દીવના ઘોઘલા ખાતે આયોજિત ખેલો ઇન્ડિયા બીચ ગેમ્સ, 2026 અંતર્ગત વાત્સલ્ય વિશિષ્ટ શાળાના મનોદિવ્યાંગ બાળકો દ્વારા પ્રેરણાદાયક મુલાકાત લેવામાં આવી હતી. આ મુલાકાત દરમિયાન બાળકોને બીચ પર ચાલી રહેલ વિવિધ રમતોને નજીકથી નિહાળવાનો અને રમતગમતના માહોલનો આનંદ માણવાનો સુવર્ણ અવસર પ્રાપ્ત થયો. આ પ્રસંગે ગેમ્સના વિવિધ કોચીસ, નોડલ ઓફિસર તેમજ અન્ય રમતગમત સાથે સંકળાયેલા અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા સંસ્થાના બાળકોનું હર્ષભેર સ્વાગત કરવામાં આવ્યું હતું તથા તેમને ઉત્સાહજનક પ્રતિસાદ અને પ્રોત્સાહન આપવામાં આવ્યું હતું. ઉપસ્થિત દરેક મનોદિવ્યાંગ બાળકો દ્રારા મેદાનમાં પહોંચી ટગ ઓફ વોરના બંને ટીમોના ખેલાડીઓ સાથે વ્યક્તિગત હાથ મિલાવી ખેલાડીઓને જીત માટે શુભકામનાઓ પાઠવેલ. ત્યારબાદ વિવિધ રમતોના ખેલાડીઓ, કોચીસ તેમજ ગેમ્સ સાથે જોડાયેલા અન્ય અધિકારીઓ દ્રારા મનોદિવ્યાંગ બાળકોને પ્રોત્સાહિત કરવાનાં ઉદ્દેશ્ય સાથે ગૃપ ફોટો શૂટ કરાવવામાં આવેલ. વધુમાં મનોદિવ્યાંગ બાળકો દ્રારા વિવિધ રમતનો ભરપૂર આનંદ માણ્યા બાદ વિવિધ કોચીસના સહયોગથી બાળકોને પણ ટગ ઓફ વોર રમત રમાડવામાં આવી હતી, જેના દ્વારા બાળકોમાં આત્મવિશ્વાસ, ટીમવર્ક અને આનંદની ભાવના વધુ પ્રબળ બની. વાત્સલ્ય વિશિષ્ટ શાળા દ્વારા આયોજિત આ પ્રકારની શૈક્ષણિક અને પ્રેરણાત્મક મુલાકાતો મનોદિવ્યાંગ બાળકોના સર્વાંગી વિકાસ, સામાજિક સમાવેશ અને રમતગમત પ્રત્યેની રસરૂચિ વધારવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. આ મુલાકાતના અંતે સંસ્થાના હોદ્દેદારો તેમજ સ્ટાફ દ્રારા આ મુલાકાત દરમિયાન સહયોગ પૂરો પાડનાર દરેક વ્યક્તિનો આભાર વ્યક્ત કરવામાં આવેલ. આ મુલાકાત દરમિયાન સંસ્થાના સેક્રેટરી શ્રી કિશોરભાઈ કાપડિયા, ટ્રેઝરર શ્રી ઉસમાનભાઈ વોરા, મેમ્બર શ્રી આલબર્ટભાઈ અલ્વારેઝ તેમજ વાત્સલ્ય વિશિષ્ટ શાળાના સ્ટાફે ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવવામાં પોતાનો સહયોગ અને મહત્વપૂર્ણ યોગદાન પૂરું પાડ્યું હતું.