Jai Hind

સોમનાથમાં અજેય ભારતીય સંસ્કૃતિક મુલ્યોનો જયઘોષ કરતા વડાપ્રધાન

સ્વાભિમાન પર્વ તીર્થ પરંપરાને જીવંત રાખવાનો અવસર-નરેન્દ્રભાઈ મોદી; સોમનાથનું ભવ્ય મંદિર માત્ર ઈંટ, પથ્થર નહીં પરંતુ સરદાર સાહેબની સંકલ્પ શક્તિનું પ્રતિક-મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ

વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ અરબી સમુદ્ર કિનારે બિરાજમાન ભગવાન સોમનાથ મંદિર પર વિધર્મી આક્રાંતાઓ થયેલા હુમલાને એક હજાર વર્ષ અનુસંધાને યોજાયેલા સોમનાથ સ્વાભિમાન પર્વમાં સહભાગી થઇ અજેય ભારતીય સાંસ્કૃતિક મૂલ્યોનો જયઘોષ કર્યો હતો.
તેમણે શૌર્યસભામાં બુલંદ સ્વરે જણાવ્યું છે કે, પાછલા એક હજાર વર્ષ આગામી દશકો સુધી ભારતનું ભવિષ્ય ઘડવાની શીખ આપે છે. સોમનાથ મંદિર માત્ર એક ધાર્મિક કેન્દ્ર નથી, પરંતુ ભારતની અડગ આસ્થા, સ્વાભિમાન અને સાંસ્કૃતિક ચેતનાનું પ્રતીક છે. સોમનાથનો ઇતિહાસ ભૂલવાનો પ્રયાસ થયો હતો. તેનો ઇતિહાસ વિનાશ અને પરાજયનો ઇતિહાસ નથી, પરંતુ વિજય અને પુન:નિર્માણનો ઇતિહાસ છે.
વડાપ્રધાન કહ્યું કે, સોમનાથ મંદિર પર થયેલા હુમલાથી બોધ મળે છે કે તલવારની ધાર ઉપર કોઈના હૃદય જીતી શકાતા નથી. જો સભ્યતા બીજાને કચડીને આગળ વધવા માંગતી હોય તો તે પોતે જ સમયના કાળખંડમાં ખોવાઈ જાય છે.
સર્જનનો માર્ગ લાંબો હોય છે પણ ચિરકાલીન હોય છે એમ કહીને વડાપ્રધાનએ જણાવ્યું કે, સોમનાથ સ્વાભિમાન પર્વ વિનાશના સ્મરણ માટે નહીં, પરંતુ હજારો વર્ષની અડગ યાત્રા અને પુનર્નિર્માણની પરંપરાનો ઉત્સવ છે. જેમ સોમનાથ પર વારંવાર આક્રમણો થયા, તેમ ભારત પર પણ વિદેશી આક્રમણકારો દ્વારા અનેક પ્રયાસો કરવામાં આવ્યા, છતાં ન તો સોમનાથ નષ્ટ થયું અને ન તો ભારત, કારણ કે ભારતની આત્મા અને તેની આસ્થાના કેન્દ્રો અવિનાશી છે.
સોમનાથ સ્વાભિમાન પર્વની ઉજવણીમાં પોતાના પ્રવાસના દ્વિતીય દિને વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ ભગવાન સોમનાથ સમક્ષ વિધિવિધાન પૂર્વક પૂજા-અર્ચના કરી હતી. તે પૂર્વે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ઉપ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવી અને મંત્રી જીતુભાઇ વાઘાણી સાથે શૌર્ય યાત્રા યોજી હતી. 108 અશ્વો અને કેસરી સાફાધારી અસવારોની કૂચ સાથે નીકળેલી શૌર્ય યાત્રા દરમિયાન વડાપ્રધાન સહિતના મહાનુભાવોએ ભાવિકોનું અભિવાન ઝીલ્યું હતું.
દેશની અસ્મિતાના પ્રતીક સમા સોમનાથ મંદિરના રક્ષણ માટે શહીદી વ્હોરનારા વીર હમીરજી અને ભગ્ન મંદિરના પુનરોત્થાન કરાવનારા સરદાર પટેલને પટાંગણમાં આવેલી તેમની પ્રતિમા સમક્ષ પુષ્પાંજલિ અર્પણ કરી હતી.
સોમનાથનો ઈતિહાસ પરાજયનો નહીં પરંતુ વિજય, ધૈર્ય, ત્યાગ અને પુનર્નિર્માણનો ઈતિહાસ છે. તેમણે ભારપૂર્વક કહ્યું હતું કે આટલી સદીઓની અડગ આસ્થા અને સંસ્કૃતિ પર વિશ્વના ઈતિહાસમાં વિરલ ઉદાહરણો જ મળે છે અને આવનારી પેઢીઓએ આ વિરાસતને ગૌરવ સાથે આગળ વધારવી એ આપણું કર્તવ્ય છે.
વડાપ્રધાનએ જણાવ્યું હતું કે સોમનાથમાં વિરાજમાન ભગવાન શિવ ‘મૃત્યુંજય’ છે, જેમણે મૃત્યુને જીત્યું છે અને જે સમગ્ર સૃષ્ટિના સર્જન, પાલન અને લયના આધાર છે. તેમણે ભારપૂર્વક કહ્યું હતું કે ભારતની આસ્થા એવી છે કે અહીં કણ-કણમાં શિવનું દર્શન થાય છે, તેથી કોઈપણ આક્રમણ આ આધ્યાત્મિક ચેતનાને નષ્ટ કરી શક્યું નથી.વડાપ્રધાનએ જણાવ્યું હતું કે સોમનાથ સ્વાભિમાન પર્વ માત્ર ભૂતકાળના ગૌરવનો ઉત્સવ નહીં, પરંતુ તીર્થ પરંપરાને ભવિષ્ય માટે જીવંત રાખવાનો અવસર છે.
વડાપ્રધાનએ આઝાદી બાદના સમયગાળાનો ઉલ્લેખ કરતાં કહ્યું હતું કે સોમનાથના પુનર્નિર્માણ માટે સરદાર વલ્લભભાઈ પટેલે લીધેલો સંકલ્પ રાષ્ટ્રીય સ્વાભિમાનનું પ્રતીક હતો. તેમણે જણાવ્યું હતું કે 1951માં મંદિરના પુનર્નિર્માણ સમયે અનેક અવરોધો ઊભા કરાયા હતા, છતાં જામ સાહેબ મહારાજા દિગ્વિજયસિંહજી જેવા મહાનુભાવોએ રાષ્ટ્રહિતને સર્વોપરી રાખીને મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું.
વડાપ્રધાનએ ચેતવણી આપી હતી કે આજે પણ દેશવિરોધી અને વિભાજનકારી તાકાતો નવા સ્વરૂપોમાં સક્રિય છે. તેમણે દેશવાસીઓને એકતા, સતર્કતા અને શક્તિ સાથે આગળ વધવાની અપીલ કરતાં કહ્યું હતું કે પોતાની આસ્થા, મૂળ અને વારસાને મજબૂતીથી જાળવી રાખવાથી જ ભારત આવનારા હજાર વર્ષ માટે પણ સશક્ત બની રહેશે.
અંતમાં વડાપ્રધાનએ સોમનાથ સ્વાભિમાન પર્વને વિરાસત, આધ્યાત્મિકતા અને ગૌરવના સંગમ તરીકે ઓળખાવતા કહ્યું ,આ આયોજનમાં માત્ર ઉત્સવ નથી પરંતુ આત્મગૌરવની અનુભૂતિ છે. મહાદેવના સાનિધ્યમાં આ ભવ્ય અને દિવ્ય આયોજન દ્વારા નવી પેઢીને ભારતીય સંસ્કૃતિના સામર્થ્ય અને શૌર્યના દર્શન થઇ રહ્યા છે. આ તકે વડાપ્રધાનશ્રીએ ઉપસ્થિત ભાવિકોને ’હર હર મહાદેવ’ ના જયઘોષ સાથે આસ્થાના આ મહોત્સવમાં જોડવા આહ્વાન કર્યું હતું. આ પ્રસંગે વન અને પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડીયા, શિક્ષણ મંત્રી ડો. પ્રદ્યુમન વાજા, ઊર્જા રાજ્યમંત્રી કૌશિક વેકરીયા, સાંસદ રાજેશ ચુડાસમા સહિત આસપાસના જિલ્લાના સાંસદશ્રીઓ તથા ધારાસભ્યઓ, અગ્રણીઓ, સાધુ-મહાત્માઓ અને શિવ ભક્તો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ સોમનાથ દાદાને વિશેષ મરાઠી પાઘ અર્પણ કરી
સોમનાથ સ્વાભિમાન પર્વના પાવન અવસરે શ્રી સોમનાથ મહાદેવને પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા વિશેષ પાઘ અર્પણ કરવામાં આવી હતી. આ પાઘ માત્ર એક ધાર્મિક અર્પણ નથી, પરંતુ ભારતીય સ્વાભિમાન, સાંસ્કૃતિક ગૌરવ અને સ્ત્રી શક્તિના ઉત્કૃષ્ટ સંકલ્પનું પ્રતિબિંબ છે. સોમનાથમાં શિવપૂજાની અખંડ પરંપરા જાળવવા માટે ભગીરથ પ્રયાસ કરનાર પુણ્યશ્લોક મહારાણી અહલ્યાબાઈ હોલ્કરને સ્મરણાંજલિ સ્વરૂપે વિશેષ રીતે તૈયાર કરાયેલ મરાઠી પાઘ સોમનાથ મહાદેવને પૂજા કરીને અર્પણ કરવામાં આવી. મહારાણી અહલ્યાબાઈ હોલ્કર ભારતીય સ્ત્રી શક્તિ, ધૈર્ય અને સામર્થ્યનું શાશ્વત આદર્શ રહી છે-આ ભાવનાને ઉજાગર કરતી આ પાઘ શ્રી સોમનાથ ટ્રસ્ટ સાથે જોડાયેલ મહિલાઓ દ્વારા નિષ્ઠા અને શ્રદ્ધાથી તૈયાર કરવામાં આવી છે. આ વિશેષ પાઘમાં 21 પીતાંબર તથા ચાંદીના આભૂષણોનો સુમેળભર્યો ઉપયોગ કરવામાં આવ્યો છે.
પ્લે કાર્ડના માધ્યમથી વડાપ્રધાનના વિઝન અને વિકસિત ભારતના સંકલ્પનો પ્રેરક સંદેશ
સોમનાથ સ્વાભિમાન પર્વમાં આયોજિત શૌર્ય સભામાં લોકોએ ’શાશ્વત અને અવિનાશી સોમનાથ’, ’ અખંડ ભારત -અંખડ સોમનાથ’, ’ શૌર્ય અને સાહસની ગાથા’, ’સંકલ્પ અને સ્વાભિમાનની ગાથા’, લોખંડી પુરુષની સંકલ્પ ગાથા’ ’આસ્થા અમર છે’ જેવા સંદેશ આપતા પ્લે કાર્ડ દર્શાવી ભારતીય અસ્મિતાના પ્રતિકરૂપ સોમનાથની ગાથાના ઉજાગર કરી હતી. આ ઉપરાંત આધુનિક ભારતની નેમને ચરિતાર્થ કરતા ’વિકસિત ભારત – 2047’, ’ સર્વજન હિતાય- સર્વજન સુખાય’, ’ આત્મનિર્ભર યુવા અને આત્મનિર્ભર ભારત’, ’ મારી ધરતી – મારી પ્રોડક્ટ’ સહિતના પ્લે કાર્ડ દ્વારા વડાપ્રધાનના વિઝનને ઉજાગર કરતા આ પ્લે કાર્ડે દ્વારા પ્રેરક સંદેશ પ્રસરાવવામાં આવ્યો હતો. આ શૌર્યસભામાં ઉપસ્થિત લોકોએ પોતાના પ્રિય નેતા અને વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદીના આગમનને આ પ્લે કાર્ડ ઊંચા કરી વધાવ્યા હતા.
વડાપ્રધાન મોદીએ શોર્ય યાત્રામાં શિવભક્તોની વિરાટ જનમેદનીનું અભિવાદન ઝીલ્યું
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ સોમનાથ સ્વાભિમાન પર્વની શોર્ય યાત્રામાં સહભાગી થઈ ખુલ્લી જીપમાં હજારો શિવભક્તો-ગુજરાત અને દેશભરના પ્રવાસીઓ ભાવિકોનું અભિવાદન ઝીલ્યું હતું. સોમનાથના શંખ સર્કલથી શરૂ થયેલી આ શોર્ય યાત્રામાં વડાપ્રધાને પ્રારંભે શિવનું પ્રિય વાદ્ય ડમરું લઈ શિવભક્તોનો ઉત્સાહ વધાર્યો હતો. હર હર મહાદેવ જય સોમનાથ ભારત કી જયના નાદ, ઋષિ કુમારોનો શંખનાદ, વૈદિક મંત્રોચ્ચાર ઉપરાંત કાશ્મીરથી ક્ધયાકુમારી સુધી ભારતના વિવિધ રાજ્યોના કલાકારોએ 20 થી વધુ પ્લેટફોર્મ પર ભારતની પ્રાચીન અને સમૃદ્ધ કલા વારસાને ઉજાગર કરતી સાંસ્કૃતિક કૃતિઓ – નૃત્ય રજૂ કરી આ યાત્રાને ઐતિહાસિક અને દિવ્ય બનાવી હતી. આ શોર્યયાત્રા એક ભારત શ્રેષ્ઠ ભારતનું પણ પ્રતીક બની હતી અને સોમનાથની વિરાટ અને શાશ્વત આધ્યાત્મિક ચેતનાના પણ આ શોર્ય યાત્રામાં દર્શન થયા હતા. આ યાત્રામાં મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ, નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી, પ્રવક્તા અને કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણી પણ વડાપ્રધાનશ્રીની સાથે સહભાગી થયા હતા.
‘સોમનાથ સ્વાભિમાન પર્વ’ હવે તા.15 જાન્યુઆરી સુધી યોજાશે
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની ગરિમામય ઉપસ્થિતિમાં તા.8 થી 11 દરમિયાન ’સોમનાથ સ્વાભિમાન પર્વ’ની ભવ્યાતિભવ્ય ઉજવણી સોમનાથ ખાતે કરવામાં આવી રહી છે. લોકોની લાગણી અને માગણી ધ્યાનમાં રાખી અને આ પર્વની ઉજવણી તા.15 જાન્યુઆરી સુધી લંબાવવાનો રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે.પ્રવક્તા અને કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણીએ આ અંગેની વિગતો આપતાં જણાવ્યું હતું કે, વડાપ્રધાનની પ્રેરક ઉપસ્થિતિમાં સોમનાથમાં ’સોમનાથ સ્વાભિમાન પર્વ’ની ઐતિહાસિક રીતે ઉજવણી થઈ રહી છે. ભારતીય સંસ્કૃતિના વારસા અને વિરાસતને પુન:સ્થાપિત કરતા આ ધાર્મિક પ્રસંગને દેશભરના વધુમાં વધુ લોકો માણી શકે એ માટે તારીખ 15 જાન્યુઆરી સુધી આ પર્વ લંબાવવાનો રાજ્ય સરકારે નિર્ણય લીધો છે.