સુચારુ માઈક્રો મેનેજમેન્ટ અને સુરક્ષા વ્યવસ્થાને કારણે મેળો યાદગાર બન્યો
સૌરાષ્ટ્રની લોકસંસ્કૃતિ અને આસ્થાના પ્રતીક સમાન પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મંદિર ટ્રસ્ટ આયોજિત “કાર્તિકી પૂર્ણિમા મેળો 2025” ભવ્યતા અને દિવ્યતા સાથે સંપન્ન થયો છે. અગાઉ ભારે વરસાદના વિઘ્ન બાદ તારીખ 27/11/2025 થી 01/12/2025 દરમિયાન યોજાયેલા આ મેળામાં સમગ્ર ગુજરાત અને દેશભરમાંથી આશરે 11 લાખ જેટલા શ્રદ્ધાળુઓ અને સહેલાણીઓ ઉમટી પડ્યા હતા આટલી વિશાળ મેદની વચ્ચે પણ એકપણ અનિચ્છનીય બનાવ ન બન્યો હોય જે સફળ આયોજનની સાક્ષી પૂરે છે.
મેળાના પાંચેય દિવસ દરમિયાન યોજાયેલા સાંસ્કૃતિક કાર્યક્રમો સેહલાણીઓ માટે મોટું આકર્ષણનું કેન્દ્ર રહ્યા હતા. મેળાના અંતિમ દિવસે જમ્મુ કાશ્મીરના મહામહિમ ઉપરાજ્યપાલ મનોજ સિન્હા સોમનાથ ટ્રસ્ટના મેહમાન બન્યા હતા અને ટ્રસ્ટના આમંત્રણને સહૃદય સ્વીકારી મેળામાં પધારીને દીપ પ્રગટ્ય કરી મેળાના અંતિમ ચરણનો પ્રારંભ કરાવેલ હતો. મેળાના અંતિમ દિને પ્રખ્યાત લોકસાહિત્યકાર માયાભાઈ આહીર અને લોકગાયક શ્રી કિર્તીદાન ગઢવીએ ભજન, ભક્તિ અને લોકસાહિત્યની રમઝટ બોલાવી હતી. કલાકારોએ ભારતીય સનાતન સંસ્કૃતિના સંસ્કારો અને જીવનમૂલ્યોને વણી લેતા ઉદ્બોધનો અને સંગીતમય ભજનો દ્વારા શ્ર્રોતાઓને મધ્યરાત્રિ સુધી ડોલાવ્યા હતા.
આ ઉપરાંત, અગાઉના દિવસોમાં અપેક્ષાબેન પંડ્યા, હેમંત જોશી, હિતેશ અંટાળા, રાજલ બારોટ, સાંત્વની ત્રિવેદી અને શ્રી બહાદુર ગઢવી જેવા ટોચના કલાકારોએ પોતાની કલાથી મેળાની શોભામાં અભિવૃધ્ધિ કરી હતી.
લાખોની મેદની છતાં મેળામાં એકદમ શાંતિપૂર્ણ માહોલ જળવાઈ રહ્યો, જેનું શ્રેય સોમનાથ ટ્રસ્ટના ચોકસાઈભર્યા ’માઈક્રો મેનેજમેન્ટ’ને જાય છે. જૂનાગઢ રેન્જ આઈ.જી. શ્રી નિલેશ જાજડીયાના હસ્તે ખુલ્લા મુકાયેલા આ મેળામાં યાત્રિકોની સુરક્ષા માટે ટ્રસ્ટ દ્વારા ખાસ વ્યવસ્થા કરવામાં આવી હતી. સમગ્ર મેળાને વિવિધ ઝોનમાં વહેંચીને ભીડ નિયંત્રણ કરવામાં આવ્યું હતું. પોલીસ, ફાયર અને આરોગ્ય વિભાગના સંકલન સાથેનો સેન્ટ્રલ કંટ્રોલ રૂમ બનાવાયો હતો. ફાયર ટેન્ડર અને સેન્ટ્રલ એનાઉન્સમેન્ટ સિસ્ટમ યાત્રીઓ માટે મદદરૂપ સાબિત થયેલ હતા.
મેળામાં બાળકો માટે 50થી વધુ રાઈડ્સ, 200થી વધુ ખાણીપીણીના સ્ટોલ્સ અને ખાસ કરીને જેલના કેદીઓ દ્વારા બનાવેલા ભજીયાનો સ્વાદ લોકોમાં પ્રિય રહ્યો હતો. આ સાથે “સોમનાથ 70” ચિત્ર પ્રદર્શની, ઇન્ડેક્સ-સી હસ્તકલાના સ્ટોલ્સ, ગુજરાત સરકારનો સરસ મેળો ગ્રામ્ય વેપારીઓ માટે વેપારનું નવું સોપાન બન્યો હતો, આ સાથે નવા આકર્ષક સેલ્ફી પોઈન્ટ્સે યુવાનો અને કલાપ્રેમીઓને આકષ્ર્યા હતા.
શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા જિલ્લા વહીવટી તંત્ર, જિલ્લા પોલીસ અને નગર સેવા સદનના સહકાર સાથે દૃઢ ઈચ્છાશક્તિને કારણે આ મેળો માત્ર મનોરંજન નહીં, પરંતુ વ્યવસ્થા અને શિસ્તનું ઉત્તમ ઉદાહરણ બની રહ્યો હતો.
