રાજયના દરિયાકાંઠાની સુરક્ષાને વધુ સુદ્રઢ અને મજબૂત બનાવવાના ભાગરૂપે શુક્રવારે ઓખા મરીન સેકટરના તમામ મરીન કમાન્ડો દ્વારા સઘન કોસ્ટલ પેટ્રોલીંગ હાથ ધરવામાં આવ્યું હતું. આ પેટ્રોલીંગ દરમિયાન બેટ દ્વારકા અને આસપાસના સંવેદનશીલ કોસ્ટલ વિસ્તારોમાં મરીન કમાન્ડોઝની અલગ અલગ ટીમો બનાવી ફુટ પેટ્રોલીંગ હાથ ધરવામાં આવ્યું હતું.આ ઓપરેશન દરમ્યાન દરિયાકાંઠાના તમામ લેન્ડિંગ અને ફિશીંગ પોઈન્ટ્સ પર બાજ નજર રાખી, ઝીણવટભર્યુ ચેકીંગ કરવામાં કરાયું હતું. આ ઉપરાંત શંકાસ્પદ ઈસમો, વાહનો અને બોટોનું સઘન ચેકીંગ કરી, જરૂરી પુછપરછ પણ કરવામાં આવી હતી. આ સાથે અનિચ્છનિય પ્રવૃત્તિ અટકાવવાના ભાગરૂપે ટાપુ પર આવેલ નિર્જન અને અવાવરૂ જગ્યાઓનું પણ નિરીક્ષણ કરાયું હતું.આ ઓપરેશનનો હેતુ દરિયાઈ માર્ગે થતી કોઈપણ ગેરકાયદેસર પ્રવૃત્તિ અટકાવવાનો અને સ્થાનીય દરિયાકાંઠાની સુરક્ષા વ્યવસ્થા સુદ્રઢ બનાવવાનો હતો.