કોર્સમાં વૈકલ્પિક વિષય તરીકે ભણાવાશે
રાષ્ટ્રીય શિક્ષણ નીતિ અને દિવ્યાંગજન અધિકાર અધિનિયમના અમલીકરણના ભાગરૂપે ગુજરાત સરકારે શૈક્ષણિક વર્ષ 2026-27 થી ધોરણ 9 અને 10ના અભ્યાસક્રમમાં ‘ઇન્ડિયન સાઇન લેંગ્વેજ’ ને વૈકલ્પિક વિષય તરીકે સમાવવાની જાહેરાત કરી છે. હવે વિદ્યાર્થીઓ સંસ્કૃત, ઉર્દૂ, ફારસી કે અરબી જેવી ભાષાઓના વિકલ્પમાં સાઇન લેંગ્વેજ પસંદ કરી શકશે.
શિક્ષણવિદ પરેશ શાહે આ અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે, સાઇન લેંગ્વેજ વિશેની પ્રચલિત માન્યતા ખોટી છે. તે માત્ર હાથના ઈશારા નથી, પરંતુ ગુજરાતી કે અંગ્રેજીની જેમ જ પોતાનું ચોક્કસ વ્યાકરણ અને વિપુલ શબ્દભંડોળ ધરાવતી એક સંપૂર્ણ કુદરતી ભાષા છે. જેમાં અવાજને બદલે હાથના આકારો, ચહેરાના હાવભાવ અને શરીરની મુદ્રાઓના સંયોજનથી સંવાદ સાધવામાં આવે છે. આ વિષય શીખવાથી વિદ્યાર્થીઓના માનસિક અને વ્યાવસાયિક વિકાસમાં મોટો ફાયદો થશે: સાઇન લેંગ્વેજ શીખવાથી મગજના બંને ભાગો સક્રિય થાય છે, જેનાથી વિદ્યાર્થીઓની એકાગ્રતા અને વિઝ્યુઅલ મેમરી (દ્રશ્ય યાદશક્તિ) માં વધારો થાય છે. વિદ્યાર્થીઓ સમાજના બધિર વર્ગ સાથે સીધો સંવાદ કરી શકશે, જેનાથી તેમનામાં સામાજિક સંવેદના અને સમાવેશી ભાવના કેળવાશે. આ ભાષા શીખવાથી વિદ્યાર્થીઓનો બોડી લેંગ્વેજ અને ફેસિયલ એક્સપ્રેશન પર કાબૂ વધે છે, જે તેમને સારા સંવાદદાતા બનાવે છે. માત્ર શિક્ષણ પૂરતું જ નહીં, સાઇન લેંગ્વેજના નિષ્ણાતો માટે ભવિષ્યમાં રોજગારીની વિશાળ તકો રહેલી છે: કોર્ટ, હોસ્પિટલ, કોર્પોરેટ ઓફિસ અને ન્યૂઝ ચેનલોમાં સાઇન લેંગ્વેજ ઇન્ટરપ્રિટરની ભારે માંગ છે.