માંડવીના નાનીવિરાણીમાં 14 લાખની ઉધરાણીમાં ચાર શખ્સોનું ફાયરીંગ

મુંબઇ અને લાકડીયાના યુવાનોને સીન સપાટા કરવાનું ભારે પડયું : પોલીસે પીછો કરી ઝડપી લીધા

ભૂજ તા.24
માંડવી તાલુકાના ગઢશીશા પંથકના નાની વિરાણી ખાતે જૂની ઉઘરાણીના મુદ્દાને લઇ મંગળવારના ઢળતી સાંજે એક રાઉન્ડ ફાયરિંગ થતાં ભારે ચકચાર પ્રસરી છે અને આ તમામ કિસ્સો મોડી રાત્રે પોલીસ ચોપડે સત્તાવાર નોંધાવવાની તજવીજ ચાલી રહી છે. તો ચાર જેટલા આરોપીને ગઢશીશા પોલીસે કાળા રંગની નંબર પ્લેટ વગરની ક્રેટા ગાડી સાથે પકડી પણ પાડયા છે.
વિરાણી નાની અને વાગડ પંથકના કોઇ બે વ્યક્તિ વચ્ચે લાખો રૂપિયાની લેતી-દેતીને લઇ આ સમગ્ર ઘટના સર્જાઇ છે, જેમાં ઉઘરાણી કરવા આવેલા ચાર શખ્સે પ્રથમ વિરાણી નાનીના લેણદારના નિવાસસ્થાને પહોંચી તેની પૃચ્છા કરી હતી અને યોગ્ય પ્રત્યુત્તર ન મળતાં ઉગ્ર બોલાચાલી કરી ગામમાં શોધવા નીકળ્યા હતા, જ્યાં ગામના યુવાનો એકત્ર થઇ જતાં ચાર શખ્સ પૂરઝડપે ક્રેટા ગાડી દોડાવી કોડાય પુલ તરફ નાસ્યાના સમાચાર મળતાં ગઢશીશાના ઇન્ચાર્જ પી.આઇ. ડી. એન. વસાવાએ ઘટનાસ્થળે સમયસૂચકતા વાપરીને કોડાય તરફ નાસેલી કારને ઝડપવા પોલીસ કંટ્રોલરૂમ દ્વારા સંદેશા વહેતા કરાવ્યા હતા. નાસેલી કારનો પીછો કર્યો હતો અને રીતસર ફિલ્મી દ્રશ્યો સર્જાયા હતા.
દરમ્યાન, કંટ્રોલરૂમ અને ગઢશીશા પોલીસ તરફથી મળેલા સંદેશાનાં પગલે કોડાય પોલીસ મથકના પી.આઇ. કે. એફ. ચૌધરી અને સ્ટાફે કોડાય પોલીસ મથકની સામે જ ચોકડી ઉપર ટ્રક અને લોડરો આડા મૂકી માર્ગ કોર્ડન કરી લીધો હતો. આમ, ત્યાંથી જ ક્રેટા ગાડી સાથે ચારેય આરોપીને કોડાય અને ગઢશીશા પોલીસે દબોચી આરોપીઓને ગઢશીશા પોલીસ મથકે લઇ અવાયા હતા. પૂછપરછમાં વિજયભા ખેતાભા ગઢવી (ઉ.વ.26, રે.લાકડીયા), કુલદિપસિંહ કાલુભા જાડેજા (ઉ.વ.24,શિવલખા), સિધધરાજસિંહ બળવંતસિંહ જાડેજા (ઉ.વ.27,લાકડીયા) અને ઇમરાન અબ્દુલ રાઉમા (ઉ.વ.24 લાકડીયા) હાલ મુંબઇ) જા અટકાયત કરી છે.

રિલેટેડ ન્યૂઝ