ધર્મોલ્લાસ સાથે પર્યુષણ પર્વની ઉજવણી: વ્યાખ્યાનમાં કલ્પસુત્રને ઘેર પધરાવવા અને ગુરૂ ભગવંતોને આજે વહોરાવવાની ઉછામણી થઇ: નેમિનાથ- વિતરાગ જૈન સંઘમાં તપશ્ર્ચર્યાના તેજ છવાયા: સ્થાનકવાસી જૈન સંઘોમાં વ્યાખ્યાન સહીતના અનુષ્ઠાનો
આજે પર્વાધિરાજ પર્યુષણનો ત્રીજો દિવસ છે. સ્થાનકવાસી જૈનોમાં આજે પર્યુષણનો બીજો દિવસ ધર્મોલ્લાસ સાથે ઉજવાઈ રહ્યો છે. જિનાલયો-ઉપાશ્રયોમાં પર્વાધિરાજ પર્યુષણ પર્વની ઉજવણી અનેરા ઉમંગ સાથે તપ, ત્યાગ અને ધર્મ આરાધના સાથે થઈ રહી છે.
મૂર્તિપૂજક જૈન સંઘોમાં આજે પર્યુષણના ત્રીજા દિવસે ગુરૂ ભગવંતોએ પૌષધ વ્રતનું મહત્વ દર્શાવ્યું હતું. પર્વના દિવસોમાં શાસ્ત્રકારોએ ખાવા-પીવાની લોલુપતા છોડવા, વાસનાઓથી દૂર રહેવા પૌષધ વ્રતની આરાધના બતાવી છે. પૌષધ કરવાથી આધ્યાત્મિક જીવન તરફ આગળ વધાય છે. અને દેશ-વિરતિ ધર્મને પ્રાપ્ત કરી શકાય છે.
આજના વ્યાખ્યાનમાં પર્યુષણ પર્વનો પ્રાણ કલ્પસૂત્ર કે જેનું વ્યાખ્યાન ચોથા દિવસથી શરૂ થાય છે. પરંતુ કલ્પસૂત્રની ઉછામણી આજે સવારે મૂર્તિપૂજક જૈન સંઘોમાં બોલાવાઈ હતી અને જે વ્યકિત આદેશ લે તેના ઘેર કલ્પસૂત્રની પધરામણી કરવામાં આવે છે. પ્રતિક્રમણ બાદ જેમણે કલ્પસૂત્રનો આદેશ લીધો હોય તેમના ઘેર ભાવના (ભકિત સંગીત) ભણાવવામાં આવે છે.
ઘણા લોકો રોજ વ્યાખ્યાન સાંભળવા આવતા નથી તેથી જ્ઞાનીઓએ પર્યુષણના મહાપર્વના દિવસોમાં ક્રમશ: મહાપર્વના પાંચ કર્તવ્ય વાર્ષિષ, 11 કર્તવ્ય, પર્વનું પૌષધ કર્તવ્ય અને હવે દૈનિક છ કર્તવ્યો બતાવ્યા છે જેમાં દેવપૂજા, ગુરૂની ઉપાસના, સ્વાધ્યાય, સંયમ, તપ તથા દાનનો મહિમા છે. ઉપરોકત કર્તવ્યો દૈનિક છે. તેથી રોજ કરવા જોઈએ. આજે ચૌદશ હોવાથી સાંજે પખ્ખી પ્રતિક્રમણ કરવામાં આવશે.
આવતીકાલે પૂ. ગુરૂ ભગવંતો કલ્પસૂત્રના બે વ્યાખ્યાનમાં સાધુના દસ આચાર વર્ણવામાં આવે છે. બીજા વ્યાખ્યાનમાં ભગવાન મહાવીર સ્વામીની માતા ત્રિશલા રાણીએ જે 14 સ્વપ્નો જોયા તેમાં પ્રથમ ચાર સ્વપ્નાનું વર્ણન કરવામાં આવે છે. તેમ હિમાંશુભાઈ દેસાઈએ જણાવેલ છે.
યુનિ.રોડ જૈન સંઘમાં કલ્પસૂત્ર ઘેર પધરાવવાનો તથા સાધ્વીજી ભગવંતને વહોરાવવાનો લાભ ચંદ્રિકાબેન કિરીટભાઈ મહેતા હસ્તે કેતનભાઈ જીગ્નેશભાઈએ તપસ્વી શ્રીમતી કિંજલબેન જીગ્નેશભાઈ મહેતાના સિધ્ધિ તપના અનુમોદનાર્થે લીધો હતો. રાત્રે નવ વાગે તેમના નિવાસ સ્થાન ઓસ્કાર સીટી ટાવર-1, બ્લોક નં.121, બીજે માળે, સાધુ વાસવાણી રોડ, યુનિ. રોડ ખાતે ભાવના (ભકિત સંગીત) રાખવામાં આવેલ છે.
નેમિનાથ વીતરાગ જૈન સંઘ
નેમિનાથ વીતરાગ જૈન સંઘમાં સા.શ્રી જયોતિબાઈ મ., પૂ. જશુબાઈ મ. પૂ. ઉષાબાઈ મ. તથા પૂ. સ્મિતાબાઈ મ.ની નિશ્રામાં તપ આરાધના ચાલી રહી છે. જેમાં શ્રીમતી આરતીબેન ગિરીશભાઈ મહેતા 51 ઉપવાસની ઉગ્ર તપશ્ર્ચર્યા કરી રહ્યા છે. હીનાબેન શાહ તથા શાહ તથા રમેશભાઈ ગાંધી શ્રેણી તપની આરાધના કરી રહ્યા છે. શ્રીમતી સુધાબેન કામાણી તથા મીનાબેન દોશી માસક્ષમણની આરાધના શ્રીમતી ઉર્મિબેન ગાંધી તથા શ્રીમતી દક્ષાબેન ગોડા સિધ્ધિ તપ કરી રહ્યા છે. અશ્ર્વિનભાઈ મહેતા તથા મીનાબેન પારેખ સોળ ઉપવાસની તપારાધના કરી રહ્યા છે તેમ સંઘ પ્રમુખ ભરતભાઈ દોશીએ જણાવેલ છે.
વૈશાલીનગર ઉપાશ્રય
શ્રી જશ-પ્રેમ-ધીર સંકુલ, વૈશાલીનગર ખાતે પૂ.શ્રી ધીરગુરૂદેવના આજ્ઞાનુવર્તી પૂ.ગણીબાઈ મ.સ., પૂ. નીલમબાઈ મ.સ. આદિઠાણાની નિશ્રામાં પર્યુષણ પર્વ ધર્મોલ્લાસ પૂર્વક ઉજવાઈ રહેલ છે.
જૈન શાળાના બાળકોએ સંવાદ રજૂ કરેલ જ્ઞાનદાતાનું સન્માન કરાયેલ. તા.12-9ને ગુરૂવારે શ્રી ઈન્દ્રપ્રસ્થ નગર સંઘ, રામકૃષ્ણનગર સંઘ અને વૈશાલીનગર સંઘના સભ્યોનું સંઘજમણ શ્રીમતી ચંદ્રિકાબેન પ્રભુદાસ લાખાણી-અમેરીકા, શ્રીમતી રેણુ જગદીશ મહેતા-અમેરીકા અને શ્રીમતી રંજનબેન જે. પટેલ-દારેસ બામવાળા તરફથી રાખેલ છે.
શાસન પ્રગતિ ડીસ્કાઉન્ટ લવાજમ રૂા.1000માં વૈશાલીનગરમાં ભરી શકાશે. ધાર્મિક પુસ્તકો તેમજ આગમ વગેરે રૂા.20માં પર્યુષણ સુધી ઉપલબ્ધ થશે. રૂબરૂ આવનારને મળશે. વધુ વિગત માટે જયશ્રીબેન શાહનો સંપર્ક કરવો.
આ.શ્રી જયશેખરસૂરિજી મ.ની નિશ્રામાં કાલાવડ રોડ જૈન સંઘમાં પર્યુષણ પર્વની ધર્મોલ્લાસ સાથે ઉજવણી
જિનશાસન પ્રભાવક આ.ભ.પૂ.શ્રી જયશેખરસૂરિજી મહારાજા કાલાવડ રોડ જૈન સંઘના આંગણે ચાતુર્માસ અર્થે બિરાજમાન છે. પર્વાધિરાજ પર્યુષણ પર્વના દિવસોમાં જય પારસધામ જિનાલયમાં પૂજય ગુરૂ ભગવંતની નિશ્રામાં તપ, ધર્મ આરાધનાનો માહોલ અલૌકિક બન્યો છે. પૂ.આ.ભ.શ્રી જયશેખરસૂરિજી મહારાજના વ્યાખ્યાન સાંભળવા મોટી સંખ્યામાં ભાવિકો ઉમટી રહ્યા છે. પૂજય ગુરૂદેવે આજે પૌષધ વ્રતના મહિમાની વાત કરી હતી. ઉપરોકત તસ્વીરમાં પૂ.ગુરૂદેવ વ્યાખ્યાન ફરમાવતા, બીજી તસ્વીરમાં વિશાળ સંખ્યામાં આવેલા ભાવિકો, ત્રીજી તસ્વીરમાં શ્રાવિકાગણ, ચોથી અને પાંચમી તસ્વીરમાં શ્રી જિનેશ્ર્વર ભગવંતની પૂજા કરતા ભાવિકો નજરે પડે છે.
મણિયાર જૈન સંઘમાં ગણિવર્ય શ્રી તારકચંદ્રસાગરજીમ.ની.નિશ્રામાં પર્વ આરાધના
સત્કાર્ય કરવાનો સર્વોત્તમ સમય: પર્યુષણપર્વ
જગતમાં જન્મ લેતાં જીવ ત્રણ રીતે મહાન બનતાં હોય છે(1) પ્રથમ પ્રકારના જીવ જન્મથી જ મહાન હોય છે.તીર્થકર રામ વગેરે (2) બીજા પ્રકારના કર્મથી મહાન બને છે. મહામુનિભગવંતો ઋષિઓ (3) ત્રીજા પ્રકારના જીવોને મહાન બનાવવા પડે છે.આપણે બધાં સમસ્ત વિશ્ર્વ કંઈકને કંઈક પ્રયત્ન કરીને મહાન બનવા માગે છે. પણ પનો ટુંકો પડે છે ! કયાંક ક્ષમતા તો કયાંક ભાગ્ય, કયાંક હિંમત તો કયાંક સમજણનો અભાવ લક્ષ્ય આંબવા દેતાં નથી ! નિયતિ કહે છે, તારો ઉદય-ભાગ્યોદય જયારે થવાનો હશે ત્યારે થશે જ ! હા, તે અલગ રૂપમાં થશે! પણ થશે તો ખરા ! જયારે પુરૂષાર્થ ભાગ્ય કાળનો સમય પાકે છે. ત્યારે સામાન્ય વ્યકિત વિશિષ્ટ વ્યકિતના હોદે સહજ રીતે સ્થાન પ્રાપ્ત કરે છે! સામાન્ય વ્યકિત માંથી જ વિશિષ્ટ પ્રતિભા ઘડવા જૈનોના પર્યુષણપર્વ આવે છે ! આ પર્યુષણમાં સત્કાર્યો કરી-કરી આ ભવ પરભવનું ભાથું બંધાય ! એક જ પર્યુષણમાં વિધવિધ સુકૃત કરી કંઈ કર્યાની ધન્યતા અનુભવવાની છે.!પર્યુષણ પધારેને જૈનો ઘરને શણગારે…ઉત્સવની તૈયારીમાં લાગી જાય, તપસ્યાના મંડાણ કરે ! ત્રણ ટીમ જિનાલય-ઉપાશ્રયમાં ધર્મારાધના કરે ! અહિંસાના મંત્રને રોમે-રોમ વસાવી જીવદયા કરવા મગ્ન થઈ જાય ! દુ:ખી વ્યકિતને જોઈ નિ:શુલ્ક રીતે સામાજિક વ્યવહારિક, શારિરીક પરિસ્થિતિ સદ્ધર કરવા તત્પર બને ! સંપૂર્ણ દૈનિક કમ તપ-નિયમ-શુભધ્યાનથી વીતે ! સંધ્યા થાયને દૈનિક દોષોને દૂર કરવા સહજતા-સરલતાના ભાવથી પ્રતિક્રમણ કરે પ્રભુભકિત કરે, અબોલ પશુને ઘાસ ખવડાવે, અનાથની સહાય કરે, આવાં અનેક સુકૃતોને સબહુમાન આચરી, મળેલા ટૂંકા સમયનું યથા યોગ્ય પાલન કરે ! પર્યુષણ આવતાં સત્કાર્યોનો ચંદ્ર સોળે કળાએ ખીલી ઉઠે છે!!!