બજેટમાં યોજના જાહેર થવાની સંભાવના
ગુજરાતમાં કોર્પોરેશન-સુધરાઇઓ સહિતની સ્વાયત સંસ્થાઓને વધુ સત્તા આપીને શક્તિશાળી બનાવવા માટે રાજ્ય સરકારે ચક્રોગતિમાન કર્યા છે જે અંતર્ગત નવા રસ્તા બનાવવા કે રીપેરીંગ માટે સ્વતંત્ર નિર્ણય લેવાના અધિકાર અપાશે. સરકારની મંજુરીની જરૂર નહીં રહે. ચોમાસા દરમ્યાન રોડ-રસ્તા ભાંગી જાય છે ત્યાર પછી સરકારી મંજુરીના વાંકે તેના રીપેરીંગમાં મહિનાઓ લાગી જતાં હોય છે. સૂચિત નિર્ણયથી વિલંબ અટકશે.
રાજ્ય સરકારના માહિતગાર સૂત્રોએ કહ્યું કે ગુજરાત સરકારના આગામી બજેટમાં આ નિર્ણયની જાહેરાત થઇ શકે છે. આગામી 17મી ફેબ્રુઆરીએ બજેટ રજુ થવાનું છે. આ નિર્ણયનો અમલ થવાના સંજોગોમાં સરકારની મંજુરી વિના જ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ રસ્તા રીપેર કરાવી શકશે. સરકારની ટેકનીકલ કે વહિવટી મંજુરીની જરૂર નહીં રહે.
સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓને દાયકાઓથી રસ્તાના રીપેરીંગ કે સામાન્ય કામ માટે પણ ગાંધીનગરથી મંજુરી લેવી પડતી હતી અને તેમાં લાંબો સમય લાગી જતો હોવાના કારણોસર લોકોએ મહિનાઓ સુધી હાલાકીનો સામનો કરવો પડતો હતો. જોખમી ખાડાઓને કારણે વાહન ચાલકો સહિતના લોકો પર જોખમ ઝળુંબતું રહેતું હતું. શહેરી વિકાસ વર્ષ અંતર્ગત રાજ્ય સરકાર આ મહત્વનો સુધારો કરવા માંગે છે.
રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અગાઉ સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના હેઠળ 149 નગરપાલિકાઓમાં રસ્તા રીપેરીંગ માટે 107 કરોડની ફાળવણી કરી હતી. સૂત્રોના કહેવા પ્રમાણે સૂચિત નિર્ણય ક્રાંતિકારી છે. નાણાંકીય સહાય સિવાય મુળભૂત સ્ટ્રક્ચરલ બદલાવ થશે.
રાજ્ય સરકારે ગત વર્ષે પણ અમુક ફેરફાર કર્યા છે જેમાં નગરપાલિકાઓને ચાર શ્રેણીમાં વિભાજીત કરીને 30 લાખથી 70 લાખ સુધીના નાણાંકીય અધિકારો આપ્યા હતા. આના કરતાં વધુ નાણાંકીય ખર્ચના પ્રોજેક્ટમાં સરકારી મંજુરી જરૂરી બનાવી હતી. હવે નવી સૂચિત નીતિમાં નાણાંકીય ખર્ચની કોઇ મર્યાદા નહીં રહે અને સ્વતંત્ર રીતે જ રસ્તાના કામો કરાવી શકશે.
સૂત્રોના કહેવા પ્રમાણે આ નિર્ણયથી વિકેન્દ્રીકરણ મજબૂત થશે. રસ્તાના કામોમાં ઢીલ દૂર થશે. ટેન્ડર અને અમલીકરણ સ્થાનિકસ્તરે જ થશે. રાજ્ય સરકાર માત્ર દેખરેખ રાખશે. ગુણવત્તાયુક્ત કામો થાય છે કે કેમ તેના પર નજર રહેશે. આ નિર્ણયથી પાયાના સ્તરે જવાબદારી વધશે. સરકાર કે સરકારી વિભાગો પર આંગળી ચિંધવાને બદલે નાગરિકો લોકલ સંસ્થાઓ-અધિકારીઓના કાન આમળી શકશે.
સ્થાનિક સંસ્થાઓ હસ્તકના કામો નબળા ન રહે અને પર્યાપ્ત દેખરેખ રાખી શકાય તે માટે થર્ડ પાર્ટી ઇન્સ્પેક્શન તથા ગેરંટી પીરીયડ જેવી જોગવાઇઓ લાગૂ કરાશે. જેમાં ચોક્કસ સમયમર્યાદા માટે રસ્તા રીપેરીંગ માટે કોન્ટ્રાક્ટરો જવાબદાર ઠરશે.