અમરેલીમાં બંદોબસ્ત સાથે 700 દબાણો પર બુલડોઝર

દબાણકારો સામે નગરપાલીકા તંત્રની લાલઆંખ, ફરી દબાણો થાય નહી તેવું આયોજન કરવા લોક માંગ

અમરેલી તા.24
અમરેલી જિલ્લામાં વિવિધ નગરપાલિકા દ્વારા ડીમોલેશનની કામગીરી હાથ ધરવામાં આવી છે.સાવરકુંડલા,ધારી અને બાદમાં અમરેલી શહેરમાં પણ ગેર કાયદેસર રીતે દબાણો હટાવવાની કામગીરી શરુ કરવામાં આવી છે. પાલિકાનું બુલડોઝર પોલીસના મોટા કાફલા વચ્ચે આજે એક સાથે 700 થી વધુ દબાણો દૂર કરવામાં આવ્યા હતા.
અમરેલી શહેરમાં નગરપાલિકા દ્વારા દબાણો દૂર કરવાની ઝુંબેશ હાથ ધરવામાં આવી છે.શહેરમાં કરવામાં આવેલા ગેરકાયદેસર દબાણો પર બુલડોઝર ફરી રહ્યું છે.આજે પ્રશાસન દ્વારા જુદી-જુદી 6 જેટલી ટીમો બનાવી શહેરમાં આવેલ ચિતલ રોડ,લાઠી રોડ,રાજકમલ ચોક ,સંકુલ રોડ,સાવરકુંડલા બાયપાસ રોડ,ઇન્દિરા શાકમાર્કેટ રોડ,રૂપમ રોકીઝ રોડ સહિતના વિસ્તારોમાં દબાણ દૂર કરવામાં આવ્યા હતા.અહીં પાલિકાના પ્રાથમિક સર્વેમાં સામે આવેલા કુલ 900 જેટલા દબાણો દૂર કરવાના હતા જેમાંથી 700 થી વધુ દબાણો દૂર કરી દેવામાં આવ્યા હતા.રસ્તામાં આવતા ઓટલાઓ,છાપરાઓ તેમજ પાકું રોડ પરનું બાંધકામ દૂર કરવામાં આવ્યા હતા.મોટી સંખ્યામાં પોલીસનો કાફલો પણ જોડાયો હતો.અહીં ડીવાયએસપી,6 પીઆઇ,20 પીએસઆઈ,240 પોલીસ કર્મચારીઓ સહિતના પોલીસ કાફલા સાથે હોવાથી શાંતિપૂર્ણ માહોલ વચ્ચે સાંજ સુધીમાં દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવતા શહેરના રાજમાર્ગો વીશાળ બની ગયેલ હતા.આવનારા દિવસોમાં પાલિકા દ્વારા દૂર કરવામાં આવેલ દબાણો ફરીવાર છવાઈ ન જાય તે દિશામાં આગવું આયોજન હાથ ધરવા લોકોમાં માંગ ઉઠેલ હતી.
આ અંગે ચીફ ઓફિસર રઘુવીરસિંહ ઝાલા દ્વારા જણાવવામાં આવ્યું હતું કે,નગરપાલિકા દ્વારા નાના-મોટા કોઈ પણ વેપારીઓનો ભેદભાવ રાખ્યા વગર જ કામગીરી કરવામાં આવી છે.હજુ પણ કેટલાક પાકા દબાણો માટેની સર્વેની કામગીરી ચાલુ છે અને ત્યાર બાદ વધુ કામગીરી પણ કરવામાં આવશે.

રિલેટેડ ન્યૂઝ