ઘટના પાછળ મિથેન ગેસનાં લિકેજની શંકા: કેન્દ્રએ તાત્કાલીક નિષ્ણાંતોની ટીમ દોડાવી
ગુજરાતના કાંઠે અરબી સમુદ્રમાં ઉકળતા પાણી સમાન પાણીના વલપો-રીંગ સર્જાતા માછીમારોમાં ઉભા થયેલા ભયને પગલે કેન્દ્ર સરકારે તાબડતોડ તપાસ શરુ કરાવી છે. માછીમારો તથા દરિયાઇ પરિવહન ક્ષેત્રમાં પણ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
અરબી સમુદ્રમાં માછીમારી કરી રહેલા માછીમારોની નજરે દરિયામાં એક ચોક્કસ વિશાળ ભાગમાં પાણી ઉકળતું હોય તેવું ચિત્ર નજરે ચડ્યું હતું જેને પગલે તાત્કાલીક ડીઝાસ્ટર મેનેજમેન્ટ વિભાગનું ધ્યાન દોરવામાં આવ્યું હતું. દરિયાના પાણીમાં આ ઘટનાને અસામાન્ય ગણાવવામાં આવી હતી. મિથેન ગેસ લીકેજ અથવા સમુદ્રના પેટાળમાં ગતિવિધિ કે પછી દરિયાની અંદર બીછાવાયેલી પાઇપલાઇનમાં કાંઇક ગરબડની શંકા દર્શાવવામાં આવી હતી. મહારાષ્ટ્રના પાલઘર ડિઝાસ્ટર મેનેજમેન્ટ દ્વારા તાત્કાલીક તપાસ જરુરી હોવાનો રીપોર્ટ કરાયો હતો. આ ઘટનાને અસામાન્ય ગણાવવામાં આવી હતી. મરિન તથા ઔદ્યોગિક એજન્સીઓની તપાસની ભલામણ કરી હતી. જેને પગલે સરકાર દ્વારા ઇન્ડિયન નેશનલ ફોર ઓશિયન ઇન્ફોર્મેશન સર્વિસની ટીમને તાત્કાલીક દોડાવવામાં આવી છે અને તપાસ કરીને રીપોર્ટ આપવા તાકિદ કરવામાં આવી છે.
સુત્રોના જણાવ્યા પ્રમાણે ઉકળતા પાણીના વલય જેવો આ ઘટનાક્રમ જે દરિયાઇ વિસ્તારમાં જોવા મળ્યો તે દરિયાઇ પરિવહનનો વ્યસ્ત માર્ગ કે ઉપરાંત મોટા પ્રમાણમાં માચ્છીમારી થતી હોય તેને કારણે નેવીગેશન સુરક્ષાનું પણ જોખમ ઉભું થઇ શકે છે. આ ઘટના ક્રમ પાછળના કારણોમાં મીથેનગેસ લીકે અથવા ઓઇલ ગેસની પાઇપલાઇનમાં ભંગાણ હોવાની શંકા નાકારાતી નથી.
આ ઘટના બાદ પાલઘરના ડીઝાસ્ટર મેનેજમેન્ટ તથા ભારતીય કોસ્ટગાર્ડ સહિતની એજન્સીઓ દ્વારા સંકલન સાધીને શેન્સર મારફત ઓનસાઇટ એનાલીસીસ પણ શરુ કરવામાં આવ્યું હતું. માછીમારોને આ ક્ષેત્રથી દૂર રહેવાની સૂચના આપવામાં આવી હતી. ઉપરાંત સાવધાની રાખવા તાકિદ કરવામાં આવી હતી.
