Jai Hind

PM નરેન્દ્રભાઇ મોદી 11મીએ સોમનાથ સ્વાભિમાન પર્વમાં ઉપસ્થિતિ રહેશે

ફોરલેન હાઇવે, સાબરમતી, વેરાવળ વંદે ભારત, કેશોદ અને રાજકોટ એરપોર્ટથી સોમનાથ બન્યું વૈશ્ર્વિક પ્રવેશદ્વાર

ગુગલ ઉપર ભારતીયો દ્વારા સૌથી વધુ સર્ચ કરાયેલ ટોચના 10 સ્થળોમાં સોમનાથનો સમાવેશ

સોમનાથ સ્વાભિમાન પર્વ સોમનાથમાં શિવભકિતનું અનોખું પર્વ બન્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઉ5સ્થિતિમાં યોજાનાર સ્વાભિમાન પર્વ શૌર્યસભા- શૌર્યયાત્રા અને ઓમકાર મંત્ર સહિતના કાર્યક્રમોને લઇને સોમનાથ પરિસરમાં અખંડ ઓમકાર જાપ અને અખંડ વિશભજનના કાર્યક્રમો થઇ રહ્યાં છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી તા. 10મીએ સોમનાથ ખાતે આવી પહોચશે અને રાત્રી રોકાણ કરશે. તા.11 ને રવિવારે સોમનાથ સ્વાભિમાન પર્વમાં સામેલ થનાર છે. ત્યારે વહીવટી તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ થઇ રહી છે. ભાજપ સમર્થકો અને શિવભકતોનો પ્રવાહ સોમનાથ તરફ ધસી રહ્યો છે.
‘સૌરાષ્ટ્રે સોમનાથં ચ, શ્રી શૈલે મલ્લિકાર્જુનમ, ઉજ્જયિન્યાં મહાકાલમ ૐ કારમ અમલેશ્વરમ.’ દ્વાદશ જ્યોતિર્લિંગ સ્તોત્રમની આ પંક્તિ દર્શાવે છે કે, ભારતના 12 પવિત્ર જ્યોતિર્લિંગોનું વર્ણન થાય ત્યારે સૌથી પહેલાં સોમનાથનો ઉલ્લેખ આવે છે. આ ભારતની સંસ્કૃતિમાં સોમનાથનું અગ્રસ્થાન તથા તેના અવિનાશી સાંસ્કૃતિક અને આધ્યાત્મિક મહત્વને દર્શાવે છે. છેલ્લા બે દાયકામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ સોમનાથ મંદિર સુવર્ણ યુગમાં પ્રવેશ્યું છે. તેઓ શ્રી સોમનાથ ટ્રસ્ટના અધ્યક્ષ બન્યા ત્યારથી સોમનાથના વિકાસમાં એક નવો અધ્યાય શરૂ થયો છે.
ઉલ્લેખનીય છે કે, વર્ષ 2026માં મહમૂદ ગઝનવી દ્વારા સોમનાથ પર 1026માં કરવામાં આવેલા પ્રથમ આક્રમણના હજાર વર્ષ પૂર્ણ થશે. આજે એક હજાર વર્ષ પછી પણ સોમનાથ મંદિર પૂરા ગૌરવ સાથે અડીખમ ઊભું છે. સંયોગવશાત્, 2026માં જ સોમનાથ મંદિરના પુનર્નિર્માણના 75 વર્ષ પૂર્ણ થવાના છે. 11 મે 1951ના રોજ આ ભવ્ય મંદિરનું પુનર્નિર્માણ સંપન્ન થયું હતું અને ફરી ભક્તો માટે ખુલ્યું હતું. આ સીમાચિહ્નરૂપ ઘટનાને વધુ વિશેષ બનાવતા વડાપ્રધાન 11 જાન્યુઆરીએ સોમનાથની મુલાકાત લેશે અને ‘સોમનાથ સ્વાભિમાન પર્વ’માં હાજરી આપશે.
શિખર પર 1,666 સુવર્ણ કળશ અને 14,200 ધજાઓ સાથે સોમનાથ મંદિર ત્રણ પેઢીઓની અડગ શ્રદ્ધા, દ્રઢતા અને કલાત્મકતાના પ્રતિબિંબ તરીકે ઊભું છે. દર વર્ષે લાખો લોકો આ જ્યોતિર્લિંગના દર્શન માટે આવે છે. વર્ષ 2020થી 2024 સુધી વાર્ષિક અંદાજે 97 લાખ શ્રદ્ધાળુઓ સોમનાથના દર્શન માટે આવ્યા છે. બિલ્વ પૂજા માટે છેલ્લા 2 વર્ષમાં શ્રદ્ધાળુઓની સંખ્યા 13.77 લાખ નોંધાઈ હતી, જેમાં મહા શિવરાત્રિ 2025 દરમિયાન 3.56 લાખ શ્રદ્ધાળુઓ આવ્યા હતા.
સોમનાથ મંદિરમાં શ્રદ્ધાળુઓ માટે લાઇટ એન્ડ સાઉન્ડ શો અને ઉત્સવોનું આકર્ષણ પણ રહ્યું છે. છેલ્લા 3 વર્ષમાં 10 લાખથી વધુ લોકોએ સોમનાથની ગાથા વર્ણવતો લાઇટ એન્ડ સાઉન્ડ શો નિહાળ્યો છે. સોમનાથના આંગણે ઉજવાતા ઉત્સવની વાત કરીએ તો, ગત વર્ષે વંદે સોમનાથ કલા મહોત્સવમાં 1,500 વર્ષ જૂની નૃત્ય પરંપરાઓ પુનજીર્વિત થઈ હતી, જે દર્શાવે છે કે, સોમનાથ માત્ર આસ્થાનું કેન્દ્ર નથી, તે સાંસ્કૃતિક વારસાને પણ ઉજાગર કરે છે.
સોમનાથની યાત્રા ભક્તો માટે વધુ સરળ અને આરામદાયક બને તે હેતુથી કનેક્ટિવિટીમાં મહત્વપૂર્ણ સુધારાઓ કરવામાં આવ્યા છે. રૂા.828 કરોડના પ્રોજેક્ટ- જેતપુર-સોમનાથ ફોર લેન હાઇવેના કારણે યાત્રિકોને એક્સપ્રેસવેની સુવિધા મળી છે. સાબરમતી-વેરાવળ વંદે ભારત એક્સપ્રેસના કારણે અમદાવાદથી સોમનાથની યાત્રા હવે વધુ ઝડપી અને સુલભ બની છે. આ ઉપરાંત, વર્ષ 2022માં ફરી શરૂ કરવામાં આવેલ કેશોદ ઍરપોર્ટ અને 2023માં રાજકોટ આંતરરાષ્ટ્રીય ઍરપોર્ટના ઉદ્ઘાટન બાદ આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓ માટે સોમનાથ પહોંચવું સુલભ બન્યું છે.