Jai Hind

સૌરાષ્ટ્ર-કચ્છમાં કમોસમી વરસાદ બાદ ફરી ઠંડા પવનની લહેર ફૂંકાઈ

લોકો ઠંડીમાં ઠુઠવાયા : રાજકોટમાં 14 ડિગ્રી તાપમાનમાં બફારો યથાવત

રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં માવઠા બાદ ફરી ઉત્તર પૂર્વના બર્ફીલા પવનો ફુંકાવાનું શરુ થયું છે. સાથોસાથ સવારનું તાપમાન પણ ગગડ્યું છે આથી આજે સવારથી ફરી ઠેરઠેર તીવ્ર ઠંડી અનુભવાઇ હતી. આજે સૌથી વધુ ઠંડી ફરી એકવાર 10.8 ડીગ્રી સાથે નલીયામાં નોંધાઇ હતી.
જ્યારે ચાર જગ્યાએ 13 ડીગ્રી આસપાસ તાપમાન નોંધાયું હતું. આજે સવારે અમરેલીમાં 13.2, ભુજમાં 13, ડિસામાં 13.3 તથા ગાંધીનગર ખાતે 13.5 ડીગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું હતું તથા રાજકોટ શહેરમાં પણ બર્ફીલા પવનો વચ્ચે 14 ડીગ્રી લઘુતમ તાપમાન નોંધાવા પામ્યું હતું.
ઉપરાંત આજે સવારે અમદાવાદમાં 15.3, વડોદરામાં 16.8, ભાવનગરમાં 17, દમણમાં 18.6, દિવમાં 18, દ્વારકામાં 17.7, કંડલામાં 15.5, ઓખામાં 19.3, પોરબંદરમાં 15.8 તેમજ વેરાવળ ખાતે 18.1 ડીગ્રી લઘુતમ તાપમાન નોંધાયું હતું.
વધુમાં સૌરાષ્ટ્રમાંથી મળતા અહેવાલો મુજબ જામનગર શહેર અને જિલ્લામાં કમોસમી માવઠા પછી વાદળો વિખેરતા ઠંડીનું મોજુ ફરી વળ્યું છે. મહત્તમ તાપમાનનો પારો દોઢ ડિગ્રી નીચે સરકીને 26.5 ડીગ્રી નોંધાયું હતું. વાતાવરણમાં ભેજનું પ્રમાણ 69 ટકા રહ્યું હતું. જ્યારે પવનની ગતિમાં 1.4 કિમીના વધારા સાથે પ્રતિ કલાક 5.8 કિમી નોંધાઇ છે. શહેરમાં ઠંડીનું જોર હોય જેથી લોકોએ ફરી ગરમ વસ્ત્રો અને તાપણાનો સહારો લીધો હતો.
જ્યારે આજે સવારે જૂનાગઢ કૃષિ યુનિ.માં નોંધાયેલા તાપમાન મુજબ મેકસીમમ પારો 15.4 ડીગ્રીએ ઉંચે પહોંચ્યો હતો. જ્યારે મીનીમમ 14.1 ડીગ્રીએ નોંધાયો હતો. ગિરનાર પર્વત ઉપર 7.1 ડીગ્રી સાથે પવનની ગતિ પ્રતિકલાક 4.4 કીમીની રહેતા ઠંડો હીલ જેવો પવનથી પ્રવાસીઓ ઠુંઠવાયા હતા.
રોડ રસ્તા પણ ભારે ઠંડા પવનના કારણે સમી સાંજમાં ખુલ્લા વાહનોની સંખ્યા ઘટી જવા પામી હતી. વાતાવરણમાં ભેજ 82 પર નોંધાયો છે. જાન્યુઆરી નવા વર્ષની શરુઆત છતાં ઠંડી આ વર્ષે હજુ પડી નથી. ખેડૂતો ચિંતામાં મુકાય જવા પામ્યા છે.