પ્રાચીન યોગવિદ્યાનો પ્રભાવ વિશ્ર્વમાં મોટા પ્રમાણમાં પડી રહ્યો છે ત્યારે આપણે પણ તેમાં જોડાઈએ: સાંસદ રૂપાલા

ઉપલેટા ખાતે રાજકોટ જિલ્લા કક્ષાનો યોગ કાર્યક્રમ યોજાયો

રાજ્યમાં યોગ પ્રવૃત્તિને વ્યાપક બનાવવા માટે બોર્ડની સ્થાપના કરાઈ: પ્રવિણાબહેન રંગાણી

શરીર અને મનને સ્વસ્થ રાખવા માટે નિયમિત રીતે યોગ કરવો જોઈએ: ધારાસભ્ય ડો.પાડલિયા

રાજકોટમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની જિલ્લા કક્ષાની ઉજવણી આજે ઉપલેટા ખાતે સાંસદ પરશોત્તમભાઈ રૂપાલાના અધ્યક્ષસ્થાને કરવામાં આવી હતી. અહીંની મામલતદાર કચેરી પાસે તાલુકા શાળાના મેદાન ખાતે યોજાયેલા યોગ દિવસના કાર્યક્રમમાં આશરે બે હજારથી વધુ લોકો જોડાયા હતા અને યોગમય બન્યા હતા. રાજ્ય યોગબોર્ડના પ્રશિક્ષિત શિક્ષકોએ યોગ બોર્ડના પ્રોટોકોલ પ્રમાણે સર્વને યોગ તથા પ્રાણાયામ કરાવ્યા હતા.
આ તકે સાંસદ પરશોત્તમભાઈ રૂપાલાએ પ્રાસંગિક ઉદૃબોધનમાં જણાવ્યું હતું કે, ભારતની ગૌરવશાળી પરંપરા યોગવિદ્યાને આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રસ્થાપિત કરવાનો પ્રયાસ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા થયો, તેના કારણે ભારતની આ સાંસ્કૃતિક ધરોહર વિશ્વ માનવજાત માટે ઉપયોગમાં આવવાનું શરુ થયું તે ગૌરવની વાત છે. આ પ્રાચીન વિદ્યાનો પ્રભાવ વિશ્વમાં મોટા પ્રમાણમાં પડી રહ્યો છે ત્યારે આપણે પણ તેની સાથે વધુ જોડાવાનો પ્રયાસ કરવાની આવશ્યકતા છે.
જિલ્લા વહીવટીતંત્રએ જિલ્લા કક્ષાના યોગ કાર્યક્રમના તાલુકા સ્તરે કરેલા આયોજનને સાંસદે બિરદાવ્યું હતું. આ સાથે નવી પેઢી વધુમાં વધુ યોગવિદ્યા સાથે જોડાઈને સ્વસ્થ બને તેવી અપીલ પણ તેમણે કરી હતી.
આ તકે રાજકોટ જિલ્લા પંચાયતના અધ્યક્ષ પ્રવિણાબહેન રંગાણીએ સંબોધનમાં જણાવ્યું હતું કે, યોગ એ આપણા ઋષિમુનિઓએ સમગ્ર વિશ્વને આપેલી અમૂલ્ય ભેટ છે. તેને વિશ્વસ્તરે પહોચાડવા વર્ષ 2014માં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ 21મી જૂનને યોગ દિવસ તરીકે ઉજવવા યુ.એન.માં પ્રસ્તાવ રજૂ કર્યો હતો, ત્યારથી દર વર્ષે 21મી જૂન સમગ્ર વિશ્વમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે ઉજવવામાં આવે છે.
ધોરાજી ઉપલેટાના ધારાસભ્ય ડો. મહેન્દ્રભાઈ પાડલિયાએ સંબોધનમાં કહ્યું હતું કે, આધુનિક જીવનશૈલીના કારણે આજે લોકો શારીરિક, માનસિક, સામાજિક સહિતની ઘણી સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે, બાળકો યુવાનોમાં મોબાઈલ જેવા ગેજેટના ઉપયોગથી તનાવ વધ્યો છે, ત્યારે શરીર અને મનના સ્વાસ્થ્ય માટે યોગ એકમાત્ર ઉપાય છે.
આ કાર્યક્રમમાં જિલ્લા કલેકટર પ્રભવ જોશી, જિલ્લા પોલીસવડા જયપાલસિંહ રાઠોર, જિલ્લા વિકાસ અધિકારી ડો. નવનાથ ગવ્હાણે, નિવાસી અધિક કલેકટર ચેતન ગાંધી, ઉપલેટા પ્રાંત અધિકારી જે. એન. લીખિયા, જિલ્લા રમત ગમત અધિકારી વી.પી. જાડેજા ,જિલ્લા યુવા વિકાસ અધિકારી હિતેશ દિહોરા, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી, ઉપલેટા મામલતદાર એમ.ટી.ધનવાણી, અગ્રણી અલ્પેશ ઢોલરિયા તથા રવિ માંકડિયા વગેરે ઉપસ્થિત રહ્યા હતા.


રિલેટેડ ન્યૂઝ