Jai Hind

ગઢડા (સ્વામીના) શહેરમાં ગટર શુદ્ધિકરણના કામમાં ભ્રષ્ટાચારની ગંદકી : કોંગ્રેસનો સનસનીખેજ આરોપ

રૂપિયા 20 કરોડનો પ્રોજેક્ટ મંજૂર છતાંય ગંદકી યથાવત : હલકી ગુણવત્તાની કામગીરી થઈ : સ્ટોપ પેમેન્ટ કરી ભ્રષ્ટાચારના તપાસની માંગ

ગઢડા(સ્વામીના) શહેરની મધ્યમાંથી ઘેલો નદિ પસાર થાય છે. આ પવિત્ર ઘેલા નદીમાં ગઢડા શહેરનું ગટરનું ગંદુ પાણી ભળતા અનેકવાર લેખીત તથા મૌખીક રજૂઆતો કરવામાં આવેલ. ત્યારે રાજ્યસરકાર તરફથી ગટર શુદ્ધિકરણ માટે આશરે રૂપિયા વીસ કરોડના ખર્ચે મંજુર કરેલી કામગીરીમાં જે તે એજન્સી દ્વારા ગોલમાલ આચરી મોટી રકમનો ભ્રષ્ટાચાર આચર્યો હોવાનો આક્ષેપ કરી ઉચ્ચકક્ષાએથી તપાસ કાર્યવાહી માટે નગરપાલિકા વિપક્ષના નેતા મીત ડાંગર તરફથી રજૂઆત કરવામાં આવી છે.
આ અંગે લેખિતમાં કરેલી રજૂઆત મુજબ વધારે જાણવા મળતી હકીકત મુજબ ગુજરાત સરકારે ગટરની ગંદકીનો મુદો ધ્યાનમાં લઈને સરકાર દ્વારા ગટર શુધ્ધિકરણ માટે અન્ડરગ્રાઉન્ડ ગટરની યોજના મંજુર કરવામાં આવેલ છે. આ માટે ગુજરાત સરકાર દ્વારા ગુજરાત શહેરી વિકાસ કંપની લીમીટેડ (જી.યુ.ડી.સી.એલ.) મારફતે આ ગટર યોજનાના પ્લાન એસ્ટીમેન્ટ બનાવી ટેન્ડર પ્રક્રિયા હાથ ધરવામાં આવેલ. તેમજ કામ માટેનું ટેન્ડર જયંતિ સુપર ક્ધસ્ટ્રક્શન કંપનીનું મંજુર થતા કામગિરી હાથ ધરવામાં આવેલ છે. આ કામ અંદાજીત રૂપિયા વીશ કરોડના ખર્ચનું મંજુર થયેલ છે. પરંતુ કામગીરી દરમિયાન નાખવામાં આવેલ અન્ડરગ્રાઉન્ડ ગટર લાઇન માટે તદ્દન હલકી કક્ષાનુ મટીરીયલ વાપરવામાં આવેલ હોવાનું અને ગટરનું પાણી ઉપરથી નીચે આવી શકે તેવુ લાઇન લેવલ પણ લીધેલ નહીં હોવાના કારણે ગટરનુ પાણી એસ.ટી.પી. પંપ સુધી જવાને બદલે વચ્ચે જ નીકળી જાય તેવુ કામ થયું હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. તેમજ જ્યાંથી ગટર પસાર થાય છે ત્યાંથી ગટર નાખવાના બદલે જ્યા ઓછા ખર્ચે કામ થઇ શકે ત્યા સુધી જ ગટરનું કામ કરવામાં આવ્યું હોવાનું અને ખોડીયાર મંદિરના ધરાથી અક્ષરઘાટ સુધી જે ગટર હતી તે યથાવત રહેતા ગંદુ પાણી અક્ષરઘાટમાં વહીને આવતું હોવાનું જણાવાયું છે. વધુમાં આ કામ માટે મંજુર થયા મુજબ નવી લાઇન નાખવાનું ટેન્ડર થયેલ હોવા છતાં નવી લાઇન નાખવાની વાત તો દૂર પરંતુ રીપેરીંગ પણ કરવામાં નહીં આવેલ હોવાનું અને અધૂરામાં પૂરું ક્ધસ્ટ્રક્શન કંપની દ્વારા અન્ડરગ્રાઉન્ડ ગટરના કામમા થયેલી કામગીરી કરતા વધારે બીલ ઉપાડી લીધેલ હોવાનો અને મોટી રકમનો ભ્રષ્ટાચાર કરાયો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. તેમજ આગામી સમયમાં ગટરનું કામ શરતો અને નિયમાનુસાર પુર્ણ નહીં કરવા છતાંય ફાઇનલ બીલ બનાવી મોટા નાણા ઉપાડી લેવાની ફીરાકમા હોવાની શંકા દર્શાવી છે. ત્યારે પ્રજાના પરસેવાના નાણામાંથી સરકાર દ્વારા પ્રજા કલ્યાણના હાથ ધરતા કામોમા કોન્ટ્રાક્ટરને અને અધિકારીઓની મીલીભગતથી ચાલતા ભ્રષ્ટાચારની ગંભીર નોંધ લેવા અને કામની પુરી તપાસ કરવા વિજીલન્સ દ્વારા અથવા તો કવોલીટી ક્ધટ્રોલ દ્વારા અરજદારને સાથે રાખી તપાસ કાર્યવાહી કરવામા આવે તેમજ એજન્સીનું બાકી બિલ હોય તે સ્ટોપ પેમેન્ટ કરાવી ઉચ્ચ કક્ષાની તપાસ કરી પછી જ નાણા છુટા કરવા વિરોધપક્ષના નેતા મીત ડાંગર દ્વારા મુખ્યમંત્રી સહિત ઉચ્ચકક્ષાએ લેખિતમાં માંગણી કરવામાં આવી છે. આમ નહી કરવામાં આવે તો ગઢડા શહેરની પ્રજાને તથા સ્વામિનારાયણ મંદિરના હરિભક્તોને સાથે રાખી ગાંધી ચિંધ્યા રાહે આંદોલન કરવાની અને જરૂર પડે ગઢડા શહેર બંધનું એલાન આપવા ચીમકી આપી છે.