છેલ્લા બે વર્ષથી ખાસ કરીને રાજકોટમાં શિયાળાની ઋતુ બરોબર જામતી નથી. માત્ર ગણતરીના દિવસો જ કડકડતી ઠંડી પડયા બાદ ટુંક સમયમાં ઉનાળાની ઋતુ શરૂ થઈ જાય છે. આવો જ ઘાટ ચાલુ વર્ષે પણ ઘડાયો હતો. ઉલ્લેખનીય છે કે હજુ ફેબ્રુઆરી માસની શરૂઆત થઈ છે અને ફેબ્રુઆરીની શરૂઆતમાં ઠંડીના દિવસો હોય છે પરંતુ ચાલુ વર્ષે ફેબ્રુઆરીની શરૂઆતમાં જ ઉનાળા જેવું આકરૂ તાપમાન બપોરના ભાગે નોંધાઈ રહ્યું છે અને ઠંડી સંપૂર્ણ ગાયબ થઈ ગઈ છે.
હવામાન વિભાગના સુત્રોમાંથી મળતી વિગતો મુજબ ગત જાન્યુઆરી માસમાં રાજકોટ શહેરમાં તા.3થી 17 વચ્ચે માત્ર આઠવાર જ સીંગલ ડીગ્રી તાપમાન નોંધાયું હતું. તા.3થી 17 જાન્યુઆરી દરમ્યાન માત્ર 8 વાર જ રાજકોટ શહેરનાં 8થી 9 ડીગ્રી આસપાસ તાપમાન નોંધાયું હતું. ઉલ્લેખનીય બાબત એ પણ છે કે ડીસેમ્બર 2025 પણ રાજકોટ શહેર ગરમ રહ્યું હતું.
માત્ર એક જ વાર ડીસેમ્બરમાં 12 ડીગ્રી લઘુતમ તાપમાન નોંધાયુ હતું. બાકી મોટાભાગે 15થી 16 ડીગ્રી વચ્ચે લઘુતમ તાપમાન નોંધાયું હતું. આથી ડીસેમ્બરમાં પણ શિયાળાનો અહેસાસ થયો ન હતો. જયારે જાન્યુઆરી 2026માં પણ નોંધપાત્ર ઠંડીના દિવસો રહ્યા ન હતા અને માત્ર 8થી 10 દિવસ જ કડકડતી ઠંડીનો અનુભવ થયો હતો.
દરમ્યાન ચાલુ ફેબુઆરી મહિનાની શરૂઆતથી જ ઉનાળો આવી ગયો હોય તેવું વાતાવરણ છવાઈ ગયું છે. છેલ્લા એક સપ્તાહથી રાજકોટ શહેરનું મહતમ તાપમાન 34થી 35 ડીગ્રી વચ્ચે નોંધાઈ રહ્યું છે જયારે લઘુતમ તાપમાન પણ 16થી 17 ડીગ્રી જેટલુ અત્યાર સુધીમાં નોંધાયું છે. હવામાન વિભાગના સુત્રો જણાવે છે કે ગત વર્ષે પણ આવી જ પરિસ્થિતિ હતી અને ચાલુ વર્ષે પણ ગ્લોબલ વોનિર્ંંગની અસર અને લાનીનોની અસર ઓછી હોય ઠંડીનું પ્રમાણ ઓછુ રહેવા પામ્યું હતું.