આ સમગ્ર વિશ્વ કામ, ક્રોધ, લોભ, મોહ વગેરે દોષથી યુક્ત છે,આથી તેમાં હજારો દુ:ખ રહેલા છે.સંસાર સાગરમાં ડૂબેલા એવા અજ્ઞાનીજનોનો ઉદ્ધાર કંઈ રીતે થાય.માતા પાર્વતીજીએ આ પ્રકારે ભગવાન શિવને પ્રશ્ન કરી મનુષ્યના ઉદ્ધાર માટે ઉત્તમ ઉપાય જાણવાની ઈચ્છા વ્યક્ત કરી હતી.ભગવાન શિવે યોગસાધના અને ભક્તિનો માર્ગ સુચવ્યો હતો.
ભગવાન શિવ કહે છે
હે દેવી,મુક્તિની કામના રાખનાર વિદ્વાને આ દેહની અંદર રહેલા પરમાત્માનું ધ્યાન કરવું.આ જ્ઞાનથી મનુષ્ય સંસારબંધનમાંથી મુકાય છે.આ મારું અને આ પારકું,આવી રીતનો જે ભ્રમ તે દુ:ખ આપનાર છે.માટે મારુ કશું છે નહીં તે પ્રકારની બુદ્ધિ મોક્ષ આપનારી છે.જેને પોતાના દેહ ઉપર મોહ નથી તેને કોઈ બાબત બંધનરૂપ થતી નથી.આ પાશુપત યોગ કહેવાય છે.
રાગ આદિ દોષને મનુષ્ય જન્માન્તરમાં પણ જીતી શકતા નથી.સત્ય,દ્વાપર અને ત્રેતા યુગમાં પણ મનુષ્યો અલ્પજીવી હતા ત્યારે કળિયુગની તો વાત કેમ થાય. આમ છતાં સંસારરૂપી સમુદ્રને પાર થઈ શકાય તેવો ઉપાય છે ક્રિયાયોગ.ચિત્તની એકાગ્રતા વગર ક્રિયાયોગ સંભવ નથી.આ ક્રિયાયોગ એટલે બાહ્ય મૂર્તિની પૂજા વગેરે કર્મ. સર્વ કર્મમાં પ્રથમ ક્રિયાયોગ કહ્યો છે,મનુષ્ય ક્રિયાયોગ વગર આગળ પગલું ભરી શકતો નથી.ભક્તોએ મનને દઢ કરી પરમાત્માની પૂજામાં તત્પર રહેવું.
પરમાત્મા શિવની ભક્તિ, તેમના ઉપર પ્રીતિ,પરમાત્મા સંબંધી કર્મ,પરમાત્માનો આશ્રય, શિવનો મંત્ર જપ,પૂજા, ચિંતન, મનન, હિંસાથી દૂર રહી પરમાત્માનું ધ્યાન કરનાર સાધક સિદ્ધિ મેળવે છે.
જ્ઞાનયોગ એટલે આત્માની સાથે ચિત્તની એકાગ્રતા અને ક્રિયાયોગ એટલે મૂર્તિની સેવા વગેરે કર્મ.આ બન્ને યોગ મોક્ષ આપનાર છે.પ્રથમ ક્રિયાયોગ જરૂરી છે, જ્યાં સુધી ક્રિયાયોગમાં મનુષ્ય નિપુણ થતો નથી ત્યાં સુધી યોગ પણ સિદ્ધ થતો નથી.જે રીતે વનની સાથે રહેલો અગ્નિ તૃણ વગેરેને બાળી નાખે છે તેવી રીતે શિવલિંગ ઉપર કરેલો ભાવ દેહના સમગ્ર પાતકનો નાશ કરે છે.આ કર્મભૂમિ છે તેમાં મનુષ્યનો જન્મ ઘણા કષ્ટથી આવે છે.જો ખરી ભક્તિ ન હોય તો નવા આભૂષણ,રત્ન, વસ્ત્ર અને સુવર્ણ થકી પણ ભગવાન શિવ પ્રસન્ન થતા નથી.આ કર્મભૂમિમાં જન્મ લઈને જે મનુષ્ય શિવનું પૂજન કરતો નથી તેનો જન્મારો નિષ્ફળ જાણવો.