રાજ્યમાં થઇ રહેલા નવી સ્કીમોના બાંધકામ તૈયાર થઇ ગયા બાદ બિલ્ડરો દ્વારા સોસાયટીના રહીશોને સોસાયટી સોંપણી કરતી વખતે ઉપસ્થિત થતા મેન્ટેનન્સ ડિપોઝીટના હિસાબો અને નહી વેચાયેલા ફ્લેટોની મેન્ટેનન્સ ડિપોઝીટ કોણ આપે તે બાબતે પ્રકાશ પાડતી વિગતો ગુજરાત રીયલ એસ્ટેટ રેગ્યુલેટરી ઓથોરિટી દ્વારા તાજેતરમાં આપવામાં આવેલા એક ચુકાદામાં ટાંકવામાં આવી છે. વડોદરામાં અમિતનગર સર્કલ પાસે આવેલી શિવાય નામની રહેણાંક એપોર્ટમેન્ટના ઉપપ્રમુખ દ્વારા બિલ્ડર વિરૂધ્ધ અલગ-અલગ મુદ્દાઓ ઉપર કરવામાં આવેલી પિટીશનનની સુનાવણી દરમિયાન ગુજરેરાના પ્રિસાઇડીંગ ઓફિસર્સ ડો. એમ. ડી. મોડિયા અને એમ. એ. ગાંધીએ સ્પષ્ટ કર્યું હતું કે નહી વેંચાયેલા ફ્લેટની મેન્ટેનન્સ ડિપોઝીટ ફ્લેટ વેચાય ત્યારે ફ્લેટ ખરીદનારે આપવાની હોય છે બિલ્ડરે આપવાની થતી નથી. અત્રે એ યાદ રાખવી જરૂરી છે કે મેન્ટેનન્સ ડિપોઝીટ લાઇફ ટાઇમ એક વખત હોય છે જ્યારે રનીંગ મેન્ટેનન્સ દર મહિને આપવાનું હોય છે. તાજેતરમાં રેરા દ્વારા અમદાવાદના વસ્ત્રાપુર ખાતે આવેલી કાસા વ્યોમા નામની રહેણાંક સ્કીમના કિસ્સામાં ઠરાવ્યું હતું કે, નહી વેચાયેલા યુનિટોનું રનીંગ મેન્ટેનન્સ બિલ્ડરે સોસાયટીને આપવું પડે. આથી આ કિસ્સામાં સ્પષ્ટ થાય છે કે, લાઇફ ટાઇમ મેન્ટેનન્સ નવા ફ્લેટ ધારક ચુકવે જ્યારે મિલકત વેચાય નહી ત્યાં સુધી ચાલુ મેન્ટેનન્સ ખર્ચ બિલ્ડરે આપવો જોઇશે. પ્રસ્તુત કેસમાં મુદ્દો એવો હતો કે, શિવાય એપોર્ટમેન્ટનો પ્લાન બાવન ફ્લેટનો હતો પરંતુ બિલ્ડરે બે ફ્લેટ નહિ બનાવીને સ્કીમ અધુરી મુકી હોવાનો દાવો કરાયો હતો. સોસાયટીએ આ બન્ને ફ્લેટની કુલ રૂ. 4 લાખ મેન્ટેનન્સ ડિપોઝીટ બિલ્ડર પાસે માગી હતી. પરંતુ બિલ્ડર તરફથી રજૂઆત કરાઇ હતી કે, ફ્લેટ સેમી ફિનીશ છે અને કોઇ ખરીદનાર આવે ત્યારે કામ પુરુ કરીને વેચવામાં આવશે. આ બાબતે બન્ને પક્ષકારોને સાંભળ્યા બાદ રેરાએ ઠરાવ્યું હતું કે, મેન્ટેનન્સ ડિપોઝીટ પ્રમોટરે ના આપવાની હોય પરંતુ ફ્લેટના માલિકે આપવાની હોય. આથી જ્યારે ભવિષ્યમાં ફ્લેટનું વેચાણ થાય ત્યારે સોસાયટીએ ફ્લેટ ખરીદનાર પાસેથી આ ડિપોઝીટ વસૂલવાની રહેશે.