વીજીઆરસીથી સૌરાષ્ટ્ર-કચ્છમાં મોટાપાયે રોકાણ થશે : હર્ષભાઈ સંઘવી
ઉદ્યોગકારોના પ્રશ્ર્નોનો ત્વરીત નિકાલ લાવવાનો સરકારનો અભિગમ: જીતુભાઈ વાઘાણી
આગામી તા. 11-12 જાન્યુઆરીના રોજ રાજકોટ ખાતે વાયબ્રન્ટ ગુજરાત સમિટ યોજાનાર છે જેનું વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના હસ્તે 11મી જાન્યુઆરીએ રાજકોટમાં મારવાડી યુનિવર્સિટી ખાતે વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સનું ઉદઘાટન કરવામાં આવશે. એમ રાજ્યના ઉપપ્રમુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ રાજકોટ ખાતે પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું.
નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીએ રાજકોટ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે, રાજ્યના નાના-મોટા ઉદ્યોગકારોની મુશ્કેલીઓ, પ્રશ્નો અને રજૂઆતોનો તત્કાલ હલ કરીને તેઓ વધુ રોકાણ કરીને ઉદ્યોગ-ધંધાનો વિકાસ કરી શકે તે માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન મુજબ આજે રાજકોટમાં સૌરાષ્ટ્ર-કચ્છના ઉદ્યોગકારો સાથે સંકલન બેઠક યોજવામાં આવી હતી. આ સાથે તમામ વિભાગો સાથે ગ્રુપ બેઠક પણ યોજવામાં આવી હતી.
રાજકોટ મેન્યુફેક્ચરિંગ સહિત તમામ સેક્ટરમાં ખૂબ જ ઝડપથી પ્રગતિ કરી રહ્યું છે. પરંતુ હજુ પણ વધુ ઝડપથી વિકાસ થઈ શકે અને વેપારીઓ, ઉદ્યોગકારો, ઉત્પાદકો વધુ સરળતાથી કામ કરી શકે તે માટે આજે તેઓની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.
તેમણે કહ્યું હતું કે, ગુજરાત સરકારની વિવિધ ઔદ્યોગિક નીતિઓ અંતર્ગત રાજ્યના 10, 435 ઉદ્યોગકારોને રૂ. 956.51 કરોડની પ્રોત્સાહક સહાયનું આજે રાજકોટથી વિતરણ કરવામાં આવ્યું છે. ટેક્સટાઇલ ઇન્સેન્ટિવ ટુ ઇન્ડસ્ટ્રીઝ, પર્યાવરણ ઔદ્યોગિક માળખાકીય સુવિધાની યોજના, લઘુ ઉદ્યોગો અંગેની યોજના વગેરે જેવી યોજનાઓ હેઠળ સૌરાષ્ટ્ર કચ્છના 137 ઉદ્યોગકારોને કુલ રૂપિયા 661 કરોડથી વધુ રકમના મંજૂરીપત્રોનું વિતરણ અહીંથી કરવામાં આવનાર છે. દેશમાં ગુજરાત એ સૌથી ઝડપથી ઇન્સેન્ટિવ આપતું રાજ્ય છે. આ કામગીરી વધુ ઝડપથી થઈ શકે તે માટે ઉદ્યોગ વિભાગ દ્વારા દિવસ-રાત કામગીરી કરવામાં આવતી હોવાનું પણ તેમણે ઉમેર્યું હતું.
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ગુજરાત દેશમાં સૌથી વધુ રોકાણ લાવવામાં સફળ રહ્યું છે. આગામી દિવસોમાં પણ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં ગુજરાત સરકાર સૌ નાગરિકોના સહયોગથી રાજ્યમાં વધુમાં વધુ રોકાણ લાવીને વિકાસના માર્ગે અગ્રેસર રહેશે તેવી આશા તેમણે વ્યક્ત કરી હતી.
જ્યારે પ્રભારી મંત્રી જીતુભાઈ વાઘાણીએ કહ્યું હતું કે, ઉદ્યોગકારો અને વેપારીઓ વિવિધ ઉત્પાદનો અને વેપાર-ધંધા થકી રાજ્યની અર્થવ્યવસ્થામાં મહત્વનું યોગદાન આપી રહ્યા છે ત્યારે, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તથા નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીના નેતૃત્વમાં ઉદ્યોગકારોના પ્રશ્ર્નોના સ્થળ પર જ નિકાલ લાવી શકાય તેમજ નીતિ વિષયક પ્રશ્ર્નનો તાત્કાલિક રાજ્યસ્તરેથી નિકાલ લાવી શકાય તે માટે આજે અહીં ઉદ્યોગકારો સાથે બેઠક યોજવામાં આવી હતી, તેને હું આવકારું છું.
આ પ્રેસ કોન્ફરન્સમાં મહેસુલ વિભાગના અધિક મુખ્ય સચિવ સુશ્રી જયંતિ રવિ, ઉદ્યોગ અને ખાણ વિભાગના અધિક મુખ્ય સચિવ મમતા વર્મા, ધારાસભ્યય ઉદયભાઇ કાનગડ, ડો. દર્શિતાબેન શાહ, દુર્લભજીભાઈ દેથરીયા સહિતના અગ્રણીઓ તેમજ જિલ્લા કલેક્ટર ડો. ઓમ પ્રકાશ સહિતના વરિષ્ઠ અધિકારીગણ ઉપસ્થિત રહ્યા હતા.
