પોલીસ દ્વારા જૂતું ફેંકવાનો પ્રયાસ અને જૂતું ફેંકનાર પર થયેલ હુમલા એમ બંને કેસની તપાસ
માળિયા હાટીનામાં આમ આદમી પાર્ટી દ્વારા આયોજિત ખેડૂત સભા દરમિયાન ધારાસભ્ય ગોપાલ ઈટાલિયા પર એક શખ્સે જૂતું ફેંક્યું હતું અને બાદમાં તેના પર હુમલો થયો હોવાનો વીડિયો સામે આવ્યો હતો, જે અંગે માળિયા હાટીના પોલીસે બંને કેસમાં ઊંડાણ સુધી પહોંચવા 15 જેટલા સીસીટીવી તપાસી તપાસનો ધમધમાટ આદર્યો છે.
વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલીયા પર માળિયા હાટીના ખાતે આમ આદમી પાર્ટી દ્વારા યોજાયેલી સભામાં ગોપાલ ઇટાલીયાના સંબોધન દરમિયાન ભંડુરી ગામના શબ્બીર મહમ્મદ હુસેન પરમારે જૂતું ફેંકવાનો પ્રયાસ કર્યો હતો. જો કે, ફરજ પરના પોલીસ અને લોકોએ આ શખ્સને પકડી પોલીસ સ્ટેશન પર લઈ જઈ પૂછપરછ હાથ ધરી હતી. દરમિયાન આ ઘટના બાદ જૂતું ફેંકવાનો પ્રયાસ કરનાર શબ્બીર પરમારને કેટલાક શખ્સો માર મારતા હોય તેવો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. અને પોલીસે આ ઘટનાને પણ ધ્યાને લીધી છે, તથા સભા દરમિયાન ઘટેલી આ બંને કેસની મળિયા હટીનાના પીઆઈ એમ.એન. કાતરિયાએ તપાસ આદરી છે. તથા જાણવા મળ્યા મુજબ, સભાના રૂટના 15 જેટલા સીસીટીવી કેમેરા તપાસવામા આવ્યા છે, અને હજુ વધુ સીસીટીવી ચેક કરવાની કવાયત આદરી છે.