આજે સવારે 11 વાગ્યે બે મિનિટ મૌન પાળવા લોકોને કરાઈ અપીલ
ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામમાં જે શહીદ વીરોએ પોતાના પ્રાણનું બલિદાન આપ્યું છે, તેમની સ્મૃતિમાં દર વર્ષે તા. 30 જાન્યુઆરીના રોજ “શહીદ દિને” ઉજવવામાં આવે છે. ચાલુ વર્ષે આવતીકાલે શુક્રવાર તા. 30 ના રોજ “શહીદ દિને” નિમિત્તે સવારે 11 વાગ્યે બે મિનિટનું મૌન પાડીને દેશ માટે પ્રાણની આહુતિ આપનારા શહીદ વીરોને શ્રદ્ધાંજલિ અપાશે.
જે અંતર્ગત સમગ્ર રાજ્યમાં શક્ય હોય તેટલા પ્રમાણમાં કામકાજની અને વાહનવ્યવહારની ગતિને આ બે મિનિટ સુધી બંધ રાખવા રાજ્ય સરકાર દ્વારા જણાવાયું છે.
વધુમાં આવતીકાલે શુક્રવારે જે સ્થળે સાયરન કે સેનાની તોપની વ્યવસ્થા હોય ત્યાં સવારે 10:59 થી 11 વાગ્યા સુધી સાયરન વગાડી કે તોપ ફોડી બે મિનિટ માટે મૌન પાળવામાં આવશે. સાયરન બંધ થાય કે તુરંત જ જ્યાં કાર્ય કરતા હોય તેવા બધા જ સ્થળોએ કામ કરનાર સૌ પોતપોતાની જગ્યાએ શાંત ઉભા રહી મૌન પાળશે અને રસ્તાઓ પરના વાહનવ્યવહાર શક્ય હોય ત્યાં જ થોભે તે જોવા નાગરિકોને વિનંતી કરવામાં આવી છે. બે મિનિટ બાદ મૌનનો સમય પૂરો થાય એટલે 11:02 થી 11:03 સુધી સાયરન ફરીથી વાગશે ત્યારે રાબેતા મુજબનું કામકાજ ફરીથી શરૂ કરવાનું રહેશે.
જે સ્થળોએ સાયરન અથવા અન્ય કોઇ સંકેતની વ્યવસ્થા નથી ત્યાં સવારે 11 વાગ્યે બે મિનિટ મૌન પાળવા માટે સંબંધિતોને જાણ કરવામાં આવશે. શહીદવીરો પ્રત્યે ઋણ અદા કરી મૌન પાળવાના આ અવસરને ગૌરવશાળી બનાવવામાં સહયોગ આપવા રાજ્યના સામાન્ય વહીવટ વિભાગ દ્વારા સૌને અનુરોધ કરવામાં આવ્યો છે.
આ ઉપરાંત પ્રસારણ ક્ષેત્રના યુનિટો દ્વારા ભારતીય સ્વતંત્રતા સંગ્રામમાં શહીદ વીરોની ભૂમિકા અને રાષ્ટ્રિય એકતા જેવા વિષયો પર સાંસ્કૃતિક કાર્યક્રમ, ફિલ્મ કે વૃત્ત ચિત્રોનું આયોજન કરવાનું રહેશે.