સુરત અને વડોદરાના વાતાવરણમાં અચાનક પલટા બાદ વરસાદ ખાબક્યો, અડઘા ગુજરાતમાં કમોસમી વરસાદની આગાહી

ભરઉનાળે કરા સાથે માવઠું

છેલ્લા થોડા દિવસોથી રાજ્યમાં માવઠાની અસર જોવા મળી રહી છે. ત્યારે વડોદરા શહેરના વાતાવરણમાં આજે બપોરે અચાનક પલટો આવ્યો હતો. બપોર બાદ ગાજવીજ સાથે વિવિધ વિસ્તારોમાં અડધો ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો. જેમાં અલગ અલગ વિસ્તારમાં વરસાદ પડતાં અડધો ઈંચ જેટલો વરસાદ નોધાયો હતો.શહેરમાં અનેક જગ્યાએ કરા પણ પડ્યાં હતાં.ગોત્રી, ગોરવા સહિત અનેક વિસ્તારોમાં પડ્યા વરસાદ સાથે કરા પડ્યાં હતાં. તો રાજ્યના કેટલા જિલ્લામાં છૂટોછવાયો વરસાદ થયો છે. આજે હવામાન વિભાગે અડઘા ગુજરાતમાં વરસાદની આગાહી કરી છે.બીજી તરફ સુરત જિલ્લાના ઉમરપાડા તાલુકામાં પણ કરા સાથે ભારે વરસાદ વરસ્યો હતો.

પવન ફૂંકાવાની સાથે વરસાદ પડતા શહેરના કારેલીબાગ બુદ્ધદેવ સોસાયટી સામે સ્લમ કોટર્સ પાસે, સલાટવાડા ગવર્મેન્ટ કોલોની પાસે, સન રેસીડેન્સી ગાયત્રી પેટ્રોલ પંપ પાછળ ઉંડેરા, અલકાપુરી સોસાયટી સીએચ જ્વેલર્સ વાળી ગલીમાં મેઇન રોડ અને આરસી દત રોડ અલકાપુરી એક્સપ્રેસ હોટલ વાળા મેઈન રોડ પર ઝાડ પડ્યાના બનાવ બન્યા છે. આમ શહેરમાં કુલ પાંચ ઝાડ ધરાશાઈ થયાના બનાવો વડોદરા ફાયર બ્રિગેડના ચોપડે નોંધાયા છે.

ઉમરપાડામાં વરસાદ
સુરત જિલ્લાના ઉમરપાડા તાલુકાના ગુલીઉમર, ખૌટારામપુરા, રાજનીવડ , વડગામ, ડોંગરીપાડા, કોલવાણ, મોટીદેવરૂપણ, ઉમરદા સહિતના ગામોમાં ધોધમાર કમોસમી વરસાદ પડ્યો હતો. ત્યારે ઉનાળામાં ચોમાસા જેવો માહોલ સર્જાઈ ગયો હતો. તો બીજી તરફ સુરજ જિલ્લાના કેટલાક તાલુકાઓમાં ધોધમાર વરસાદની સાથે બરફના કરાઓ પણ પડ્યા હતા. ઉનાળાના સમયમાં કરા પડતા હિમવર્ષા જેવો માહોલ બની ગયો હતો.જેને લઇ ઉમરપાડા સહિતના તાલુકા અને ગામોમાં કાશ્મીર જેવી ઠંડક થઈ ગઈ હતી.

ખેડૂતોની વધી ચિંતા
ઉનાળાના સમયમાં જે રીતે વરસાદીમાં માહોલ બની રહ્યો છે અને કમોસમી વરસાદ ઉપરાંત બરફના કરા પડી રહ્યા છે તેને લઈ પાકને મોટું નુકસાન થવા પામ્યું છે. સુરત જિલ્લામાં ફરી એક વખત કરા સાથે વરસાદ પડતા ખેડૂતોની ચિંતા બમણી થઈ છે. અને આ પ્રકારના વરસાદને લઈ જગતનો તાત ચિતામાં મુકાયો છે. કમોસમી વરસાદ અને બરફના કરાને કારણે કેરી ઉપરાંત લીલી શાકભાજી અને બાગાયતી પાકમાં મોટું નુકસાન થવાની ભીતિ ખેડૂતોને સતાવી રહી છે.

રિલેટેડ ન્યૂઝ