પોરબંદરના દરીયામાં 22 ડોલ્ફીનનો શિકાર, 10 શિકારીઓની ધરપકડ

ભારતીય કોસ્ટગાર્ડ અને વનવિભાગે 12 નોટીકલ માઈલ દુરથી પકડેલી તમિલનાડુની બોટમાંથી મળ્યા મૃતદેહ: તમિલનાડુ, કેરાલા, ઓરિસ્સા અને આસામના દસ શખ્સો સામે વનવિભાગે કરી કડક કામગીરી: પેનલ પી.એમ. સહિત કોર્ટની કાર્યવાહી હાથ ધરાઈ

પોરબંદર,તા. 16
પોરબંદર નજીકના દરીયામાં ડોલ્ફીન માછલીના શિકારનું મહાકૌભાંડ વનવિભાગ અને કોસ્ટગાર્ડ દ્વારા જોઇન્ટ ઓપરેશન હાથ ધરીને પકડી પાડવામાં આવ્યું છે. જેમાં તમીલનાડુ રજીસ્ટ્રેશનની બોટમાંથી 22 ડોલ્ફીનના મૃતદેહ તથા 4 શાર્કના મૃતદેહ મળી આવ્યા હતા અને 10 શખ્સોને પકડીને તેમની જંગલખાતાના કાયદા હેઠળ કાર્યવાહી અને કોર્ટની પ્રક્રિયા કરવાની સાથોસાથ માછલીના મૃતદેહના પોસ્ટમોર્ટમની કામગીરી હાથ ધરવામાં આવી છે.
કોસ્ટગાર્ડ વનવિભાગનું જોઈન્ટ ઓપરેશન
પોરબંદરના સમુદ્રમાં મોટીમાત્રામાં ડોલ્ફીન માછલીઓ વસવાટ કરી રહી છે ત્યારે તે વનવિભાગના શેડયુલ-1 માં આવતો જીવ હોવાથી તેના શિકાર ઉપર પ્રતિબંધ છે. આમ છતા બીજા રાજયના અમુક શખ્સો પોરબંદરના દરીયામાં આવીને ડોલ્ફીન માછલીનો શિકાર કરતા હોવાની ચોકકસ માહિતી વનવિભાગને મળી હતી. ભારતીય કોસ્ટગાર્ડ સાથે મળીને વનવિભાગે જોઈન્ટ ઓપરેશન હાથ ધર્યું હતું.જેમાં પોરબંદરથી 12 નોટીકલમાઈલ દુર તમીલનાડુની એક બોટમાં શંકાસ્પદ હિલચાલ થઇ રહીહોવાની માહિતીના આધારે કોસ્ટગાર્ડ દ્વારા આ બોટને અટકાવીને તાલશી લેવામાં આવતા તેમાંથી ડોલ્ફીન માછલીના 22 જેટલા મૃતદેહ મળી આવ્યા હતા અને 10 શખ્સો પણ પકડાયા હતા. આથી તેઓની આકરી પુછપરછ કરવામાં આવતા ચોંકાવનારા તથ્ય સામે આવ્યા હતા.
22 ડોલ્ફીન, 4 શાર્કના મૃતદેહ કબ્જે
પોરબંદર વનવિભાગના મુખ્ય અધીકારી ડી.સી.એફ. યજ્ઞેશભાઈ વ્યાસે આપેલી માહિતી મુજબ તમીલનાડુની બોટમાંથી પકડાયેલા 10 શખ્સોની પુછપરછ કરતા અને તેના કોલ્ડરૂમને તપાસતા 22 જેટલા ડોલ્ફીનના અને 4 જેટલા શાર્કના મૃતદેહ મળી આવ્યા હતા. તેથી ડોલ્ફીન વનવિભાગના શેડયુલ-1 માં આવતો જીવ છે તેથી તેનો શિકાર કરનારાઓ સામે કડક કાયદાઓ છે. તેથી તે અંતર્ગત વનવિભાગના કાયદા નીચે કાર્યવાહી કરવામાં આવી છે. તમામ 22 મૃતદેહનો કબ્જો લઇને પોસ્ટમોર્ટમની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
10 શખ્સો સામે કાર્યવાહી
પોરબંદર વનવિભાગના મુખ્ય અધીકારી ડી.સી.એફ. યજ્ઞેશભાઈ વ્યાસે જણાવ્યું હતું કે જે શખ્સોની અટકાયત કરવામાં આવી છે તેની મેડીકલ તપાસ માટે ભાવસિંહજી હોસ્પીટલ ખાતે લાવવામાં આવ્યા છે. જેમાં ઓરિસ્સાના માયાધાર મનાધર રાઉત ઉ.વ. 37, કેરલાના ગીલતુશ એબેઝ પુષ્પાકડી ઉ.વ. 62, નીહાલ સમસુદીન કુનાશેરી ઉ.વ. 26, આસામના સનસુમન જયલાલ બાસુમાતરે ઉ.વ.31, તમીલનાડુના સેલવન સુરલેશ ઉ.વ. 45, આસામના રણજીત ગોવિંદ બોરો ઉ.વ. 28, તમીલનાડુ રાજકુમાર તનીશા રાજ ઉ.વ. 52, એન્થોની બરલા ઉવ. 50, આસ્ન મરીયારની પીલ્લાઈ ઉ.વ. 47, તથા સાજીત સુકુમાર ઉ.વ. 22, તમીલનાડુ સામે કાર્યવાહી કરવામાં આવી છે અને કોર્ટમાં રજુ કરવાની તજવીજ હાથ ધરાઈ છે.
આમ પોરબંદરના દરીયામાં મોટીમાત્રામાં ડોલ્ફીન માછલીઓ રમત કરતી અને વિહરતી નજરે ચડે છે ત્યારે તેને પકડવા માટે અને શિકાર કરીને બહાર વહેંચવા માટે સક્રિય બનેલા શખ્સો સામે કડક કાર્યવાહી જરૂરી બનીગઇ છે.
શેડયુલ-1 માં આવતું પ્રાણી હોવાથી વનવિભાગે કરી કાર્યવાહી
પોરબંદર વનવિભાગના અધિકારી વ્યાસે જણાવ્યું હતું કે ડોલ્ફીન માછલીએ શેડયુલ-1 માં આવતું પ્રાણી છે અને તેની રંજાડ કરનારાઓ સામે વનવિભાગના જુદાજુદા કાયદાઓ હેઠળ કડક કાર્યવાહી કરવામાં આવે છે. ધ વાઈલ્ડ લાઈફ પ્રોટેકશન એકટ 1972 હેઠળ શેડયુલ-1 માં સમાવિષ્ટ થતી ડોલ્ફીનનો શિકાર કરવા ઉપર સંપૂર્ણ પ્રતિબંધ છે અને બીનજામીનલાયક ગુન્હો છે. જે રીતે સિંહના શિકાર હેઠળની કલમ લાગુ પડે તે જ પ્રકારની કલમ અહીયા પણ લાગુ પડી છે અને તેથી જ જંગલખાતાએ કામગીરી કરી છે.
શાર્કને ફસાવવા માટે ડોલ્ફીનનો થાય છે ઉપયોગ!
પોરબંદર વનવિભાગ દ્વારા પકડવામાં આવેલા માછલીના શિકારીઓની પુછપરછ કરવામાં આવતા તેમણે એવી ચોંકાવનારી કબુલાત કરી હતી કે, શાર્ક માછલીને ફસાવવા માટે એ પકડવા માટે ડોલ્ફીનનો ઉપયોગ મારણ તરીકે કરવામાં આવે છે અને ડોલ્ફીન બતાવવાથી શાર્ક માછલીઓ તુરંત ફસાઈ જતી હોવાથી આ પ્રકારની હરકત કરતા હોવાની કબુલાત આપતા વનવિભાગના અધિકારીઓ પણ ચોંકી ઉઠયા હતા અને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
પોરબંદરના ઇતિહાસમાં પ્રથમ વખત હાથ ધરાયું મોટું ઓપરેશન
સામાન્ય રીતે કાંઠાળા વિસ્તારમાં ડોલ્ફીન મળી આવતી હોય ત્યારે કયારેક તેના શિકારનો બનાવ બન્યો હોય તો છુટક કાર્યવાહી થતી હોય છે. પરંતુ અહીયા પોરબંદરના ઈતીહાસમાં પ્રથમ વખત આ પ્રકારનું મોટું ઓપરેશન હાથ ધરીને એકી સાથે 22 ડોલ્ફીનના શિકાર તથા તેને મોતને ઘાટ ઉતારનારા શિકારીઓને પકડી પાડવામાં આવ્યા છે.
પોરબંદર, માધવપુર અને બેટ દ્વારકા આસપાસ જોવા મળે છે ડોલ્ફીન
અરબીસમુદ્રમાં પોરબંદર, માધવપુર અને બેટ દ્વારકા આસપાસ ડોલ્ફીન માછલી ઉછળકુદ કરતી જોવા મળે છે. આ વિસ્તારનો દરીયો અને દરીયાઈ જીવ આકર્ષણનું કેન્દ્રબિંદુ બન્યા છે. પોરબંદરમાં તો ચોપાટી ઉપર લોકો બેઠા હોય ત્યારે ઘણી વખત સવારના સમયે ડોલ્ફીન માછલીઓ કુદકા મારતી અને પોતાની હાજરી પુરાવતી હજારો પોરબંદરવાસીઓએ જોઈ છે. દરીયાકાંઠે ગેલ કરી ડોલ્ફીનની નખરાળી મસ્તી અને તે પણ ઝુંડમાં જોવી હોય તો પોરબંદરના સમુદ્ર કીનારે સવારના સમયે અનેક વખત દેખાય છે.
માણસીલી ડોલ્ફીને અનેક વખત માણસોના જીવ પણ બચાવ્યા
પોરબંદર વનવિભાગમાં રેન્જ ફોરેસ્ટર ઓફીસર તરીકે ફરજ બજાવનારા અને હાલ નિવૃત જીવન ગાળતા ગોઢાણીયાએ એવું જણાવ્યું હતું કે, ડોલ્ફીન માછલી માણસીલી છે અને ભુતકાળમાં અનેક એવા પણ બનાવો બની ચુકયા છે કે જયારે સમુદ્રમાં મુશ્કેલીમાં મુકાયેલા અને ડુબી રહેલા ખલાસીઓને બચાવવા માટેના પ્રયત્નો કરે છે.
તાજી હવા ફેફસાં ભરવા આવે છે સપાટી ઉપર
ડોલ્ફીન સુંદર, રમતિયાળ જીવ છે. તેઓ સમુદ્રમાં રહેતા હોવા છતાં, ડોલ્ફિન માછલી નથી. વ્હેલની જેમ, તેઓ સસ્તન હોય છે., તેમના ફેફસાં મારફતે હવા શ્વાસમાં લે છે, જમીન પર રહેલા સસ્તન પ્રાણીઓની જેમ તેની માતાનું દૂધ પીવે છે. ડોલ્ફિન્સ તેમના માથાની ટોચ પર આવેલા બ્લોહોલ દ્વારા શ્ર્વાસ લે છે. તેઓ પાણીની સપાટી પર આવે છે જેથી હવા બહાર કાઢે અને તાજી હવા લઈ શકે. તેઓ આ કેટલી વાર કરે છે તેના પર તે કેવી રીતે સક્રિય છે તેની પર આધાર રાખે છે.
ડોલ્ફિન હવા માટે સપાટી પર આવતા વગર પાણીની અંદર 15 મિનિટ સુધી રહી શકે છે. મોટા ભાગના ડોલ્ફિન્સ દર ત્રણ વર્ષે એક- ક્યારેક બે બાળકોને જન્મ આપે છે. ડોલ્ફિન બાળક, જે 12-મહિનાના ગર્ભાવસ્થાના ગાળા પછી જન્મે છે તે 18 મહિના સુધી તેની માતાના દૂધ પીવે છે

રિલેટેડ ન્યૂઝ