મંગળ અને બુધવારે દરિયાઇ સુરક્ષા એજન્સીઓની સતર્કતા તપાસવા માટે થયુ આયોજન: માચ્છીમારોને પણ નિયમોનું પાલન કરવા માટે આપવામાં આવી સૂચના
પોરબંદર સહિત ગુજરાતના દરિયા કિનારે બે દિવસના ઓપરેશન સાગર સુરક્ષા કવચનો મંગળવારે સવારે છ વાગ્યાથી પ્રારંભ થયો છે અને બે દિવસ દરમ્યાન દરિયાઇ સુરક્ષા એજન્સીઓની સતર્કતા તપાસવાની સાથોસાથ મોકડ્રીલના પણ આયોજન થતા હોય છે તે અંતર્ગત તપાસ શરૂ થઇ છે.
અરબી સમુદ્રમાં ગુજરાતની દરિયાઇ સુરક્ષા સઘન કરવા માટે વર્ષમાં બે વખત ઓપરેશન સાગર સુરક્ષા કવચનું આયોજન થાય છે તે અંતર્ગત નવા વર્ષના પ્રારંભે દરિયાઇ સુરક્ષા એજન્સીઓના સંકલનથી અને પોલીસના સહકારથી ઓપરેશન સાગર સુરક્ષા કવચની કોસ્ટલ સીકયુરીટી એકસરસાઇઝ શરૂ થાય છે. જેમાં માચ્છીમારી બોટ તપાસવાથી માંડીને દરિયાની અંદર થતી દરેક હિલચાલ ઉપર બાજ નજર રાખીને તપાસ કરવામાં આવી રહી છે.ગુજરાતનો 1600 કિ.મી.નો દરિયાકિનારો પાકિસ્તાનથી તદન નજીક છે અને તેથી કોઇપણ પ્રકારની પરિસ્થિતિ સામે લડવા માટે દરિયાઇ સુરક્ષા એજન્સીઓ પૂરેપૂરી સક્ષમ છે ત્યારે આ અભિયાનનો હેતુ એ જ હોય છે કે સુરક્ષા એજન્સીઓની સક્ષમતા અને કામગીરીને તપાસવામાં આવે અને તેના માધ્યમથી ચકાસણી કરવામાં આવે ત્યારે મંગળવારે વહેલી સવારે છ વાગ્યાથી પોરબંદર સહિત સૌરાષ્ટ્ર ગુજરાતના દરિયામાં કોસ્ટલ સીકયુરીટી એકસરસાઇઝ શરૂ થઇ ચૂકી છે ત્યારે સાગરપુત્રોને પણ મહત્વની સૂચનાઓ આપવામાં આવી છે.
સુરક્ષા એજન્સીઓ દ્વારા હોડીધારકો અને બોટધારક માચ્છીમારોને એવી સૂચના આપવામાં આવી છે કે ગુજરાતની દરિયાઇ સુરક્ષા સઘન કરવા માટે સાગર કવચ-2025નું આયોજન થઇ રહેલ હોઇ, આ સમયગાળા દરમ્યાન માચ્છીમારો દ્વારા દરિયામાં કોઇપણ જાતની શંકાસ્પદ પ્રવૃત્તિ કે હરકત કે કોઇ શંકાસ્પદ બોટ જણાય તો તેની જાણ કોસ્ટલ સીકયુરીટીના ટોલ ફ્રી નંબર 1093 ઉપર તાત્કાલિક કરવાની રહેશે. તથા માચ્છીમારોએ આ સુચનાઓનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે
દરેક બોટ, હોડીમાં લાઇફ સેવીંગ ઇકવીપમેન્ટ (લાઇફ જેકેટ, ફર્સ્ટ એઇડ બોકસ વગેરે) ફરજીયાત રાખવાના રહેશે., દરેક ફિશીંગ બોટમાં ટ્રાન્સપોન્ડર અને ડીસ્ટ્રેશ એલર્ટ ટ્રાન્સમીટર ચાલુ રાખવાના રહેશે. દરેક ખલાસીના માન્ય આઇ.ડી. કાર્ડ (બાયોમેટ્રિક કાર્ડ અથવા આધારકાર્ડ) ઓરીજીનલ સાથે રાખવાના રહેશે. ફિશીંગ બોટમાં ફિશીંગ માટેના જરૂરી દસ્તાવેજો જેવા કે ઓનલાઇન ટોકન, ફિશીંગ લાયસન્સ અને બોટ રજીસ્ટ્રેશન સર્ટીફિકેટની નકલ ફિશીંગ દરમ્યાન સાથે રાખવાના રહેશે. ફિશીંગમાં જતી દરેક ફિશીંગ બોટ , હોડીએ કલર કોડ ફરજીયાત કરવાનો રહેશે. તમામ બોટ, હોડી માલિકોએ આઇ.એમ.બી.એલ. / એન. એફ. ઝેડ.માં ફિશીંગ ન કરવ ા આથી સૂચના આપવામાં આવે છે. કોઇ અજાણી વ્યક્તિ કે ફિશીંગ બોટ દરિયામાં શંકાસ્પદ સ્થિતિમાં જણાય તો આવી વ્યક્તિ કે ફિશીંગ બોટને માર્ગદર્શન આપી કિનારે લાવવામાં મદદ કરવાને બદલે તેની જાણ તાત્કાલિક કોસ્ટલ સીકયોરીટીના ટોલ ફ્રી નંબર 1093 ઉપર કરવાની રહેશે. તે પ્રકારની સૂચનાઓ આપવામાં આવી છે.
ભારતીય કોસ્ટગાર્ડ સહિત મરીન પોલીસ અને અન્ય દરિયાઇ સુરક્ષા એજન્સીઓ એકબીજા સાથે સંકલનમાં રહીને આ અભિયાન અંતર્ગત સમુદ્રમાં ચેકીંગ કરી રહી છે એટલું જ નહી પરંતુ ઓલવેધર પોર્ટની જેટીની આજુબાજુમાં તથા બંદર વિસ્તારમાં પણ સુરક્ષા એજન્સીના જવાનો ઠેર ઠેર તપાસ કરી રહ્યા છે. પોરબંદર જિલ્લાની દરિયાઇપટ્ટી પર આવેલ લેન્ડીંગ પોઇન્ટ સહિતના વિસ્તારોમાં પણ સુરક્ષા એજન્સીઓ દ્વારા સઘન તપાસ હાથ ધરવામાં આવી છે તેની સાથોસાથ મોકડ્રીલ યોજાય તો સુરક્ષા એજન્સીના જવાનો સતત સતર્ક અને તત્પર છે તથા કોઇપણ પ્રકારની પરિસ્થિતિનો સામનો કરવા માટે સુસજ્જ છે તેમ જણાવીને સમગ્ર જિલ્લામાં મોટી સંખ્યામાં સુરક્ષા એજન્સીના જવાનો ઓપરેશન સાગર સુરક્ષા કવચમાં જોડાઇ ગયા છે.
કોસ્ટલ સિકયુરીટી એકસરસાઇઝની
જરૂરિયાત શા માટે?
આ પ્રકારના કોસ્ટલ સીકયુરીટી અભિયાનની જરૂરિયાત શા માટે ઉભી થઇ? સ્વાભાવિક રીતે જ તેવો સવાલ ઉપસ્થિત થતો હોય છે ત્યારે મહત્વની બાબત એ છે કે ભૂતકાળમાં પાકિસ્તાન મરીનના નાપાક ઓફિસરોએ સમુદ્રમાં ગુજરાતની ફિશીંગ બોટોના અપહરણ કરવાથી માંડીને ફાયરીંગ કર્યાના અસંખ્ય બનાવો બની ચૂકયા છે અને ગુજરાતના માચ્છીમારો ફિશીંગ કરવા માટે જાય છે ત્યારે બોટો અને ખલાસીઓના અપહરણના પણ અનેક બનાવો બનતા હોય છે. જેથી દરિયામાં કોઇપણ પરિસ્થિતિ સામે લડવા માટે આપણે સંપૂર્ણપણે સુસજ્જ છીએ તેની સાબિતી માટે અને સુરક્ષા એજન્સીઓના એકબીજા સાથેના સંકલનને તપાસવા માટે આ પ્રકારના અભિયાન થતા હોય છે. ભૂતકાળમાં પોરબંદરના ગોસાબારા ખાતે આર.ડી.એકસ. લેન્ડીંગ થયા બાદ મુંબઇમાં 1993ના બોમ્બ બ્લાસ્ટ થયા હતા તે વાત જગજાહેર છે તો બીજી બાજુ 26-11ના આતંકવાદી હુમલામાં પણ પોરબંદરની કુબેર નામની ફિશીંગ બોટનો આતંકવાદીઓએ ઉપયોગ કર્યાનું ખૂલ્યુ હતુ તેથી દરિયાઇ સુરક્ષા વધુ મજબૂત બને તેવા હેતુ સાથે આ પ્રકારના અભિયાનો થતા હોય છે.