Jai Hind

વેપારીઓમાં હાશકારો, નવી સિઝન પૂર્વે ઘઉંમાં સ્ટોક મર્યાદા રદ

સરકારના દાવા પ્રમાણે હાલ ભારતમાં 81 લાખ ટનનો છે સ્ટોક

ઘઉંની નવી સિઝન પૂર્વે કેન્દ્ર સરકારે વેપારીઓને મોટી રાહત આપી છે અને મહિનાઓથી લાગુ ઘઉં પરની સ્ટોક મર્યાદા દૂર કરી દેવામાં આવી છે. કેન્દ્ર સરકારની મહત્વની જાહેરાત થતાં આજે માર્કેટમાં ઘઉંના ભાવમાં કોઇ ખાસ અસર પડી ન હતી.
કેન્દ્ર સરકારે જાહેર કર્યું છે કે ઘઉંની સ્ટોક મર્યાદા રદ કરી દેવામાં આવી છે. કારણ કે સરકાર પાસે 30 લાખ ટનથી વધુનો સ્ટોક છે અને ભાવ પણ કાબુમાં છે. સરકાર દ્વારા 27મી મે 2025ના રોજ વેપારીઓ માટે સ્ટોક મર્યાદા લાગુ કરી હતી અને દર અઠવાડિયે સ્ટોકની વિગતો આપવાનું ફરજીયાત બનાવવામાં આવ્યું હતું પરંતુ હવે ઘઉંની નવી સીઝન જોર પકડવામાં છે તેવા સમયે સ્ટોક મર્યાદા વેપારમાં વિઘ્ન ઉભું કરી શકે તેવી શક્યતાને ધ્યાનમાં રાખીને આ નિયમ પાછો ખેંચી લેવામાં આવ્યો છે.
સરકારી દાવા પ્રમાણે ભારતમાં 81 લાખ ટનનો સ્ટોક છે જે વાર્ષિક ધોરણે 30 લાખ ટન વધુ છે. પુરવઠો સરળ હોવાથી હવે સ્ટોક મર્યાદા પાછી ખેંચવામાં આવે તો પણ ભાવ વધારાની ભીતિ રહેતી નથી. ગત વર્ષની 2970.10ની સરખાણીએ ઘઉંના ભાવ હોલસેલ ધોરણે હાલ 2852.30 છે જે સુચવે છે કે પૂરવઠો પર્યાપ્ત છે.
દરમ્યાન રાજકોટ માર્કેટ યાર્ડના વેપારીઓએ જણાવ્યું હતું કે ઘઉંની ધીમી સિઝન થઇ જ ગઇ છે. હાલ થોડીઘણી આવકો છે જે માલ ભેજવાળો છે. આવતા એકાદ પખવાડિયામાં આવકનું જોર વધવા લાગે તેમ છે. સ્ટોક લીમીટ રદ થવા છતાં માર્કેટમાં કોઇ અસર ન હતી અને મીલ ક્વોલીટી ઘઉંનો ભાવ 2550થી 2600ના સ્તરે ટકેલા હતાં.