598 સીટમાંથી માંડ 30 ટકા બુકીંગ અને 70 ટકા બેઠકો ખાલી: પ્રથમ દિવસે 169, બીજા દિવસે માત્ર 119 મુસાફરોએ કરી મુસાફરી
કેન્દ્ર સરકાર દ્વારા સૌરાષ્ટ્રવાસીઓને ઝડપી સુવિધા આપવા માટે રવિવારના રોજથી અમદાવાદ- જામનગર વચ્ચે ભારતની પહેલી હાઇસ્પીડ વંદે ભારત ટ્રેનનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. જેમાં શરૂઆતના સમયમાં જ નબળો પ્રતિસાદ મળી રહ્યો હોય તેમ છેલ્લા બે દિવસથી ખાલીખમ દોડી રહી છે અને માત્ર 30 ટકાએ જ મુસાફરી કરતા 70 ટકા ટ્રેન ખાલી રહી હતી. વડાપ્રધાન દ્વારા રવિવારે અમદાવાદ- જામનગર વંદે ભારત ટ્રેનને લીલીઝંડી આપી પ્રારંભ કરાવ્યો હતો. આ ટ્રેનમાં આઠ કોચમાં 598 બેઠક વ્યવસ્થા આપવામાં આવી છે.
જેમાં એકજીકયુટીવમાં 52 અને ચેરકારમાં 546 મળી કુલ 598 સીટ છે. જયારે પ્રથમ દિવસે અમદાવાદથી જામનગર તરફ આવેલી ટ્રેન નં.22925માં 169 સીટ બુકીંગ થઇ હતી. જયારે 429 જેટલી સીટ ખાલી રહી હતી તેમજ તા.26મીએ જામનગર- અમદાવાદ વચ્ચે ટ્રેન નં.22926માં માત્ર 119 સીટનું બુકીંગ થયું હતું અને 4798 જેટલી સીટ ખાલી રહી હતી. વંદે ભારત ટ્રેનમાં છેલ્લા બે દિવસથી મુસાફરોનો નબળો પ્રતિસાદ મળી રહ્યો છે. જે પ્રકારનો ઉત્સાહ જયવાવો જોઇએ તે દેખાઇ રહ્યો નહી હોવાથી છેલ્લા બે દિવસમાં માત્ર 298 જેટલા મુસાફરોએ યાત્રા કરી મુસાફરોના નબળા પ્રતિસાદના કારણે છેલ્લા બે દિવસથી વંદે ભારત ટ્રેન 70 ટકા ખાલી દોડી રહી છે. શરૂઆતમાં જ મુસાફરોનો પ્રતિસાદ નહી મળતા રેલવે તંત્ર પણ અવઢવ અનુભવી રહ્યું છે. સુત્રોએ જણાવ્યું હતું કે આગામી દિવસોમાં ટ્રેન નિયમિત થશે ત્યારે ટ્રાફિક વધવાની શંભાવના છે. અત્રે ઉલ્લેખનીય છે કે સામાન્ય ટ્રેનો, એકસપ્રેસ ટ્રેનો, સુપરફાસ્ટ ટ્રેનો, રાજધાની ટ્રેનો કરતા વંદે ભારત ટ્રેનમાં ટિકિટના દર વધારે હોવાથી પણ યાત્રિકો વંદે ભારત ટ્રેનમાં મુસાફરી કરવાનું ટાળી રહ્યા હોય વંદે ભારતમાં હાલ ટીકીટનાં દર રૂા.810 થી રૂા.1510 સુધીના વસુલવામાં આવી રહ્યા છે. જેના લીધે સામાન્ય વર્ગને તે પરવડે તેમ ન હોય તેના લીધે મુસાફરોએ અમદાવાદ સુધી જતી ઇન્ટરસીટીમાં મુસાફરી કરવાનું પસંદ કર્યું હતું. ટિકિટના દરમાં ઘટાડો થાય તો વંદે ભારત ટ્રેનને પણ ઇન્ટરસીટી જેટલો જ ટ્રાફિક મળી શકે તેમ છે. તેવી મુસાફરોમાં ચર્ચા થઇ રહી છે. આ અંગે રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝના પ્રમુખ વી.પી. વૈષ્ણવે જણાવ્યું હતું કે વંદે ભારત ટ્રેન શરૂ થવાથી સૌરાષ્ટ્રના વેપાર ઉદ્યોગને વેગ મળશે અને વેપારીઓ, ઉદ્યોગપતિઓને ફાયદો થશે. પરંતુ હાલ જે નબળો પ્રતિસાદ છે કે ઓછા યાત્રિકો મુસાફરી કરી રહ્યા છે તો આ ટ્રેનને સુરત અથવા મુંબઇ સુધી લંબાવવાથી ટ્રાફિક મળી રહેશે અને ટિકિટના દર પણ સામાન્ય મુસાફરોને પોસાય તેમ નથી જેથી ટિકિટના દરમાં પણ સરકાર દ્વારા રાહત આપવામાં આવે તો જે હેતુથી વંદે ભારત ટ્રેન શરૂ કરવામાં આવી છે તે સીધ થશે. ઉપરાંત હાલ રાજકોટ- અમદાવાદ વચ્ચે જે સિકસલેન હાઇવેની કામગીરી ચાલી રહી છે તો તે હજી એક વર્ષથી પણ વધારે સમય સુધી ચાલે તેમ હોય ત્યારે સરકાર દ્વારા વંદે ભારત ટ્રેન શરૂ કરતા લોકોને ટ્રાફિકની યાતનામાંથી મુકિત મળી છે ને ઝડપી સેવા પણ મળી છે. તોડની કામગીરી પુરી ન થાય ત્યાં સુધી વંદે ભારત ટ્રેનની સુવિધા આશીર્વાદરૂપ સાબીત થશે