સરકારી નોકરીની લાલચ આપીને સામાન્ય લોકોને કરોડો રૂપિયામાં ખંખેરવાના સનસનીખેજ બનાવમાં એન્ફોર્સમેન્ટ ડિરેકટોરેટ (ઇડી) દ્વારા આજે રાજકોટ સહિત દેશના છ રાજયોના 1પ શહેરોમાં મોટા પાયે દરોડા પાડવામાં આવતા સનસનાટી મચી છે. સરકારી નોકરીના બનાવટી નિમણુંકપત્રો આપવાનું ચોંકાવનારૂ કૌભાંડ ખુલવાની આશંકા વ્યકત કરવામાં આવી રહી છે. પ્રાથમિક માહિતી પ્રમાણે દેશભરમાં એક સંગઠિત બેન્ક દ્વારા સરકારી નોકરીનું વચન આપીને લોકો સાથે છેતરપીંડી કરવામાં આવતી હતી. ગેંગ દ્વારા બનાવટી કોલલેટર અને નિમણુંકપત્રો પણ આપવામાં આવતા હતા. રેલવે, પોસ્ટ, હાઇકોર્ટ, વન વિભાગ, ટેકસ ડિપાર્ટમેન્ટ, જાહેર બાંધકામ વિભાગ, બિહાર સરકાર, રાજસ્થાન સચિવાલય, દિલ્હી ડેવલપમેન્ટ ઓથોરીટી સહિતના નામે આ ભરતી કૌભાંડ આચરવામાં આવ્યું હતું. ગેંગ દ્વારા નકલી ઇ-મેઇલ એકાઉન્ટ બનાવીને લોકોને ઓનલાઇન નકલી નિમણુંક પત્રો આપવામાં આવ્યા હતા. બનાવટી ઇ-મેઇલ એકાઉન્ટમાં સરનામા સહિતની વિગતો અસલી સરકારી વિભાગો જેવી જ લાગતી હોવાથી લોકોને વિશ્ર્વાસ બેસી ગયો હતો. મહત્વની વાત એ છે કે છેતરપીંડી આચરનાર ગેંગે કેટલાક વ્યકિતઓના ખાતામાં બે થી ત્રણ મહિનાનો પગાર પણ જમા કરાવ્યો હતો. રેલ્વેમાં આરપીએફ ટીટીઇ તથા ટેકનીશ્યન જેવા હોદાના પણ નિમણુંકપત્ર આપી દેવામાં આવ્યા હતા. આ સનસનીખેજ કૌભાંડ અંગે આજે ઇડીએ ગુજરાત, બિહાર, બંગાળ, ઉત્તરપ્રદેશ, તામિલનાડુ અને કેરળમાં સામુહિક ઓપરેશન હાથ ધર્યુ છે. આ છ રાજયના 1પ શહેરોમાં દરોડા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ગુજરાતમાં રાજકોટ, ઉતરપ્રદેશમાં ગોરખપુર, અલ્હાબાદ અને લખનઉ, બિહારમાં મુઝફરપુર અને મોતિહારી, પ.બંગાળમાં કોલકતા, તામિલનાડુમાં ચેન્નાઇ અને કેરળમાં જુદા જુદા શહેરોમાં દરોડા પાડવામાં આવ્યા છે. રાજકોટમાં રેલ્વેમાં બોગસ ભરતીના મામલે તપાસ હોવાની ચર્ચા છે. જોકે રેલ્વે અધિકારીઓ તેનો ઇન્કાર કરી રહ્યા છે.