રાસાયણિક કૃષિથી રોગોનું પ્રમાણ વધે છે જ્યારે પ્રાકૃતિક કૃષિ આરોગ્ય પ્રદાન કરે છે : રાજ્યપાલ આચાર્ચ દેવવ્રતજી

કૃષિ ક્ષેત્રની જુદી જુદી વિદ્યાશાખાના વિદ્યાર્થી-વિદ્યાર્થીનીઓને 74 ગોલ્ડ મેડલ/ ગોલ્ડ પ્લેટેડ સિલ્વર સહિત કુલ 578 છાત્રોને ડિગ્રી એનાયત કરાઈ

રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના 21માં પદવીદાન સમારોહમાં વિદ્યાર્થીઓને રાષ્ટ્ર અને સમાજના ઉત્થાનમાં યોગદાન આપવાની સાથે લોકોના જીવન, સ્વાસ્થ્ય અને પ્રકૃતિ -પર્યાવરણના રક્ષણ જરૂરી એવી પ્રાકૃતિક કૃષિના મિશનને આગળ વધારવા માટે પ્રેરણા પૂરી પાડી હતી.
જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના સરદાર સભા ગૃહમાં આયોજિત આ દીક્ષાંત સમારોહમાં કૃષિ ક્ષેત્રની જુદી જુદી વિદ્યાશાખાના વિદ્યાર્થી-વિદ્યાર્થીનીઓને 74 ગોલ્ડ મેડલ/ ગોલ્ડ પ્લેટેડ સિલ્વર મેડલ અને એક કેશ પ્રાઇસ એનાયત કરવામાં આવ્યું હતું, આ પદવીદાન સમારોહના માધ્યમથી કુલ 578 જેટલા વિદ્યાર્થીનીઓને ડિગ્રી એનાયત થઈ હતી.
રાજ્યપાલ એ અધ્યક્ષ સ્થાનેથી સંબોધન કરતા જણાવ્યું હતું કે, આવનારી પેઢીના સુરક્ષિત ભવિષ્ય માટે પ્રાકૃતિક કૃષિ આવશ્યક છે, રાસાયણિક કૃષિની લોકોના સ્વાસ્થ્યની સાથે પ્રકૃતિ, પાણી, પર્યાવરણ પર વિપરીત અસર થઈ છે, સાથે જ જમીનની ફળદ્રુપતામાં ખૂબ મોટો ઘટાડો થયો છે. તેમણે કહ્યું કે, ધરતીનો ઓર્ગેનિક કાર્બન વધશે ત્યારે કૃષિ ઉત્પાદનમાં વધારો થશે, ભારતમાં ડો. સ્વામીનાથનની પ્રેરણાથી હરિત ક્રાંતિની શરૂઆત થઈ હતી. ત્યારે દેશની જમીનનો ઓર્ગેનિક કાર્બન 2.5 ટકા હતો, જે રાસાયણિક કૃષિના પ્રભાવથી ઘટીને 0.5 ની નીચે પહોંચી ગયો છે. તેમણે જણાવ્યું હતું કે, રાસાયણિક કૃષિ પદ્ધતિથી ઉત્પાદિત કૃષિ ઉત્પાદનો આહારમાં લેવાથી રોગો વધે છે, જ્યારે પ્રાકૃતિક કૃષિ આરોગ્ય પ્રદાન કરે છે
રાજ્યપાલ એ ડિગ્રી મેળવનાર વિદ્યાર્થી-વિદ્યાર્થીનીઓને અભિનંદન પાઠવતા જણાવ્યું હતું કે, વિદ્યા પ્રાપ્તિ માટે વર્ષોના પરિશ્રમ બાદ આ લક્ષ્ય હાંસલ થયું છે, તેમણે સમાજ અને રાષ્ટ્રના ઉત્કર્ષ માટે કાર્ય કરવાની પ્રેરણા આપતા જનહિતકારી પ્રાકૃતિક કૃષિના મિશનને તેજીથી આગળ લઈ જવા અને તેના પ્રચાર પ્રસાર કરવા માટે અપીલ કરી હતી.
આ પ્રસંગે હરિયાણાના કરનાલ સ્થિત મહારાણા પ્રતાપ હોર્ટીકલ્ચર યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર ડો. એસ. કે. મલ્હોત્રાએ દીક્ષાંત પ્રવચન આપતા કહ્યું કે, આ દીક્ષાંત સમારંભ માત્ર એક ઔપચારિક વિધિ નથી, તે શૈક્ષણિક પ્રતિબદ્ધતા, સંશોધન અને સેવાઓના બે દાયકાની ઉજવણી છે, આજનો 21મો દીક્ષાંત સમારંભ માત્ર ડિગ્રી પ્રદાન કરવા પૂરતો મર્યાદિત નથી, તે અદ્યયન, નવીનતા, સમુદાયની ભાગીદારી અને ગ્રામિણ સશક્તિકરણના માર્ગ પર 21 વર્ષની યાત્રામાં, જૂનાગઢ કૃષિ યુનિવર્સિટએ કૃષિ વૈજ્ઞાનિકો, કૃષિના જ્ઞાનના વિસ્તરણ કાર્યકરો તૈયાર કર્યા છે, જેમણે ખાદ્ય સુરક્ષા, ગ્રામિણ કલ્યાણ અને ટકાઉ જીવનજીવિકા માટે મહત્વપૂર્ણ યોગદાન આપ્યું છે.
કૃષિ યુનિવર્સિટીના કુલપતિ ડો. વી.પી..ચોવટિયાએ સ્વાગત પ્રવચનમાં યુનિવર્સિટીની સિદ્વિઓ, કામગીરીથી સૌને અવગત કર્યા હતા. કાર્યક્રમના અંતે રજીસ્ટ્રાર વાય.એચ. ઘેલાણીએ આભારવિધિ કરી હતી.
આ કાર્યક્રમમાં ધારાસભ્ય સંજયભાઈ કોરડીયા, જિલ્લા કલેક્ટર અનિલ રાણાવસિયા, જિલ્લા વિકાસ અધિકારી એચ.પી. પટેલ, જિલ્લા પોલીસ વડા સુબોધ ઓડેદરા, કમિશનર તેજસ પરમાર, ઉપરાંત કૃષિ યુનિ.ના અધિકારીઓ, પ્રાધ્યાપક, વડાઓ તેમજ અન્ય મહાનુભાવો, ગણમાન્ય નાગરિકો અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

74 ગોલ્ડ મેડલ-ગોલ્ડ પ્લેટેડ, સિલ્વર મેડલ: 578 વિદ્યાર્થીઓને પદવીઓ અપાઈ
આ દિક્ષાંત સમારંભમાં રાજ્યપાલના વરદહસ્તે કૃષિ, બાગાયત, કૃષિ ઇજનેરી અને ટેકનોલોજી તથા એગ્રી-બિઝનેસ મેનેજમેન્ટ વિદ્યાશાખાના સ્નાતક તેમજ અનુસ્નાતક કક્ષાના કુલ 578 વિદ્યાર્થીઓને પદવીઓ એનાયત કરવામાં આવી હતી. આ ઉપરાંત શૈક્ષણિક ક્ષેત્રે ઉચ્ચ ગુણાંક મેળવનાર વિદ્યાર્થીઓને કુલ- 74 ગોલ્ડ મેડલ/ ગોલ્ડ પ્લેટેડ, સિલ્વર મેડલ તથા 01 (એક) કેશ પ્રાઇઝ એનાયત કરવામાં આવ્યા હતા.
જૂનાગઢ કૃષિ યુનિ.ની નવી વેબસાઈટ લોન્ચ કરવામાં આવી
આ પ્રસંગે રાજ્યપાલના હસ્તે આધુનિક અને આકર્ષક ડિઝાઇન ધરાવતી અને મોબાઇલ ફ્રેન્ડલી જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીની નવી વેબસાઈટ લોન્ચ કરવામાં આવી હતી. આ સાથે વિદ્યાર્થીઓને એસએસઆઈપી ગ્રાન્ટના મંજૂરી પત્રો એનાયત કરવામાં આવ્યા હતા. તેમજ જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના વિઝન અને મિશનને દર્શાવતો એન્યુઅલ રિપોર્ટ પણ મહાનુભાવોના હસ્તે લોન્ચ કરવામાં આવ્યો હતો.

રિલેટેડ ન્યૂઝ