Jai Hind

વાહનોમાં એલઈડી લગાવનાર ચાલક સામે કાર્યવાહી કરવા આરટીઓનો ફરી પરિપત્ર

અકસ્માત ઘટાડવા અને માનવ જીંદગી બચાવવા હેડલાઈટ દૂર કરવાની ઝુંબેશ શરૂ કરવા આરટીઓને આદેશ

ગુજરાતમાં બાઈક-સ્કુટરથી કાર અને ભારે વાહનોમાં પણ આંખને આંજી દેતી તથા માર્ગ અકસ્માત માટે કારણ બનાવી હાઈ ઈન્ટેન્સીટી એલઈડી હેડલાઈટ સામે અંતે રાજય સરકારે ‘યુદ્ધ’ છેડવા આદેશ આવ્યા છે. રાજયના આરટીઓ વિભાગ દ્વારા એલઈડી લાઈટ સાથે દોડતા વાહનો સામે વ્યાપક કાર્યવાહી કરવા માટે તેને તમામ ઓફિસોને સૂચના આપી છે. માર્ગ સલામતીમાં અત્યંત જોખમી બની ગયેલી આ સફેદ તિવ્ર પ્રકાશ ફેકતી લાઈટ ધરાવતા વાહનોના માલીક-ચાલક સામે આકરા દંડ સહિતના પગલા લેવાશે. આ માટે રાજયની તમામ આરટીઓ ઓફિસ શહેરી ઉપરાંત છેક ગ્રામ્ય સ્તર સુધી તેની કાર્યવાહી કરીને વાહનોમાંથી એલઈડી લાઈટો દુર કરાવશે. રીજયોનલ તથા આસીસ્ટન્ટ રીજયોનલ ટ્રાન્સપોર્ટ ઓફીસને મોકલાયેલા પરિપત્રમાં આ પ્રકારની એલઈડી લાઈટ વાહનોમાંથી દુર થાય તે નિશ્ર્ચિત કરવા જણાવાયુ છે. ખાસ કરીને રાત્રીના સમયમાં આ તિવ્ર પ્રકાશ ફેકતી લાઈટ સામેથી આવતા વાહન ચાલકોથી આંખને આંજી દે છે. તેઓને આગળના દ્રશ્યો જોવામાં મુશ્કેલી પડે છે અને તેના કારણે અકસ્માત પણ થાય છે. ખાસ કરીને રાહદારીઓ માટે તે સૌથી મોટુ જોખમ બની ગઈ છે. આરટીઓને આ પ્રકારની હેડલાઈટ સાથેના વાહનોના ચાલક-માલીક સામે દંડાત્મક પગલા લેવા આદેશ અપાયો છે. આ પ્રકારની લાઈટ એ વાહનની માન્ય એસેસરીઝ નથી તેથી આ પ્રકારની લાઈટો પુરી પાડતી સપ્લાય ચેઈન સામે પણ કાર્યવાહી કરવામાં આવશે. આ જ રીતે વાહનોના ડીલરને પણ આ પ્રકારની લાઈટ વાહનના વેચાણ સમયે ફીટ કરી શકાય નહી તે જણાવાશે. જો કે અગાઉ પણ આ પ્રકારના આદેશ અપાયા હતા પણ પોલીસ અથવા આરટીઓ ફકત પ્રતિકાત્મક ઝુંબેશ કરી સંતોષ માને છે. અગાઉ આ પ્રકારે 2023થી 2025 વચ્ચે સાત વખત પરિપત્ર ઈસ્યુ થયા હતા જેથી ભાગ્યે જ આ કામગીરી કોઈ પરિણામ લાવે છે. હાઈવે સહિતના માર્ગો પર દોડતા વાહનોની હેડલાઈટ ટેલ-લાઈટ-ડીયર વિ. માટે વાહનમાં તેનાથી વધારે લાઈટ કે નિયમથી વધુ રીફલેકટર વિ. રાખી શકતા નથી પણ હાઈવે પર દોડતા વાહનો દોડતી રોશની જેવા ‘શણગાર’ હોય છે તેની સામે પણ પગલા લેવાતા નહી. માર્ગ પર ટેકનીકલ ક્ષતિથી બંધ પડી જતા વાહનો સાથે અન્ય વાહનો અથડાય નહી તેથી ખાસ રીફલેકટર વિ. રાખવાની જોગવાઈ છે પણ પાલન થતુ નથી.