પાટણ : રાધનપુર તાલુકાના મહેમદાબાદ કોલપુર નજીક ખેડૂતોએ ફાટકના કારણે અવર જવરમાં મુશ્કેલી પડતી હોવાની રજુઆત સાથે આક્રોશ વ્યક્ત કર્યો હતો. 25 થી વધારે ખેડૂતો રેલના પાટા પર આડા પડીને ટ્રેન અટકાવી દીધી હતી. ખેડૂતોએ તેમને પડતી તકલીફ અંગે અગાઉ આવેદનપત્ર પણ આપ્યું હતું. જો કે સમાધાન નહી થતા આજે અચાનક ખેડૂતોએ એકત્ર થઇને રેલ રોકો આંદોલન ચાલુ કર્યું હતું. ટ્રેનોને અટકાવાતા પોલીસ ઘટના સ્થળ પર દોડી આવી હતી. જો કે પોલીસ અચાનક ઘસી આવતા દોડધામ મચી ગઇ હતી.
બનાસકાંઠા અને કચ્છને જોડતો રેલવે વ્યવહાર પાટણ જિલ્લાનાં રાધનપુર તાલુકાથી થાય છે. ત્યારે તાલુકાના કોલપુર મહેમદાબાદ ખેડૂતોને રેલવે વ્યવહાર અવરોધ ન થાય તે માટે ફાટક બનાવ્યા છે, તેની સામે વાંધો છે. અવારનવાર ફાટક બંધ કરી દેવામાં આવતા ખેડૂતોને ખેતર જવામાં ખુબ જ તકલીફ પડે છે અને લાંબો સમય સુધી રાહ જોવી પડે છે. જેના કારણે આજે ખેડૂતોનો રોષ લાવા બનીને ઉછળ્યો હતો. ખેડૂતો મોટા પ્રમાણમાં રેલવેના પાટા પર ઉતરી આવ્યા હતા.
