લોકભાગીદારી આપીને જીલ્લાના વિકાસ માટે યોગદાન આપશે લાઈફ સાઈકલ એપ્રોચમાં આરોગ્ય અને શિક્ષણ ઉપર વધુ ભાર મુકીને આંગણવાડીમાં બાળક તરીકે પ્રવેશ મેળવ્યો ત્યારથી માંડીને અભ્યાસ પૂર્ણ કરીને જીલ્લાના વિકાસમાં સક્રિય રીતે પોતાનું યોગદાન આપવા સક્ષમ બને ત્યાં સુધીનો શીખવું અને શીખાવાડવુંની અભ્યાસ પદ્ધતિમાં આમૂલ પરિવર્તન લાવવાનો દ્રષ્ટિકોણ દર્શાવાયો છે તે ઉપરાંત આરોગ્ય ક્ષેત્રે પણ શ્રેષ્ઠતમ સુવિધાઓ ઉપલબ્ધ થાય અને તેના માધ્યમથી પોરબંદર જીલ્લો ખરાઅર્થમાં સ્વસ્થ અને તંદુરસ્ત બને તે પ્રકારના પ્રયત્નો હાથ ધરવામાં આવશે,ગામડાઓમાંથી શહેરમાં થતું સ્થળાંતર બંધ થાય અને સ્થાનિકકક્ષાએ જ ગામડાઓમાં શહેર જેવી સુવિધા અને વાતાવરણ પૂરું પાડવામાં આવે તેવા પ્રયત્નો હાથ ધરવામાં આવશે,15 કે 20 ગામડાના સમૂહની તદન નજીકના વિસ્તારમાં તમામ પ્રકારની સુવિધાઓ ઉપલબ્ધ હોય તેવું આયોજન ઘડવામાં આવશે કે જેથી સ્થળાંતર થતું અટકાવી શકાય,તેમણે વધુમાં ઉમેર્યું હતું કે ડીજીટલ યુગમાં જુદા-જુદા પ્રકારની સરકારની કામગીરી ઓનલાઈન થઇ રહી છે ત્યારે તમામ પ્રકારના દસ્તાવેજો અને દાખલાઓ સરકાર દ્વારા જ કાઢી આપવામાં આવ્યા હોવાથી એ દાખલા ફરી કાઢવાની કોઈને જરૂરીયાત જ રહે નહી અને તેનો ડેટા સરકાર પાસે ઉપલબ્ધ હોવાથી કોઈપણ પ્રકારની આવી કામગીરીમાં લોકોને દસ્તાવેજો કઢાવવા માટે હેરાન થવું પડે નહી તે ઈરછનીય છે.જે રીતે દેશ અને રાજયનો જી.ડી.પી. ઉપલબ્ધ હોય તે રીતે પોરબંદર જીલ્લાનો જી.ડી.પી. પણ શોધીને તેના માધ્યમથી જીલ્લાના ભાવિ વિકાસ માટેના આયોજનને વેગવંતો બનાવવા કાર્યવાહી હાથ ધરાશે.પોરબંદરમાં સંશોધન બેઇઝ અભ્યાસક્રમો ઉપર વધુ ભાર મુકીને યુવાપેઢી પણ જીલ્લાના વિકાસમાં પોતાની આવડત અને જ્ઞાનનો લાભ આપે તેવું આ મિશન સૌના સહકારથી વિઝનમાંથી પરિણામ સુધીની સફર સંપૂર્ણપણે સફળ બનાવી શકશું તેવો આશાવાદ કલેકટરે દર્શાવ્યો હતો.
જુદા-જુદા સેક્ટર પર ધ્યાન કેન્દ્રિત
વર્ષ 2047 ના આ વિઝન મિશનમાં જુદાજુદા સેક્ટર ઉપર પણ ભાર મુકવામાં આવ્યો છે અને તેના માધ્યમથી દરેક ક્ષેત્રે જીલ્લાનો વિકાસ થાય તેવો ધ્યેય નક્કી કરવામાં આવ્યો છે. જેમાં ટુરીઝમ સેક્ટરમાં ગાંધી સુદામાની નગરી પોરબંદરનો પ્રવાસન ક્ષેત્રે શ્રેષ્ઠતમ વિકાસ થાય તે મારૂ દિવાસ્વપ્ન નહી પણ ખુલ્લી આંખે જોયેલું સ્વપ્ન છે તેમ જણાવીને કલેકટર અશોક શર્માએ જણાવ્યું હતું કે,પોરબંદરમાં વિવિધ ધર્મસ્થળો અને ઐતિહાસિક સ્થળો,ગીત સંગીત અને નૃત્ય સહિતની મહેર મણિયારો રાસની કલા,પર્યાવરણ વેલનેસ ટુરીઝમ,એડવેન્ચર પ્રવૃત્તિઓ વગેરેના માધ્યમથી પોરબંદરમાં 2047 સુધીમાં અનેક સુવિધાઓ વધારવાના દ્રષ્ટિકોણને આ મિશન અને વિઝનમાં સમાવિષ્ટ કરવામાં આવ્યા છે.ઐતિહાસિક સ્થળો અને સ્મારકોની વધુ સારી જાળવણી થાય તથા હોટેલ અને રેસ્ટોરન્ટનો ઉદ્યોગ પણ પ્રવાસીઓના આવાગમનથી વિકસે તેવા ધ્યેય નક્કી થયા છે.પક્ષીનગર પોરબંદર શહેર અને જીલ્લામાં અનેક જળપ્લાવિત વિસ્તારો માત્ર સ્થાનિક જ નહી પરંતુ વિશ્ર્વભરના પ્રવાસીઓને આકર્ષે તેવા છે તેથી પક્ષી અભયારણ્ય ઉપરાંત મોકરસાગર વેન્ટલેન્ડ અને અન્ય જળપ્લાવિત વિસ્તારોમાં પણ શ્રેષ્ઠતમ સુવિધા વધારવામાં આવે તેવું વિઝન રાખવામાં આવ્યું છે.

રિલેટેડ ન્યૂઝ