‘હરિ ઓમ તત્સત જય ગુરુદત્ત’ મહામંત્ર અવતરણને 50 વર્ષ પૂર્ણ

પુનિતાચાર્યજી મહારાજને ભગવાન દત્તાત્રેયના સાક્ષાત્કાર
અધ્યાત્મ, ધ્યાન અને સેવાના ત્રિવેણી સંગમ વર્ષની ઉજવણી નિમિત્તે અનેકવિધ કાર્યક્રમ યોજાશે

દેશ-વિદેશમાં લાખો ભાવિકોને આત્મ કલ્યાણનો માર્ગ બતાવનાર પૂજ્ય ગુરુદેવ સ્વામી પુનિતાચાર્યજી મહારાજને
ભગવાન દત્તાત્રેયના સાક્ષાત્કાર અને ’હરિ ઓમ તત્સત જય ગુરુદત્ત’ મહામંત્ર અવતરણને 50 વર્ષ પૂર્ણ થયા છે. ત્યારે જુનાગઢ સ્થિત ગિરનાર સાધના આશ્રમમાં 15 નવેમ્બરથી સુવર્ણ જયંતી વર્ષ ઉજવણીનો પ્રારંભ થયો છે. આ સમગ્ર વર્ષ દરમિયાન ગિરનાર સાધના આશ્રમમાં અધ્યાત્મ ધ્યાન અને સેવાના ત્રિવેણી સ્વરૂપ કાર્યક્રમો સમાજને સમર્પિત કરવામાં આવશે.
“હરિ ૐ તત્સત જયગુરૂદત્ત” મહા-મહામંત્રના 50 વર્ષ પૂર્ણ થવાના પાવન અવસર પર સમગ્ર વર્ષ દરમિયાન અનેકવિધ કાર્યક્રમનું આયોજન કરવામાં આવનાર છે. આ 50 વર્ષો દરમિયાન આશ્રમે અધ્યાત્મ, સેવા અને સકારાત્મક પરિવર્તન દ્વારા અગણિત સાધકોના જીવનમાં શાંતિ અને આત્મ-અનુભૂતિનું પ્રગટીકરણ કર્યું છે.
ગુરુદેવ પુનિતાચાર્યજી મહારાજની સાધના પરંપરા વિશેષ રહી છે. આ પરંપરામાં “હરિ ૐ તત્સત જયગુરૂદત્ત” મહા-મહામંત્રનું જાપ મનને સ્વયંશાંત બનાવે છે. મંત્રના સ્પંદનથી આંતરિક ઊર્જા પ્રકાશિત થતાં, ધ્યાન સ્વાભાવિક રીતે ઊતરવા લાગે છે. આ અવસ્થાને જ “સહજ ધ્યાન” કહેવાય છે, જેમાં કોઈ કઠોર પ્રયાસ વગર આંતર શાંતિનો સ્પર્શ થાય છે.
ગિરનાર સાધના આશ્રમ ખાતે આ વર્ષ દરમિયાન માત્ર સ્મરણ નહીં, પરંતુ મંત્ર,ધ્યાન અને સેવાના ત્રિવેણી માર્ગે સમગ્ર વિશ્વમાં શાંતિ સ્થાપિત કરવાનો સંકલ્પ છે. આજના યુગમાં માનવીને અંતર શાંતિ, માનસિક સ્વસ્થતા અને આધ્યાત્મિક સંતુલનની સૌથી વધુ જરૂર છે, જે ગુરુદેવ પુનિતાચાર્યજી મહારાજે પ્રદાન કરેલા મંત્ર અને ધ્યાનમાં સહજ રીતે ઉપલબ્ધ છે ત્યારે વિશ્વના તમામ દત્તભક્તો, ધ્યાનસાધકો અને હિતેચ્છુઓને જૂનાગઢ ખાતે ગિરનાર સાધના આશ્રમમાં યોજાનારા સુવર્ણ જયંતી કાર્યક્રમોમાં જોડાવવા માટે સાધના આશ્રમ દ્વારા જાહેર નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

રિલેટેડ ન્યૂઝ