ચાલો ગાંધીનગરના આહવાન સાથે યોજાનાર પ્રદર્શનમાં અમરેલી જિલ્લાના ખેડુતો જોડાશે: પાકના યોગ્ય ભાવ, સિંચાઈ, ખાતર મુદ્દે અવાજ ઉઠાવાશે
ખેડૂતોના હિતોને નુકસાન કરતી નીતિઓ અને અપૂર્ણ માંગણીઓ સામે સરકારનું ધ્યાન દોરવા માટે ભારતીય કિસાન સંઘ – અમરેલી જિલ્લા દ્વારા ગુજરાત પ્રદેશ સ્તરે વિશાળ અને શક્તિશાળી પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે. ચાલો ગાંધીનગર ના નારા સાથે યોજાનાર આ ખેડૂત શક્તિ પ્રદર્શન આગામી 12 જાન્યુઆરી 2026, સોમવારના રોજ વિધાનસભા સામે, સેક્ટર-17, ગાંધીનગર ખાતે સવારે 8:00 વાગ્યાથી યોજાશે.
ખેડૂત સંઘ દ્વારા જાહેર કરાયેલ વિગતો મુજબ, છેલ્લા ઘણા સમયથી ખેડૂતોને પાકના યોગ્ય ભાવ, ખાતર-બીજની ઉપલબ્ધતા, સિંચાઈની સમસ્યા, વધતા ખર્ચ અને બજારની અનિયમિતતાઓ જેવા અનેક પ્રશ્નોનો સામનો કરવો પડી રહ્યો છે. સરકાર તરફથી વારંવાર આશ્વાસનો મળવા છતાં જમીન પર વાસ્તવિક અમલ ન થવાથી ખેડૂતોમાં ભારે અસંતોષ ફેલાયો છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખી, ખેડૂત સંઘે એકજૂટ થઈને ગાંધીનગર પહોંચીને લોકશાહી રીતે અવાજ ઉઠાવવાનો નિર્ણય લીધો છે.
આ પ્રદર્શનનું મુખ્ય ઉદ્દેશ્ય ખેડૂતોની વાજબી માંગણીઓ સરકાર સુધી સીધી રીતે પહોંચાડવાનો છે. તેમાં મુખ્યત્વે પાકના ન્યાયસંગત ભાવ, નુકસાનગ્રસ્ત પાક માટે પૂરતું વળતર, પાણી અને વીજ પુરવઠાની સમસ્યાઓનું કાયમી નિરાકરણ, તેમજ કૃષિ ક્ષેત્રે લાગુ કરવામાં આવતી નીતિઓમાં ખેડૂતોને અનુકૂળ સુધારાઓ કરવાની માંગ સામેલ છે.
ભારતીય કિસાન સંઘના આગેવાનોના જણાવ્યા મુજબ, આ પ્રદર્શન સંપૂર્ણ શાંતિપૂર્ણ અને સંયમિત રહેશે. અમરેલી જિલ્લાસહીત રાજ્યભરના દરેક તાલુકા અને ગામડાંમાંથી મોટી સંખ્યામાં ખેડૂત ભાઈઓ-બહેનો ગાંધીનગર પહોંચશે તેવી અપેક્ષા વ્યક્ત કરવામાં આવી છે. ખેડૂત સંઘે તમામ ખેડૂતોને પરિવાર સાથે આ આંદોલનમાં જોડાવાની અપીલ કરી છે, જેથી ખેડૂતોની એકતા અને શક્તિ સરકાર સમક્ષ સ્પષ્ટ રીતે પ્રગટ થાય.
આ સંમેલન 12 તારીખ ના રોજ ગાંધીનગર ખાતે વિધાનસભા સામે સમગ્ર અમરેલી જિલ્લા રાજુલા જાફરાબાદ 11 એ તાલુકાના લોકોને ઉપસ્થિત રહેવા જિલ્લા કિસાન સંક પ્રમુખશ્રી સામતભાઈ જેબલીયા તથા કિસ કિસાન સંઘ પ્રદેશ ઉપપ્રમુખ ધીરુભાઈ ધાખડા તથા મંત્રીશ્રી કિસાન સંઘ વિનુભાઈ દુધાત કિસાનોને ઉપસ્થિત રહેવા આમંત્રણ નિમંત્રણ પાઠવ્યું છે.