સૌરાષ્ટ્રમાં અગનવર્ષા : રાજકોટમાં બપોરે લૂ ફૂં કાતા પારો 44 ડિગ્રીએ પહોંચ્યો

સુરેન્દ્રનગર – કંડલા 46, રાજકોટ – અમરેલી – ભુજ 45 ડિગ્રીએ રાજ્યમાં સૌથી હોટેસ્ટ શહેરો બન્યાં

સૌરાષ્ટ્રમાં ઘણા દિવસથી ગરમીએ માઝા મૂકી છે. પરિણામે માનવ જીવન સાથે પશું પક્ષીઓનું જીવન પણ દુષ્કર બન્યું છે. આજે સુરેન્દ્રનગર – કંડલા 46, રાજકોટ – અમરેલી – ભુજ 45 ડિગ્રી ગરમીથી ધગ્યું હતું. રાજકોટમાં 22 કિલોમીટરની ઝડપે લૂ ફૂંકાઈ હતી. રાજકોટમાં આજે બપોરે અઢી વાગ્યે મહત્તમ તાપમાન 43.6 ડિગ્રી નોંધાયું છે જે ગઈકાલ બપોરના 2:30 વાગ્યાની સરખામણીએ સામાન્ય વધારે છે. ગઈકાલની માફક આજે પણ પ્રતિ કલાકના 22 કીલોમીટરની ઝડપે લૂ ફૂકાઈ હતી અને ધૂળની ડમરી ઉડાડતા પવનો ફૂંકાયા હતા. રાજકોટમાં મંગળવારનું મહત્તમ તાપમાન 43.7 ડિગ્રી રહ્યું હતું. આજે તેની આસપાસ મહત્તમ તાપમાન રહે તેવી શક્યતા છે. સવારે લઘુતમ તાપમાનમાં એક સાથે બે ડિગ્રી જેટલો વધારો થતાં આજે મહત્તમ તાપમાન પણ વધારે ઊંચકાશે તેવું લાગતું હતું. ગઈકાલે સવારે રાજકોટમાં લઘુતમ તાપમાન 24.8 ડીગ્રી નોંધાયું હતું જ્યારે આજે સવારે લઘુતમ તાપમાન 26.2 ડિગ્રી નોંધાયું હતું રાજકોટમાં હજુ આગામી તા.25 સુધી ગરમીનું જોર રહેશે અને તે માટે હવામાન વિભાગ દ્વારા હિટવેવનું ઓરેન્જ એલર્ટ પણ આપવામાં આવ્યું છે. રાજકોટમાં સવારથી જ સુર્યદેવતા કોપાયમાન થઇ જતાં હોવાથી અને 12 વાગ્યા સુધીમાં પારો ઘણો ઉંચે ચડી જતો હોય શેરી ગલીઓ સૂમસામ જોવા મળે છે. ધૂળની ડમરી ઉડાડતા પવનો ફુંકાતા હોવાથી રાહદારીઓ અને વાહનચાલકો ભારે હેરાન પરેશાન થાય છે. સાંજે 7 વાગ્યા સુધી લુ પણ કુંકાતી હોય છે અને તેના કારણે લોકો હેરાન પરેશાન થઇ ગયા છે. આગામી તા.24 પછી વાવાઝોડાની સિસ્ટમના કારણે વાતાવરણમાં ફેરફાર થાય અને ગરમીમાં થોડી રાહત મળે તેવી લોકોને આશા છે. રાજકોટની માફક સૌરાષ્ટ્ર-કચ્છમાં અમરેલી, સુરેન્દ્રનગર, કચ્છ અને ગુજરાતમાં અમદાવાદ, ગાંધીનગર સહિતના સેન્ટરોમાં પણ મહત્તમ તાપમાનનો પારો સામાન્યથી એકાદ દોઢ ડીગ્રી સુધી ઉંચકાયો છે.

ભાવનગરમાં સતત ત્રીજા દિવસે ગરમીથી આધેડનું મોત
ભાવનગર પંથકમાં ગરમીનું જોર યથાવત રહેતા લોકો ત્રાહિમામ પોકારી ઊઠ્યા છે. આખરી ગરમીને કારણે જનજીવન પ્રભાવીત થયું છે.ભાવનગરના કાળાતળાવ ખાતે રહેતા ભરતભાઈ હીરાભાઈ વણકરઉ.વ.40 ને ગરમીના કારણે શ્વાસ ની તકલીફ થઈ હતી અને મુંજારો થતા તેને બેભાન હાલે હોસ્પિટલ ખસેડાયેલ જ્યાં ફરજ પરના તબીબો એ તેને ચકાસી મૃત જાહેર કર્યા હતા.જ્યારે શહેરમાં બે લોકોને લુ લાગવાથી તાત્કાલિક ખાનગી હોસ્પિટલ ખસેડાયેલ છે જેમાં એક મહિલાનો પણ સમાવેશ થાય છે. ગરમીને કારણે નબળાઈ, ભૂખ ન લાગવી જેવા લક્ષણો પણ દર્દીઓમાં દેખાઈ રહ્યા છે.

ક્યાં કેટલી ગરમી
શહેર તાપમાન
રાજકોટમાં 44.2,
અમરેલીમાં 44.9
ભાવનગરમાં 41.2
દ્વારકામાં 32.8
ઓખામાં 35.5
પોરબંદરમાં 36.1
વેરાવળમાં 33.2
દીવમાં 35.4
સુરેન્દ્રનગરમાં 45.8
મહુવામાં 43.2
કેશોદમાં 42.0

રિલેટેડ ન્યૂઝ