સૌરાષ્ટ્ર-ગુજરાતમાં છેલ્લા બે દિવસથી ઠંડીમાં રાહત છે અને તાપમાન નોર્મલ કે તેનાથી ઉંચે રહ્યું છે તેવા સમયે હજુ તા.ર3ને શુક્રવાર સુધી રાહતની સ્થિતિ રહેશે પરંતુ તા.ર4ને શુક્રવારથી તાપમાનમાં એકાએક 4થી 6 ડિગ્રી જેવો જોરદાર ઘટાડો થશે અને અનેક સેન્ટરોમાં પારો સિંગલ ડિઝીટમાં આવી જવાની સંભાવના જાણીતા વેધર એનાલીસ્ટ અશોકભાઇ પટેલે દર્શાવી છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના પ્રભાવ હેઠળ ઉત્તર ભારતમાં જોરદાર હિમવર્ષા અને તેની અસરે ગુજરાત સુધી ઠંડીનો ચમકારો અનુભવવાની શકયતા છે.
તેઓએ આજે વાતચીતમાં જણાવ્યું કે, ઉત્તર ગુજરાત અને કચ્છમાં ન્યુનતમ નોર્મલ તાપમાન 10 થી 11 ડિગ્રી અને રાજયના બાકીના ભાગોમાં તે 1ર થી 13 ડિગ્રી ગણાય છે. આજે રાજયના અનેક ભાગોમાં ન્યુનતમ તાપમાન નોર્મલ કરતા ઉંચુ રહ્યું હતું. અમદાવાદમાં 13.3 ડિગ્રી હતું જે નોર્મલ કરતા 1.4 ડિગ્રી વધુ હતું.
વડોદરામાં 1ર.ર ડિગ્રી (0.7 ડિગ્રી વધુ), ભુજમાં 14.8 ડિગ્રી (4 ડિગ્રી ઉંચુ), રાજકોટમાં 11.પ ડિગ્રી (0.9 ડિગ્રી નીચુ), ડિસા 11.9 ડિગ્રી (ર.4 ડિગ્રી ઉંચુ) અને અમરેલીમાં 11.6 ડિગ્રી (0.ર ડિગ્રી નીચુ) નોંધાયુ હતું. પોરબંદરમાં પણ ન્યુનતમ તાપમાન 11 ડિગ્રી હતું જે સામાન્ય કરતા ર.પ ડિગ્રી નીચુ રહ્યું હતું.
તેઓએ તા.ર0 થી ર7 જાન્યુઆરી સુધીની આગાહી કરતા જણાવ્યું હતું કે, આ સમયગાળામાં અનેક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ત્રાટકવાની સંભાવના છે અને તેમાંથી બે શકિતશાળી હશે તેના પ્રભાવ હેઠળ મુખ્યત્વે ઉત્તર ભારતના રાજયોમાં ભારે હિમવર્ષા અને વરસાદ થવાની સંભાવના છે. તેની અસર છેક રાજસ્થાન સુધી વર્તાશે. ગુજરાતમાં ઠંડીનો ચમકારો જોવા મળશે. તા. ર3ને શુક્રવાર સુધી રાજયમાં ઠંડીમાં રાહત જ હશે અને તાપમાન નોર્મલ કે નોર્મલથી વધુ રહેવાની સંભાવના છે. પરંતુ ત્યારપછી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના પ્રભાવના કારણે ર4 જાન્યુઆરીને શનિવારથી ન્યુનતમ તાપમાનમાં એકાએક 4 થી 6 ડિગ્રીનો ઘટાડો થવાની સંભાવના છે. તા.ર7 સુધી તાપમાન નીચુ જ રહેશે. આ સંજોગોમાં તા. ર4 થી ર7 સુધી ઠંડીનો અસલી રંગ જોવા મળશે અને અનેક સેન્ટરોમાં તાપમાન સિંગલ ડિઝીટમાં અર્થાત 10 ડિગ્રી કરતા નીચે ઉતરી જવાની સંભાવના છે. તા. ર3 જાન્યુઆરીએ રાજયના કેટલાક ભાગોમાં ઝાકળવર્ષા થવાની સંભાવના છે.
તેમને જણાવ્યું કે આગાહીના સમયગાળા દરમ્યાન મોટા ભાગે પવન ઉત્તરથી ઉત્તર-પૂર્વના રહેવાનું સંભાવના છે. તા. ર3મીએ પવનની દિશા પશ્ર્ચિમ, ઉત્તર-પશ્ર્ચિમ તરફની રહી શકે છે. આગાહી દરમ્યાન વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર હેઠળ ઉત્તર ભારતમાં ભારે હિમવર્ષા અને વરસાદ થવાની શકયતા છે. જમ્મુ કાશ્મીર, હિમાચલપ્રદેશ અને તેને લાગુ વિસ્તારોમાં મેદાની ભાગોમાં હળવો-મધ્યમ વરસાદ અને કયાંક ભારે વરસાદ થશે. રાજસ્થાન સુધી એકાદ દિવસ તેની અસર વર્તાશે જયારે કેટલાક દિવસોમાં 10 સેમીથી પ0 સેમી હિમવર્ષા થવાની શકયતા છે. ભારે હિમવર્ષાવાળા ઉંચાઇના વિસ્તારોમાં 100 સેમી કરતા પણ વધુ હિમવર્ષા થઇ શકે છે.