વાવાઝોડાની આગાહી વચ્ચે હીટવેવનું મોજું ફરી વળ્યું, રાજકોટ- સુરેન્દ્રનગરમાં 42, અમરેલીમાં 41, કંડલા- ભાવનગરમાં 40 ડીગ્રીએ પારો પહોંચતા જનજીવન અકળાયું, આજથી પાંચ દિવસ વરસાદની આગાહી
રાજકોટ,તા.8
અરબી સમુદ્રમાં વાવાઝોડું સક્રીય થતા દરિયામાં કરંટ જોવા મળ્યો છે. 12 ફુટ જેટલા ઉંચા મોજા ઉછળ્યા હતા. આજથી પાંચ દિવસ રાજકોટ સહીત સૌરાષ્ટ્ર-કચ્છમાં વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે. તો વાવાઝોડાની આગાહી વચ્ચે સૌરાષ્ટ્ર- કચ્છમાં હિટવેવનું મોજુ ફરી વળ્યું છે. રાજકોટ- સુરેન્દ્રનગરમાં 42, અમરેલીમાં 41, કંડલા- ભાવનગરમાં 40 ડીગ્રીએ પારો પહોંચતા જનજીવન કાળઝાળ ગરમીમાં અકળાઇ ઉઠયું હતું.
અરબી સમુદ્રમાં વાવાઝોડું સક્રીય થયું છે. વાવાઝોડુ વેરાવળથી 900 કિલોમીટર દુર દરિયામાં છે. વાવાઝોડું તીવ્ર બનતા અરબી સમુદ્રમાં કરંટ જોવા મળ્યો છે. સૌરાષ્ટ્રના તમામ બંદરો ઉપર બે નંબરનું સિગ્નલ લગાવી દેવામાં આવ્યું છે તો માછીમારોને દરીયો નહીં ખેડવા માટે સુચના આપવામાં આવી છે.
રાજયના હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલીમાં ભારે પવન સાથે વરસાદ પડશે તો સૌરાષ્ટ્ર-કચ્છમાં સુકુ વાતાવરણ રહેશે. તા.9ના રોજ નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલી, અમરેલી, ભાવનગરમાં વરસાદ પડશે.
આ ઉપરાંત તા.10 ના રોજ ભારે ગાજવીજ અને પવન સાથે સુરત, નવસારી, ડાંગ, વલસાડ, ભરૂચ, તાપી, દમણ, દાદરાનગર હવેલી, જુનાગઢ, અમરેલી, ગીર સોમનાથ, ભાવનગર અને દીવમાં વરસાદ પડવાની આગાહી હવામાન વિભાગે કરી છે.
જયારે તા.11ના રોજ રાજકોટ, પોરબંદર, જુનાગઢ, અમરેલી, ભાવનગર, દીવ, વડોદરા, સુરત, નવસારી, ડાંગ, નર્મદા, વલસાડ, ભરૂચ, તાપી દમણ, દાદરાનગર હવેલીમાં અને તા.12ના રોજ આણંદ, વડોદરા, સુરત, નવસારી, ડાંગ, નર્મદા, વલસાડ, ભરૂચ, તાપી સહીતના વિસ્તારોમાં વરસાદ પડશે.
હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફુંકાશે.
જામ ખંભાળિયા
અરબી સમુદ્રમાં સર્જાયેલા ડીપ ડીપ્રેશનને લીધે રાજ્યમાં સંભવત: વાવાઝોડાનો ખતરો જોવા મળી રહ્યો છે. ત્યારે તેની અસર અત્યારથી જ દરીયાકાઠાના વિસ્તારોમાં જોવા મળી રહી છે. યાત્રાધામ દ્વારકામાં સમુદ્રના પાણીમાં કરન્ટ જોવા મળી રહયો છે અને હાલમાં અહીંના દરિયામાં આઠથી દસ ફૂટ જેટલાં ઊંચા મોજાં ઉછળી રહયા છે.
ભાવનગર
વાવાઝોડાની આગાહી વચ્ચે ભાવનગરમાં મહત્તમ તાપમાન ઊંચકાતા ફરી નગરજનોએ કાળઝાળ ગરમી નો અનુભવ કર્યો છે. આજે ભાવનગર છે એનું મહત્તમ તાપમાન 39.9 ડીગ્રી નોંધાયું હતું.
ગોહિલવાડ પંથકમાં વાવાઝોડાની આગાહીને પગલે તેજ પવન ફૂંકાય રહ્યો છે. ભારે પવન વચ્ચે પણ મહત્તમ તાપમાન ઊંચકાયું છે. અને ફરી ગરમી વધી છે. આજે ભાવનગર શહેરનું મહત્તમ તાપમાન 39.9 ડીગ્રી નોંધાયું હતું. જ્યારે લઘુતમ તાપમાન 27.6 ડિગ્રી રહેવા પામ્યું હતું. વાતાવરણમાં ભેજનું પ્રમાણ 41% નોંધાયું છે .જ્યારે પવનની ઝડપ 30 કિ.મી. પ્રતિ કલાકની રહેવા પામી છે.
જામનગર
અરબી સમુદ્રમાં સર્જાયેલ બિપરજોય સાયકલોનની જામનગર જિલ્લામાં નહિવત અસર થાય તેમજ જિલ્લામાં જાનમાલનું ઓછામાં ઓછું નુકસાન થાય તે માટે જિલ્લા વહીવટી તંત્ર જામનગર દ્વારા તમામ આગોતરી તૈયારીઓ પૂર્ણ કરાઇ છે.
જિલ્લા કલેકટર બી.એ.શાહે જણાવ્યું હતું કે હવામાન વિભાગની આગાહી પ્રમાણે અરબી સમુદ્રમાં બિપરજોય સાયકલોન સિસ્ટમ ડેવલપ થઈ છે. હવામાન વિભાગની આગાહીઓ અને ચેતવણીને અનુરૂપ જિલ્લા વહીવટી તંત્ર જામનગર દ્વારા તે અંગે સંપૂર્ણ તૈયારીઓ કરવામાં આવી છે. જેમાં જિલ્લા તથા તાલુકા મથકના તમામ અધિકારી ઓને પોતાના હેડક્વાર્ટર પર અચૂક હાજર રહેવા સૂચનાઓ આપવામાં આવી છે તેમજ તમામ બંદરો પર બે નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે અને તમામ માછીમારો તથા બોટને દરિયામાંથી પરત બોલાવી લેવામાં આવી છે. જામનગર ગ્રામ્યના અંદાજિત 12 જોડિયા તાલુકાના 8 તેમજ લાલપુર તાલુકાના 2 મળી કુલ 22 ગામો દરિયાકાંઠે આવેલા છે. જેમાં રહેતા આશરે 76 હજાર જેટલા નાગરિકો માટે જો જરૂર જણાય તો સલામત આશ્રયસ્થાન અંગેની પણ જરૂરી વ્યવસ્થાઓ તેમજ આયોજન સુનિશ્ચિત કરી લેવામાં આવેલ છે.
વેરાવળ
આગામી 11 જૂન સુધી વાવાઝોડાની આગાહી છે ત્યારે એ દરમિયાન સંભવિત વરસાદી-કુદરતી આપત્તિ સામે ગીર સોમનાથ કલેક્ટર એચ.કે.વઢવાણિયાના માર્ગદર્શન હેઠળ વહીવટીતંત્ર દ્વારા જિલ્લા અને દરેક તાલુકા મથકે રાઉન્ડ-ધ-કલોક ફલડ ક્ધટ્રોલરૂમ કાર્યરત છે. કંટ્રોલ રૂમ નંબર જાહેર કરાયા છે. જેમાં ગીર સોમનાથ જિલ્લા આપતિ વ્યવસ્થાપન કેન્દ્ર ફોન નં.02876- 285064, 02876- 285063, મામલતદાર કચેરી વેરાવળ તાલુકા કક્ષાનાં ક્ધટ્રોલરૂમ નંબર 02876- 244299, મામલતદાર કચેરી તાલાળા 02877- 222222, મામલતદાર કચેરી સુત્રાપાડા-02876- 263371, મામલતદાર કચેરી કોડીનાર-02795- 221244, મામલતદાર કચેરી ઉના-02875- 222039, મામલતદાર કચેરી ગીરગઢડા-02875- 243100 આપત્તિ નિવારણ માટે જિલ્લા અને તાલુકા સ્તરે ક્ધટ્રોલ રૂમ શરૂ કરાયો છે અને રાઉન્ડ ધ કલોક સ્ટાફની નિમણૂક કરાઈ છે આપત્તિ સમયે તાલુકા અને જિલ્લા સ્તરે કાર્યરત કંટ્રોલરૂમનો સંપર્ક કરી શકાશે.