તાલાલાના ઉમરેઠી ખાતે કૃષિ સખી અને કિસાન મિત્રો સાથે ગોષ્ઠી કરતા આચાર્ય દેવવ્રતજી
રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી ગીર સોમનાથ જિલ્લાની બે દિવસીય મુલાકાતે છે. જેના પહેલા દિવસે રાજ્યપાલ ની ઉપસ્થિતિમાં ઉમરેઠી ખાતે ખેડૂતો સાથે પ્રાકૃતિક પરિસંવાદ યોજાયા બાદ ગીર સોમનાથ જિલ્લામાં પ્રાકૃતિક કૃષિને ઉત્તેજન આપવા માટે કાર્યરત કૃષિ સખી તથા કિસાન મિત્રો સાથે ગોષ્ઠી યોજીને પ્રાકૃતિક ખેતી વિશે સંવાદ સાધ્યો હતો.
રાજ્યપાલ એ કૃષિ સખીઓ અને કિસાન મિત્રોને સંબોધન કરતાં જણાવ્યું હતું કે, પ્રાકૃતિક ખેતી એ વૈશ્વિક માંગ બની છે. ધરતીનું ઉત્પાદન ઘટવાનું શરૂ થઈ ગયું છે. આવી સ્થિતિમાં તમારા ખભા પર જવાબદારી વધી જાય છે કે, જિલ્લાના વધુને વધુ લોકો સુધી પ્રાકૃતિક ખેતીની જાણકારી પહોંચે. કોઈપણ ક્ષેત્રમાં અધુરુ જ્ઞાન એ ખતરનાક છે. જ્યારે તમને પૂર્ણ વિશ્વાસ આવી જાય કે આ જ યોગ્ય છે, ત્યારે જ એ કામ કરવું જોઈએ. પ્રાકૃતિક ખેતીના વિવિધ આયામો વિશે જાણી અને લોકો સુધી પહોંચાડવા જોઈએ.
રાજ્યપાલ એ જણાવ્યું હતું કે, સમગ્ર સૃષ્ટિનો આધાર જમીન છે. સમગ્ર પૃથ્વીને ચલાવનાર તત્વ હોય તો તે ભગવાન છે. ત્યારે પૃથ્વી અને આ જમીનનું સંરક્ષણ એ ઈશ્વરીય કાર્ય સમાન છે.
રાજ્યપાલ એ ગીર સોમનાથ જિલ્લામાં હાથ ધરાયેલા પ્રાકૃતિક કૃષિના પ્રયાસો માટે જિલ્લા કલેક્ટર તેમજ આત્મા વિભાગ પ્રત્યે આભારની લાગણી વ્યક્ત કરી તમામ કૃષિ સખા/સખી સહિત જિલ્લામાં પ્રાકૃતિક કૃષિની કામગીરી કરતા ખેડૂતોને અભિનંદન પાઠવ્યાં હતાં.