આચાર્ય રાજ્યના શ્રેષ્ઠ પ્રિન્સિપાલ એવોર્ડથી સન્માનિત
રાજ્યના ખાનગી શૈક્ષણિક ક્ષેત્રમાં સેવા આપતા અઢાર હજાર કરતા વધારે ગુજરાતી તથા અંગ્રેજી માધ્યમની શાળાઓમાંથી પસંદ કરાયેલા 143 શ્રેષ્ઠ આચાર્યોનું ગૌરવસભર સન્માન ગાર્ડી વિદ્યાપીઠ, રાજકોટ ખાતે યોજાયેલ હતો. ઓલ ઇન્ડિયા પ્રાઈવેટ સ્કૂલ એસોસિયેશન, ન્યુ દિલ્હી તથા સેલ્ફ ફાઈનાન્સ સ્કૂલ મેનેજમેન્ટ એસોસિયેશન, ગુજરાતના સંયુક્ત ઉપક્રમે આયોજિત આ રાજ્યસ્તરીય કાર્યક્રમમાં વર્ષભર શૈક્ષણિક, પ્રબંધકીય તથા મૂલ્યવર્ધિત પ્રવૃત્તિઓમાં ઉત્કૃષ્ટ કામગીરી કરનાર આચાર્યોને વિશેષ એવોર્ડથી નવાજવામાં આવ્યા હતા. આ દરમિયાન ગઢડા તાલુકાના ટાટમ સ્થિત જયશ્રી સ્વામિનારાયણ ઘીયા ગુરુકુળ સ્કૂલના આચાર્ય દેવેન્દ્રભાઈ રામાણીને “સ્ટેટ બેસ્ટ પ્રિન્સિપાલ એવોર્ડ” થી સન્માનિત કરવામાં આવ્યા હતા. શાળાનું માનવ મૂલ્ય આધારિત શિક્ષણ, શૈક્ષણિક ગુણવત્તા, વિદ્યાર્થી વિકાસ માટેના નવા પ્રયોગો તથા શૈક્ષણિક સંચાલનમાં તેમની આગવી દૃષ્ટિ અને અનોખી કામગીરી માટે વિશિષ્ટ એવોર્ડ મળતા રાજ્યસ્તરે પ્રાપ્ત થયેલ પ્રતિષ્ઠિત એવોર્ડના કારણે શાળાની પ્રતિષ્ઠામાં વધુ ઉમેરો થતા ગુરુકુળે શૈક્ષણિક ક્ષેત્રે નવો આયામ રચ્યો છે.
