જૈવિક ખેતી અને પ્રાકૃતિક ખેતી વચ્ચેના તફાવત વિશે ખેડૂતો સાથે પ્રેરક સંવાદ પ્રાકૃતિક કૃષિથી ઉત્પાદન ઓછુ થતુ નથી : રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી
ગીર સોમનાથ જિલ્લા ના ઉમરેઠી ગામે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી ના અધ્યક્ષસ્થાને રામમંદિરના પરિસરમાં ‘પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ’ યોજાયો હતો.
રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ જૈવિક ખેતી અને પ્રાકૃતિક કૃષિ વચ્ચેના તફાવત વિશે વિશદ્ અને ઉંડાણપૂર્વક માર્ગદર્શન આપતાં જણાવ્યું હતું કે, પ્રાકૃતિક ખેતીથી ઉત્પાદન ઓછું થતું નથી. પ્રાકૃતિક ખેતી કરવાથી ડરવાની જરૂર નથી. મેં કુરુક્ષેત્રમાં વૈજ્ઞાનિક પદ્ધતિ સાથે પ્રાકૃતિક કૃષિ કરી છે અને તેનાથી પ્રાપ્ત થયેલા પરિણામો આપની વચ્ચે વહેંચી રહ્યો છું.
તેમણે પોતાના પ્રાકૃતિક કૃષિના અનુભવો વર્ણવતા જણાવ્યું હતું કે, પ્રાકૃતિક કૃષિ શરૂઆતના તબક્કે કદાચ આપને ફાયદાકારક ન લાગે પરંતુ લાંબાગાળે તે ચોક્કસ ફાયદાકારક છે.
તેમણે જણાવ્યું હતું કે, ઓર્ગેનિક ખેતી અને પ્રાકૃતિક ખેતી વચ્ચે જમીન-આસમાનનુ અંતર છે. ઓર્ગેનિક ખેતીમાં ઉત્પાદન અને ખર્ચમાં ખાસ ફેરફાર થતો નથી, જ્યારે પ્રાકૃતિક ખેતીમાં ઉત્પાદન વધે છે અને ખર્ચમાં નોંધપાત્ર ઘટાડો થાય છે. પ્રાકૃતિક ખેતી દેશી ગાય આધારિત છે અને તેમાં બહારથી કોઈપણ સામગ્રી લાવવાની જરૂર પડતી નથી.
રાજ્યપાલ એ જમીનની રચના, તેમાં રહેલા બેક્ટેરિયા, જમીનમાં ખાતર નાખવાથી થતાં ફાયદા અને ગેરફાયદા, ખાતર માંથી ઉત્પન્ન થતાં ગેસ સહિતની વિસ્તૃત વિગતો વર્ણવતા જણાવ્યું હતું કે, ભગવાન અને તેની રચના હંમેશા પૂર્ણ હોય છે, જ્યારે માનવી અને તેના દ્વારા બનાવાયેલી વસ્તુઓ અપૂર્ણ હોય છે.
રાજ્યપાલ એ ઉમેર્યું કે, જંગલમાં કોઈપણ પ્રકારના પ્રયત્નો વગર જે રીતે પ્રકૃતિ ફૂલેફાલે છે. તેમાં કોઈ ખાતર કે ડી.એ.પી./ યુરિયા નાખતું નથી પરંતુ તે કુદરતે બનાવેલી વ્યવસ્થા હોવાથી આપોઆપ વિકસિત થાય છે. પરંતુ આપણે જમીનમાં રાસાયણિક દ્રવ્યો નાખીને જમીનને બંજર બનાવી દીધી છે, ત્યારે તેને ઉત્પાદક બનાવવા માટે સરળ અને સસ્તો રસ્તો પ્રાકૃતિક કૃષિ છે.
રાજ્યપાલ એ ઉપસ્થિત ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ અને ગૌપાલન કરવા માટે શપથ લેવડાવ્યાં હતાં. તેમજ પ્રાકૃતિક કૃષિ સ્ટોલની રૂબરૂ મુલાકાત લઈ અને કૃષિ પેદાશોની જાણકારી મેળવી ખેડૂતોનો ઉત્સાહ વધાર્યો હતો.
કલેક્ટર એન.વી.ઉપાધ્યાયે સ્વાગત પ્રવચન કરતા ગીર સોમનાથ જિલ્લામાં પ્રાકૃતિક ખેતી અંગે વિસ્તારપૂર્વક વિગતો રજૂ કરતા જણાવ્યું હતું કે, ગીર સોમનાથ જિલ્લાના તાલાલા તાલુકાના ઉમરેઠી ગામે પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ જેવો મહત્વપૂર્ણ કાર્યક્રમ યોજાયો છે. જે આપણા બધા માટે ગૌરવની ક્ષણ છે. આ તકે આશરે 2000 ખેડૂતો, કૃષિ સખીઓ, કિસાન મિત્રો અને સરપંચો ઉપસ્થિત છે. જેમની ગરીમામયી ઉપસ્થિતિમાં ઉમરેઠી સકારાત્મક પરિવર્તનનું સાક્ષી બનવા જઈ રહ્યું છે.
કૃષિ વિજ્ઞાન કેન્દ્ર કોડીનારના કૃષિ વૈજ્ઞાનિક શ્રી રમેશભાઈ રાઠોડ સહિતના તજજ્ઞો દ્વારા પ્રાકૃતિક કૃષિના બીજામૃત, જીવામૃત, આચ્છાદન, વાપ્સા સહિતના વિવિધ તબક્કાઓ વિશે ઉપસ્થિત સર્વેને માહિતગાર કરવામાં આવ્યાં હતાં.
આ કાર્યક્રમમાં સાંસદ રાજેશભાઈ ચુડાસમા, ધારાસભ્ય ભગવાનભાઈ બારડ, તાલુકા પંચાયતના પ્રમુખ રમીલાબહેન જોટવા, જિલ્લા કલેક્ટર એન.વી. ઉપાધ્યાય, ઈન્ચાર્જ જિલ્લા વિકાસ અધિકારી અને ગ્રામ વિકાસ એજન્સીના નિયામક યોગેશ જોશી, અગ્રણી ડો.સંજયભાઈ પરમાર, મહેન્દ્રભાઈ પીઠિયા, ઉમરેઠી સરપંચ શ્રી જયદિપભાઈ જોટવા સહિત ઉપસ્થિત રહ્યા હતા.