કલેકટર,ડીડીઓ અને મ્યુનિ.કમિશ્નર સાથે રાહત કમિશ્નરની વિડીયો કોન્ફરન્સ યોજાઈ: માર્ગદશિકા અપાઈ
રાજકોટ,તા.16
આગામી ઉનાળો આકરો રહેવા હોવાના કેન્દ્ર સરકારે તમામ રાજ્યોને આપેલ એલર્ટ બાદ આજે રાજ્યના રાહત કમિશનરે હિટવેવને લઈને રાજકોટ સહિત રાજ્યના તમામ કલેકટરોના એકશન પ્લાનની સમીક્ષા કરી હતી. રાજકોટમાં ઉનાળામાં સામાન્ય રીતે 40થી 44 ડિગ્રી આસપાસ તાપમાન નોંધાતું હોય છે ત્યારે આગામી ઉનાળામાં તાપમાનમાં વધારો થવાની શક્યતાના પગલે અત્યારથી જ રાજ્ય સરકાર દ્વારા અસરકારક રીતે એકશન પ્લાન તૈયર કરવામાં આવી રહ્યો છે. અત્યારે તો રાજકોટ સહિત રાજ્યભરમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે પરંતુ, તાજેતરમાં હવામાન વિભાગ દ્વારા હિટવેવની ચેતવણી આપવામાં આવી હતી હવે માવઠાની અસર ઓસર્યા બાદ ફરી તાપમાનનો પારો ઉંચકનાર હોય જિલ્લા કલેકટર દ્વારા ઉનાળાને લઈને એકશન પ્લાન તૈયાર કરવાની સૂચના આપવામાં આવી છે જેના ભાગરૂપે કલેકટર દ્વારા પ્લાન અમલી બનાવવામાં આવશે. ભારત મોસમ વિજ્ઞાન વિભાગ દ્વારા રાહત કમિશનરશ્રહર્ષદ પટેલના અધ્યક્ષસ્થાને સંભવિત હિટવેવ અંગેની એક વીડિયો કોન્ફરન્સ યોજાઇ હતી. જેમાં સમગ્ર ગુજરાતના કલેકટર, મ્યુનિસિપલ કમિશ્ર્નર, જિલ્લા વિકાસ અધિકારીઓ જોડાયા હતા. આઈએમડીના ડાયરેક્ટર મનોરમા મોહંતી દ્વારા છેલ્લા 10 વર્ષના સૌથી લઘુતમ, સામાન્ય અને મહત્તમ તાપમાનની, હિટવેવનો ક્રાઇટ એરીયા, ગરમ રણ પ્રદેશ, દરિયાઈ વિસ્તાર વગેરેના હીટ વેવ તથા તેમાં સાવચેતી રાખવા વિશે પી.પી.ટી.ના માધ્યમથી જાણકારી અપાઈ હતી. રાહત કમિશનર પટેલએ માનવ આરોગ્યને અસર કરતું એક મુખ્ય પરિબળ હિટવેવ છે તેમ જણાવી હીટ વેવમાં શ્રમિકો, મજૂરો,ખેડૂતો અને વૃધ્ધોને બચાવવા અંગે જિલ્લા કક્ષાએ કરવાની થતી કાર્યવાહી વિષે માર્ગદર્શન આપ્યું હતું. વીડિયો કોન્ફરન્સ બાદ રાજકોટ કલેક્ટર અરુણ મહેશ બાબુએ સંભવિત હીટ વેવથી લોકોને સાવચેત રહેવા માટેના આયોજન અંગેની મિટિંગ અધિકારીઓ સાથે યોજી હતી. સંભવીત હિટવેવની આગાહી આઈએમડી કરશે. હિટવેવથી બાળકો, વૃધ્ધો, શ્રમિકોના મૃત્યો ન થાય કે લોકો કે પશુઓ આરોગ્યને અસર ન થાય તે માટે વિવિધ પગલાંઓ લેવા કલેકટરે જણાવ્યું હતું. પાણી, આરોગ્ય સહિતની સુવિધાઓ હાથવગી રાખવા તેમજ ખેતી પાકોને નુકશાન ન થાય તે પણ જોવાની સુચના અધિકારીઓને કલેક્ટરે આપી હતી.રાજ્યના તમામ વિભાગોની સરકારી કચેરીઓ કે જ્યાં મોટા પ્રમાણમાં અરજદારો આવતા હોય ત્યા તડકો ન લાગે તેવી બેઠક વ્યવસ્થા ગોઠવવા, પીવાના પાણીની વ્યવસ્થા, પ્રાથમિક સારવાર, 108 ની સગવડ, ગરમીના કારણે સમયમાં ફેરફાર વગેરે જેવી બાબતો ધ્યાનમાં લેવા માટે પણ આ બેઠકમાં પરામર્શ કરાયો હતો.
રાજકોટ જિલ્લાના તમામ જળાશયોનું મેપિંગ કરાશે
કેન્દ્ર સરકારના જળશક્તિ મંત્રાલય દ્વારા પાણીના સ્ત્રોતનું મેપીંગ કરવાની સૂચના આપતા આગામી મહિનાથી કેન્દ્ર સરકારની ટીમ અને રાજકોટ જિલ્લાની ટીમ દ્વારા ચેકડેમ, તળાવ, ડેમ સહિતના જળાશયોનું મેપીંગ કરવામાં આવશે જિલ્લાના તમામ તાલુકામાં મેપીંગ કરવા માટે કેન્દ્રના વૈજ્ઞાનિકોની ટીમ રાજકોટ આવશે.